ભાવનગર: ફોનમાં વાત કરતાં યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના સંબંધીની છરીના ઘા ઝીંકીને હત્યા, 4ની ધરપકડ | Bhavnagar News Crime Story In Akvada whatsapp chatting issue turned into murder

![]()
Bhavnagar News: ભાવનગર અકવાડામાં યુવક અને યુવતીના ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગના મુદ્દે હત્યા થતાં ચકચાર મચી છે. યુવતીના પરિવારજનોને દીકરી અલ્પેશ સોલંકી નામના યુવક સાથે વાત કરે છે તેવી જાણ થઈ હતી. તે બાદ યુવકને ઠપકો આપવા ગત મોડી રાત્રે યુવતીના પરિવારના 3 શખ્સો યુવકના ઘરે ગયા હતા. જ્યાં મામલો બીચકતા ઉગ્ર બોલાચાલી બાદ યુવકના પરિવારજનોએ હુમલો કરી દીધો હતો. યુવતીના સંબંધી દિનેશ નામના યુવકને છરીઓના ઘા ઝીંક્યા હતા, જે બાદ દિનેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં આજે 11 જાન્યુઆરી દિનેશનું મોત થતાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે.
ઘરે ઠપકો આપવા ગયા હતા
ઘટના 10 જાન્યુઆરીની છે, ભાવનગર અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં આરોપી અલ્પેશ ધીરા સોલંકી રહે છે, જે ફરિયાદી દિલીપ છે, તેના મામા દિનેશના ભાગીદારની દીકરી સાથે ફોનમાં વાત કરતો હતો. જેની ભાગીદાર પરિવારને જાણ થતાં ફરીયાદી દિલીપ તથા તેના મામા દિનેશ અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતા.
છરીથી જીવલેણ હુમલો
જ્યાં અલ્પેશ અને તેનો ભાઈ રાહુલ તેમજ બાદમાં આવેલા સુરેશ ઉર્ફે ઘુધી અને એક સગીર હાજર હતા, થોડીવારમાં મામલો ઉગ્ર બને છે અને અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશ પકડી રાખે છે અને તેનો ભાઈ રાહુલ તેમણે પડખા અને પેટના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકે છે. દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી તેને પણ ઢોર માર મારે છે.
સગીર સહિત 4ને પોલીસે દબોચી લીધા
છરીના ઘા વાગતા દિનેશ(મામા) ઢળી પડે છે જે બાદ તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં ટુંકી સારવાર બાદ આજે વહેલી સવારે તેમનું મોત થાય છે. બનાવ અંગે મૃતકના ભાણિયો દિલીપ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે છે, પોલીસ પણ મારામારી બાદ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ટીમો ગતિમાન કરે છે. જેમાં સગીર સહિત 4ને પોલીસે દબોચી લીધા છે.
પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે Dysp જણાવ્યું હતું કે ‘ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના અકવાડા વિસ્તારમાં ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે, ત્યાં ગઈ રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો, જે બાદ સારવાર માટે ખસેડાયેલા દિનેશભાઈના ભાણિયા દિલીપે આપેલી ફરિયાદ દાખલ કરેલી છે’, આ બનાવના ચારેય આરોપી, રાહુલ, અલ્પેશ, સુરેશ અને અન્ય એક સગીરને હસ્તગત કરી લેવાયા છે, જો કે હવે ગંભીર રીતે ઘવાયેલા દિનેશનું મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.


