નડિયાદના પતંગ બજારમાં ઉત્તરાયણ પૂર્વેના અંતિમ રવિવારે ગ્રાહકોનો ધસારો | Nadiad kite market sees rush of customers on the last Sunday before Uttarayan

![]()
– દોરી રંગવાના સ્થળો પર ભારે ભીડ જોવા મળી
– ખંભાત પછી પતંગોના સૌથી મોટા કેન્દ્ર ગણાતા નડિયાદમાં પતંગ રસિયાઓની જથ્થાબંધ ખરીદી
નડિયાદ : ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે પતંગોના શહેર તરીકે ઓળખાતા નડિયાદમાં રવિવારની રજાના દિવસે ખરીદીમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પહેલાના આ અંતિમ રવિવારનો લાભ લેવા માટે માત્ર નડિયાદ શહેર જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય જિલ્લાઓમાંથી પણ પતંગ રસિયાઓ ઉમટી પડયા હતા.
નડિયાદના સલુણ બજાર, અમદાવાદી બજાર અને સંતરામ રોડ પર આવેલા પતંગ બજારમાં સવારથી જ ગ્રાહકોની મોટી મેદની જોવા મળી હતી. આ વર્ષે પતંગોના ભાવમાં થોડો વધારો હોવા છતાં લોકોમાં ઉત્સાહ જરાય ઓછો જણાતો નથી. પતંગબાજોએ ખાસ કરીને ચીલ, પાવલા, અઢી તાવ અને આંખવાળા પતંગોની પસંદગી કરી હતી. જથ્થાબંધ વેપારીઓના મતે આ અંતિમ રવિવારે ગત વર્ષ કરતા વધુ વેચાણ નોંધાયું છે. પતંગની સાથે સાથે ફીરકીઓ અને દોરીના બજારમાં પણ ભારે તેજી જોવા મળી હતી. નડિયાદની પ્રખ્યાત માંજો પાવવાની કળાનો લાભ લેવા માટે લોકો વહેલી સવારથી જ દોરી પાવવાના અડ્ડાઓ પર લાઈનો લગાવીને ઉભા રહી ગયા હતા. બજારમાં વધી રહેલી ભીડને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. પરંતુ પતંગના શોખીનોએ કલાકો સુધી ઉભા રહીને પોતાની પસંદગીની વસ્તુઓની ખરીદી કરી હતી. મોડી રાત સુધી ધમધમતા આ બજારમાં ખાણીપીણીની લારીઓ પર પણ લોકોની હાજરી જોવા મળી હતી. નડિયાદમાં તૈયાર થતી દોરી તેની ધાર અને મજબૂતી માટે જાણીતી છે, ત્યારે કારીગરોએ વધારાના માણસો રાખીને કામગીરી પૂર્ણ કરવી પડી છે. દોરી પાવવા માટે વપરાતા દેશી કાચ અને લુગદીની બનાવટમાં નડિયાદના કારીગરોની માસ્ટરી હોવાથી અનેક લોકો અગાઉથી ઓર્ડર આપીને પોતાની મનપસંદ દોરી તૈયાર કરાવી રહ્યા છે.
ચિત્રલેખા અને ફેન્સી પતંગોનું આકર્ષણ
આ વર્ષે નડિયાદના બજારમાં ચિત્રલેખા પતંગોની માંગમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને યુવાનોમાં કાર્ટૂન કેરેક્ટર અને સોશિયલ મીડિયાના લોગો ધરાવતા પતંગો ખૂબ લોકપ્રિય બન્યા છે. કાગળની ગુણવત્તામાં સુધારો થવાને કારણે પતંગબાજો પવનની ગતિ મુજબ ઉડી શકે તેવા પતંગોની વધુ માંગ કરી રહ્યા છે. વેપારીઓએ આ વખતે પડોશી રાજ્યોમાંથી પણ ખાસ પ્રકારનો કાચો માલ મંગાવીને ફેન્સી પતંગો તૈયાર કર્યા છે. જેની કિંમત સામાન્ય પતંગો કરતા થોડી વધુ હોવા છતાં વેચાણ સતત વધી રહ્યું છે.



