છોટાઉદેપુર:”ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ!”, ચૈતર વસાવાએ કવાંટમાં ગજવ્યું મેદાન | Chaitar Vasava Exposes MOU for Hydro & GMDC Projects in Nasvadi and Slams BJP in Chhota Udepur

![]()
Chaitar Vasava Slams BJP in Kawant, Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની જંગી સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર અને આદિજાતિ મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા છે. જમીન સંપાદનથી લઈને નેતાઓની અઢળક સંપત્તિ મુદ્દે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જમીન સંપાદન મુદ્દે સરકારને ઘેર્યા
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આદિવાસીઓની જમીન છીનવી લેવા માટે તખ્તો તૈયાર કરી રહી છે.
આંબાડુંગર પ્રોજેક્ટ: GMDCના પ્રોજેક્ટ હેઠળ 28 જેટલા ગામોની જમીન સંપાદિત કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
હાઈડ્રો પ્રોજેક્ટ: નસવાડી તાલુકામાં NDPC સાથે 18 ગામોની જમીન માટે MOU કરવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે નોટિફિકેશન અને જાહેરનામા કાગળ પર સ્પષ્ટ છે, ત્યારે ભાજપના સાંસદ અને ધારાસભ્યો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
“મંત્રીઓએ ભ્રષ્ટાચાર કરી જંગી સંપત્તિ બનાવી”
માજી આદિજાતિ અને વન મંત્રી પર આક્રમક પ્રહાર કરતા વસાવાએ કહ્યું કે, “જે નેતાઓ પહેલા બાઈક પર ફરતા હતા, તેઓ આજે ફોર વ્હીલરમાં ફરે છે. સાપુતારામાં હોટલો, મુંબઈમાં રિસોર્ટ અને કોસંબામાં જ્વેલર્સના ધંધામાં નાણાં રોક્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ તો માત્ર ટ્રેલર છે, હજુ મોટો બોમ્બ ફોડવાનો બાકી છે.”
મહેશ વસાવા અને સુખરામ રાઠવા પર વળતો પ્રહાર
ડેટા ચોરીનો જવાબ: મહેશ વસાવા દ્વારા કરવામાં આવેલા ડેટા ચોરીના આક્ષેપ પર પલટવાર કરતા ચૈતર વસાવાએ કહ્યું કે, મહેશ વસાવા ચૂંટણી લડ્યા ત્યારે તેમને NOTA કરતાં પણ ઓછા વોટ મળ્યા હતા. જો મેં ચોરી કરી હોય તો પોલીસ ફરિયાદ કેમ નથી કરતા?
ભાજપ-કોંગ્રેસ ‘ગઠબંધન’: સુખરામ રાઠવા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ અંદરોઅંદર વેવાઈ છે. આ “બી ટીમ” ના નારા લગાવનારાઓ વાસ્તવમાં પાંચ-પાંચ વર્ષના વહેંચાયેલા શાસનમાં એકબીજાની મદદ કરી રહ્યા છે.


