પીજ-ટુંડેલ રોડ ઉપર ટેમ્પી પલટી જતા આધેડનું મોત. બે ઈજાગ્રસ્ત | Middle aged man dies after van overturns on Pij Tundel road Two injured

![]()
– નડિયાદ જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્
– વાંઠવાળી રોડ પર પણ પથ્થર સાથે અથડાતા એક્ટિવા સ્લિપ થતા બે યુવાનને ઈજા પહોંચી
નડિયાદ : પીજ-ટુંડેલ રોડ પર શનિવારે બપોરે ટેમ્પી પલટી જતા ગંભીર રીતે ઈજા પામેલા આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને ઇજા થઇ હતી. આ ઉપરાંત વાઠવાડી રોડ ઉપર પડેલા પથ્થર સાથે એક્ટિવા અથડાતા પલટી જતા એક્ટિવા ચાલક સહિત બેને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
વસો તાલુકાના પીજ ગામમાં રહેતા પીન્ટુભાઇ તેમની ટેમ્પીમાં બામરોલીના રાજેન્દ્રભાઈ અંબાલાલ સોલંકી અને જયંતીભાઈ ગરબા ભાઈ તળપદા (રહે.પીજ)ને આગળની સીટ પર બેસાડી ટુડેલ તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન શ્રીજી વિલા ટુડેલ નજીક ટેમ્પી પલટી ગાઈ હતી. જેથી રાજેન્દ્રભાઈ અંબાલાલ સોલંકીનું શરીર પર ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે ટેમ્પી ચાલક પીન્ટુભાઇ અને જયંતીભાઈ તળપદાને ઈજા થઈ હતી. આ બનાવ અંગે વિશાલ રાજેન્દ્રભાઈ સોલંકીની ફરિયાદ આધારે વસો પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં રહેતા અજયભાઈ ભુપતભાઈ સોઢા પરમાર ગામમાં રહેતા સની રામસીંગભાઈ ચૌહાણ સાથે એક્ટિવા પર વટવા નોકરી જતા હતા. તેઓ તા.૯ જાન્યુઆરીના રોજ વટવાથી નોકરી પરથી છૂટી એક્ટિવા પર ઘરે જતા હતા. આ દરમિયાન રાત્રિના દસેક વાગ્યાના સુમારે ખાત્રજ ચોકડીથી મહુધા રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે વાંઠવાડી અંધજન સ્કૂલ નજીક રોડ ઉપર પડેલી પથ્થર સાથે અંક્ટિવા અથડાતા સ્લીપ થઈ ગઈ હતી. જેથી એક્ટિવા ચાલક શની ચૌહાણ અને અજય ભુપતભાઈ સોઢા પરમારને ઇજા થતાં આજુબાજુના લોકોએ દોડી આવી ૧૦૮ મારફત બંનેને સારવાર માટે મહેમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અજયભાઈ ભુપતભાઈ સોઢા પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



