દારૂ – બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer 2 escape

![]()
– નડિયાદના ડભાણ-કમલા રોડ પરથી
– પોલીસે દારૂનો જથ્થો, મોપેડ સહિતનો રૂપિયા 57,560 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો
નડિયાદ : નડિયાદ રૂલર પોલીસે શનિવારે સાંજે ડભાણ રોડ શુભમ પાર્ટી પ્લોટ પાસેથી મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય બે શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ રૂલર પોલીસ શનિવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ડભાણ-કમલા રોડ ઉપર શુભમ પાર્ટી પ્લોટના ગરનાળા પરથી મોપેડ પર વિદેશી દારૂ લઈને પસાર થનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આવતા મોપેડ ચાલકને ઉભા રહેવા ઈશારો કરતા મોપેડચાલક ઉભો રહ્યો હતો. જ્યારે તેની સાથેના બે શખ્સો નાસી ગયા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા સન્નીભાઈ ભગાભાઈ પરમાર (રહે.સત્કાર પાર્ક,નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી વિદેશી દારૂ-બિયર નંગ ૩૬ (કિંમત રૂ.૭,૫૬૦)નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે નાસી જનાર શખ્સોમાં કપિલ જગદીશભાઈ યાદવ (રહે.ચાંદની ચોક, નડિયાદ) તેમજ હિતેશ મનુભાઈ પરમાર (રહે. સત્કાર પાર્ક નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે વિદેશી દારૂ, કિંમત રૂપિયા કિંમત રૂ.૫૦,૦૦૦નું મોપેડ સહિતનો રૂ.૫૭,૫૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



