ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો જવાબ: અમેરિકાના સૈન્ય ઠેકાણા અને જહાજ ઉડાવી નાંખીશું | Iran Warns US and Israel of Retaliation if Military Attack Happens

![]()
Iran Issues Strong Warning to US : ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ થઈ રહેલા આંદોલનની વચ્ચે અમેરિકા અને ઈરાનના સંબંધો પણ વણસી રહ્યા છે. અમેરિકા વારંવાર ઈરાનના આંદોલનકારીઓનું સમર્થન કરી રહ્યું છે. ઈરાન પર હુમલાની પણ ધમકી આપવામાં આવી છે. એવામાં ઈરાનની સંસદના સ્પીકરે અમેરિકાને ચેતવણી આપી છે કે અમેરિકા હુમલો કરશે તો ઈરાન ચૂપ નહીં બેસે. ઈઝરાયલથી માંડીને મિડલ ઈસ્ટમાં સ્થિત અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલા કરવામાં આવશે.
ઈરાનની સંસદના સ્પીકરની અમેરિકા-ઈઝરાયલને ધમકી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સૈન્ય કાર્યવાહીની ધમકી બાદ ઈરાને જવાબ આપ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો વોશિંગ્ટન ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો અમેરિકા અને ઈઝરાયલ બંને અમારા માટે ‘કાયદેસરના નિશાન’ (Legitimate Targets) બની જશે.
આ દરમિયાન ઈરાની સાંસદોએ ડાયસ પાસે ધસી જઈને ‘અમેરિકા મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જો અમેરિકા લશ્કરી હુમલો કરશે, તો અમેરિકા અને ઈઝરાયલ તેમના સૈન્ય મથકો, જહાજોને નિશાન બનાવશે.’
ટ્રમ્પ ભ્રમિત થઈ ગયા છેઃ મોહમ્મદ બાગેર ગાલિબાફ
ગાલિબાફે ટ્રમ્પને ‘ભ્રમિત’ ગણાવતા કહ્યું કે, ઈરાન માત્ર હુમલા બાદ પ્રતિક્રિયા આપવા સુધી મર્યાદિત નહીં રહે. તમે કોઈ જ ખોટી ગણતરી ના કરતા. ઈરાન પર હુમલાની સ્થિતિમાં આ પ્રદેશમાં આવેલા તમામ અમેરિકન સૈન્ય મથકો, બેઝ અને જહાજો સુરક્ષિત નહીં રહે.
નોંધનીય છે કે, ઈરાનમાં એવા સમયે આંતરરાષ્ટ્રીય તણાવ સર્જાયો છે, જ્યારે ઈરાનમાં આંતરિક અશાંતિ પણ ચરમસીમાએ છે. ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં અંદાજે 116 લોકોના મોત થયા છે, જ્યારે 2,600થી વધુની અટકાયત કરાઈ છે.



