राष्ट्रीय

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી | North India freezes in cold: Temperature in Pratapgarh Rajasthan minus two degrees



North India Weather News : ઉત્તર ભારત રવિવારે હાડ થીજાવતી ઠંડીમાં થીજી ગયું હતું ત્યારે રાજસ્થાનમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહેતા સામાન્ય જનતાએ ઘરોમાં કેદ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કાશ્મિરમાં શોપિયાં માઈનસ 8.6 ડિગ્રી સે. તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. બીજીબાજુ દિલ્હીમાં પણ કેટલાક સ્થળો પર આ સિઝનમાં પહેલી વખત તાપમાન ત્રણ ડિગ્રીથી નીચે જતું રહ્યું હતું. ઉત્તર ભારતમાં હજુ કેટલાક દિવસ સુધી હાડગાળતી ઠંડી સાથે શીત લહેર યથાવત્ રહેવાની શક્યતા છે તેમ હવામાન વિભાગે કહ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં રવિવારે કેટલાક સ્થળો પર તાપમાન શૂન્યથી નીચે ઉતરી જતા આકરી ઠંડી અનુભવાઈ હતી, જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેવાની શક્યતા છે. પંજાબ અને હરિયાણામાં પણ તાપમાન ફ્રિઝિંગ પોઈન્ટના સ્તરે નોંધાયું હતું.  

રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ઠંડીથી તિવ્ર શીત લહેરની સ્થિતિ નોંધાઈ હતી. પ્રતાપગઢ માઈનસ બે ડિગ્રી સે. તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે બારમેરમાં પણ માઈનસ 1 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. પૂર્વીય રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહ્યું હતું જ્યારે પશ્ચિમ ભારતના કેટલાક સ્થળો પર પણ ધુમ્મસ જોવા મળ્યું હતું. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન ૧૦ ડિગ્રી સે.થી નીચે નોંધાયું હતું. દિલ્હીવાસીઓ સિઝનની પહેલી શીતલહેર અનુભવી રહ્યા છે ત્યારે કેટલાક સ્થળો પર તાપમાન 3  ડિગ્રીથી નીચે ઉતરી ગયું હતું.

આયાનગર શહેરમાં સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં તાપમાન 2.9 ડિગ્રી સે.થી નીચે હતું જ્યારે પાલમ સ્ટેશનમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સે. રહ્યું હતું, જે 13 વર્ષમાં સૌથી નીચું રહ્યું હતું. આગામી બે દિવસ સુધી દિલ્હીમાં આવી જ સ્થિતિ જોવા મળશે. સાથે જ હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરી છે. પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના નોઈડામાં તિવ્ર ઠંડીના કારણે ધોરણ-8 સુધીની સ્કૂલો 15 જાન્યુઆરી સુધી બંધ રાખવા આદેશ અપાયો છે.

કાશ્મીર અતિ તીવ્ર ઠંડીના 40 દિવસના ચિલ્લાઈ-કલાનમાં જકડાયેલું રહ્યું હતું. શ્રીનગરમાં માઈનસ 5.2 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું જ્યારે શોપિયાં કાશ્મીર ખીણનું સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં તાપમાન માઈનસ 8.6 ડિગ્રી સે. નોંધાયું હતું. અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પમાંના એક પહલગામ પ્રવાસન રિસોર્ટમાં તાપમાન માઈનસ 7.6 ડિગ્રી સે. નોંધાયું હતું. 



Source link

Related Articles

Back to top button