VIDEO: સીરિયામાં ISIS પર અમેરિકાની એરસ્ટ્રાઇક, જુઓ ઓપરેશનના ભયાનક દ્રશ્યો | America airstrikes on islamic states isis syria retaliation palmyra attack

![]()
America Syria Air Strike: અમેરિકાએ શનિવાર (10 જાન્યુઆરી)ની રાત્રે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી, આ હુમલો ત્રણ અમેરિકન નાગરિકોના મોત બાદ કરવામાં આવ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે તેમજ સેન્ટ્રલ કમાંડે વીડિયો જાહેર કરી તસવીર દુનિયા સામે રાખી છે. તમને જણાવી દઈએ કે આ કાર્યવાહી અમેરિકાએ ‘ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈક’નો ભાગ ગણાવ્યો છે. જેને ગયા મહિનામાં અમેરિકાના સૈન્ય ઠેકાણા પર ઘાતક હુમલા બાદ બદલો લેવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ શરૂ કરવામાં આવ્યું હતું.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અમેરિકાના લડાકુ વિમાનો ઉડાન ભરતા દેખાઈ રહ્યા છે અને સીરિયાના વિભિન્ન ક્ષેત્રોમાં આતંકી ઠેકાણા પર સટીક હુમલો કરી રહ્યા છે. જેમાં અનેક ઈમારતો ધ્વસ્ત થતી દેખાઈ રહી છે.
પલમાયરામાં થયેલા હુમલાનો જવાબ
અમેરિકાની સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ હુમલાઓ 13 ડિસેમ્બર, 2025 ના રોજ પલમાયરામાં થયેલા હુમલાનો જવાબ છે, જેમાં એક ISIS આતંકવાદીએ હુમલો કર્યો હતો. આઘટનામાં અમેરિકાના આયોવા નેશનલ ગાર્ડના બે સૈનિકો, એડગર બ્રાયન ટોરેસ-ટોવર (25) અને વિલિયમ નથાનીએલ હોવર્ડ (29) શહીદ થયા હતા. એક અમેરિકન નાગરિક દુભાષિયાનો પણ જીવ ગયો હતો. ડિસેમ્બર 2024માં બશર અલ-અસદના શાસનના પતન પછી સીરિયામાં યુએસ આર્મી દ્વારા આ પહેલો જીવલેણ હુમલો હતો.
અમે શોધી શોધીને ખતમ કરી દઇશું: US આર્મી
સીરિયા પર સેન્ટ્રલ કમાન્ડના હુમલા બાદ આતંકવાદીઓને ચેતવણી જાહેર કરી છે કે, ‘અમારો સંદેશ ખૂબ જ મજબૂત છે, જો તમે યોદ્ધાઓને નુકસાન પહોંચાડશો ટોપ અમે તમને દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધી ખતમ કરી દઇશું, તમે ન્યાયથી બચવા માટે ગમે તેટલી કોશિશ કરો પણ સફળ નહીં થાઓ’
શું છે ‘ઓપરેશન હોકઆઈ’?
આ ઓપરેશન 19 ડિસેમ્બર 2025ના આરોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેના પહેલા ચરણમાં અમેરિકાએ સીરિયામાં 70 ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. આ અભિયાનમાં અમેરિકા સાથે જૉર્ડનની સેના પણ સામેલ છે. આ હવાઈ હુમલાના ઠીક એક દિવસ પહેલા સીરિયાઈ સુરક્ષાદળોએ લેવેન્ટ ક્ષેત્રમાં ISISના મુખ્ય સૈન્ય કમાન્ડરની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો. મહત્વનું છે કે 2010ના દશકમાં મધ્ય ઈરાક અને સીરિયાના મોટા હિસ્સામાં ISISએ કબજો જમાવ્યો હતો ત્યારથી અમેરિકાની સેના ત્યાં હાજરી આપી રહી છે. હાલમાં પણ લાખો US સૈનિકો સીરિયામાં તૈનાત છે. જેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈસ્લામિક આતંકવાદ ISISને જડથી ખતમ કરવાનો છે.



