એક સમયે અમેરિકાએ જ ઈરાનને સોંપી હતી પરમાણુ ટેકનોલોજી! જાણો પાક્કા મિત્રો કેમ બન્યા કટ્ટર દુશ્મન | Iran vs USA: From Allies to Enemies – The Real Story Behind Rising Tensions

Iran vs USA: From Allies to Enemies : અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ સતત વધી રહી છે. હાલમાં ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે. જેને અમેરિકાએ સમર્થન આપ્યું છે. આટલું જ નહીં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈને પદથી હટાવવા માટે અમેરિકા સૈન્ય હુમલો કરે તેવી પણ આશંકા છે. એવામાં જાણીને આશ્ચર્ય થશે કે આજે એકબીજાને દુશ્મન માનતા ઈરાન અને અમેરિકા એક સમયે મિત્ર રાષ્ટ્રો હતા…
ઈરાન અને અમેરિકાની મિત્રતા
બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાને મિડલ ઈસ્ટમાં એક એવા મિત્ર રાષ્ટ્રની જરૂર હતી. જે સોવિયેત યુનિયનને રોકી શકે. એવામાં અમેરિકા ઈરાનના રાજાના ગલ્ફના ‘પોલીસમેન’ કહેતા. અમેરિકા ઈરાનને આધુનિક હથિયારો આપતો અને તેના બદલામાં ઈરાનના રાજા અમેરિકાના હિતોનું રક્ષણ કરતાં.
એક સમયે અમેરિકાએ જ ઈરાનને યુરેનિયમ અને પરમાણુ ટેકનોલોજી આપી હતી
અમેરિકા અને ઈઝરાયલ ભેગા થઈને ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરે છે. ઈરાનને પરમાણુ બોમ્બ બનવવાથી રોકવા હુમલા પણ કરવામાં આવ્યા છે. પણ આશ્ચર્યની વાત છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અમેરિકાએ જ શરૂ કરાવ્યો હતો! વર્ષ 1957માં અમેરિકાએ જ એટમ્સ ફોર પીસ પ્રોગ્રામ હેઠળ ઈરાનને પરમાણુ ટેકનોલોજી અને રિએક્ટર આપ્યા હતા. પરમાણુ અંગે ઈરાન અને અમેરિકા વચ્ચે કરાર પણ થયા હતા.
અમેરિકા-ઈરાનમાં દુશ્મનાવટમાં બીજ 1953માં રોપાયા હતા
ઈરાનના વડાપ્રધાન મોહમ્મદ મોસાદ્દેગેએ ઈરાનમાં ઓઈલ કંપનીઓનું રાષ્ટ્રિયકરણ કર્યું. સરકારે બ્રિટિશ કંપનીઓની સંપત્તિ પોતાના હસ્તક લઈ લીધી. તે પછી બ્રિટન અને અમેરિકાની CIAએ મળીને ઈરાનમાં ગુપ્ત ઓપરેશન ચલાવ્યું. આ ઓપરેશનનું નામ હતું ઓપરેશન ‘એજેક્સ’. મોસાદ્દેગેને પદ પરથી હટાવી જેલમાં નાંખી દેવાયા. ફરીથી રાજાને સત્તા સોંપી દેવાઈ.
ઈરાનના રાજા અમેરિકાની નજીક ગણાતા. જેથી ઈરાનના ધાર્મિક નેતાઓને તેઓ પસંદ નહોતા. જે બાદ આયાતુલ્લા ખોમેનીના નેતૃત્વમાં ઉગ્ર આંદોલન થયું અને રાજાએ દેશ છોડી અમેરિકામાં શરણ લીધી. તે સમયે અમેરિકાના રાજદૂતોને 444 દિવસ સુધી ઈરાનમાં જ બંધક બનાવી લેવામાં આવ્યા હતા.

અમેરિકાને ઈરાન પર કેમ હુમલો કરવો છે?
પરમાણુ બોમ્બના ભયનો અંત : ઈરાનની પરમાણુ ક્ષમતાને નષ્ટ કરી કરીને અમેરિકા લાંબાગાળા માટે સુરક્ષિત થઈ શકે
ઓઈલ અને ગેસ પર નિયંત્રણ : સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે. ત્યાં અમેરિકાનો સીધો પ્રભાવ સ્થાપિત થઈ જાય.
નવા શાસનની સ્થાપના: અમેરિકા ઈચ્છે છે કે ઈરાનમાં એવી સરકાર રહે જે પશ્ચિમી દેશો સાથે મિત્રતા રાખે તથા રશિયા અને ચીનથી દૂર રહે.
અમેરિકા અને ઈરાનના સંબંધોની ટાઈમલાઈન
1925-1941: રઝા શાહ પહેલવી
ઈરાનમાં આધુનિક રાજાશાહીનો યુગ વર્ષ 1925માં શરુ થયો હતો. રઝા શાહ પહેલવીએ ‘પર્શિયા’નું નામ બદલીને ‘ઈરાન’ રાખ્યું.
1941-1979: મોહમ્મદ રઝા શાહ પહેલવી
તેઓ રઝા શાહ પહેલવીના પુત્ર હતા. ધાર્મિક નેતાઓ તેમના પશ્ચિમી વિચારોથી નારાજ રહેતા હતા.
16 જાન્યુઆરી, 1979: ઇસ્લામિક ક્રાંતિ
વધતા વિરોધ પ્રદર્શનોને કારણે રાજા ઈરાન છોડીને ભાગી ગયા. 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો.
ઈરાનને સત્તાવાર રીતે ‘ઇસ્લામિક રિપબ્લિક’ જાહેર કરવામાં આવ્યું
1979: અમેરિકાએ ઈરાન પર પ્રથમ વખત આકરા પ્રતિબંધો લગાવ્યા
1979-1989 : આયાતુલ્લા રુહોલ્લા ખોમેની(પ્રથમ સુપ્રીમ લીડર)નું શાસન રહ્યું. તેમના શાસનમાં ઈરાન-ઈરાક યુદ્ધ થયું.
ઈરાન-ઈરાક યુદ્ધમાં અમેરિયકએ ઈરાકના સદ્દામ હુસૈનને સમર્થન આપ્યું, હથિયારો પણ આપ્યા
1988 : અમેરિકાની સેનાએ ભૂલથી ઈરાનનું પેસેન્જર વિમાન તોડી પાડ્યું, 290 લોકોના મોત થયા
1989-વર્તમાન : આયાતોલ્લાહ ખામેનેઈ
ખોમેનીના અવસાન બાદ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા અને ત્યારથી જ તેઓ ઈરાનના શાસક છે.
2002 : અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે ઈરાનને દુનિયા માટે જોખમી દેશ જાહેર કર્યો
2015 : અમેરિકાના પ્રમુખ ઓબામાના શાસનમાં ઈરાન સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાઈ. પરમાણુ કાર્યક્રમ રોકવાની શરતે અમેરિકાએ ઈરાન પર અમુક પ્રતિબંધ હટાવ્યા.
2018 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરાર ભંગ કર્યો. ઈરાન પર ફરી આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા
2020 : અમેરિકાએ ઈરાનના ટોચના જનરલ કાસેમ સુલેમાનીની ડ્રોન હુમલામાં હત્યા કરી

ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ છે ઈરાન સાથેના સંબંધ? ( ટાઈમલાઈન )
સ્વતંત્રતા પછી 1950માં ભારતે ઈરાન સાથે મૈત્રી કરાર કર્યા. 1970ના દાયકામાં ઈરાન અમેરિકાનું મિત્ર હતું, ભારતના રશિયા સાથે સારા સંબંધો હતા. છતાં ભારત અને ઈરાન વચ્ચે વેપાર ચાલુ હતો.
– 1974માં ઈન્દિરા ગાંધીના સમયમાં ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો મજબૂત થયા. ભારતને ઓઈલનો સપ્લાય મળ્યો.
– 2001માં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તે સમયે ભારત અને ઈરાને નક્કી કર્યું હતું કે બંને દેશો સાથે મળીને આતંકવાદ સામે લડશે અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારશે.
– 2012માં ડો. મનમોહન સિંહે તેહરાનની મુલાકાત લીધી અને અમેરિકાના પ્રતિબંધો છતાં ભારતે ઈરાન સાથે વેપાર ચાલુ રાખ્યો.
– 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનની ઐતિહાસિક મુલાકાત લીધી. ચાબહાર પોર્ટ વિકસાવવા માટે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક કરાર થયા.
– 2018માં તે સમયના ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ભારતની મુલાકાતે આવ્યા. ચબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતને સોંપાઈ.
પાકિસ્તાન અને ચીનને ટક્કર આપવા ઈરાનમાં ભારતનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ
ઈરાન અને ભારતના સંબંધોમાં ચબહાર પોર્ટનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. પાકિસ્તાનને ‘ચેકમેટ’ કરવા માટે ભારતે ઈરાનમાં બંદર વિકસાવ્યો. જેથી પાકિસ્તાનને બાયપાસ કરી ભારત સીધું જ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સુધી વેપાર કરી શકે. બીજી તરફ ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ બનાવ્યું. જેને ટક્કર આપવા ભારતે આ ચાબહાર પોર્ટમાં મોટું રોકાણ કર્યું. એક સમયે ઈરાન ભારતને ઓઈલ વેચનારો બીજો સૌથી મોટો દેશ હતો. જોકે 2019માં અમેરિકાના પ્રતિબંધોના કારણે ઓઈલ ખરીદવાનું બંધ કરવું પડ્યું. ઈરાનમાં કુદરતી ગેસનો પણ પુષ્કળ ભંડાર છે.

અમેરિકા ઈરાન પર હુમલો કરે તો ભારત પર શું અસર થશે?
– ભારત ભલે ઈરાન પાસેથી ઓઈલ નથી ખરીદતું. પણ જો અમેરિકા ઈરાન પર હુમલો કરે તો વિશ્વમાં તેલની તંગી સર્જાશે. જેના કારણે ઓઈલની કિંમતો પર પણ અસર જોવા મળી શકે છે.
– જો ચાબહાર પોર્ટ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું તો મધ્ય એશિયા સુધી વેપારની યોજનાઓને મોટો ઝટકો લાગશે
– જો અમેરિકાને વળતો જવાબ આપવા માટે ઈરાન ગલ્ફના અન્ય દેશો પર હુમલો કરે તો પણ સંકટ ઊભું થઈ શકે છે. યુએઈ અને કતાર જેવા દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો નોકરી કરે છે. તેમની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થઈ શકે છે.



