गुजरात

તાલાલાના રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડાએ ફાડી ખાધો, વન વિભાગે અડધા કલાકમાં નરભક્ષીને પાંજરે પૂર્યો | Leopard Attack in Gir: Farm Worker Dies in Talala Animal Captured by Forest Team



Leopard Attack in Talala: ગીર પંથકમાં તાલાલાના રસુલપરા ગીર ગામે રવિવારે (11મી જાન્યુઆરી) વહેલી સવારે દીપડાએ મહારાષ્ટ્રથી આવેલા શ્રમિક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હુમલાખોર દીપડાને પાંજરે પૂરી દીધો છે.

શૌચક્રિયા માટે ગયેલા શ્રમિક પર ત્રાટક્યો કાળ

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની 45 વર્ષીય નારસિંગ પાટીલ અન્ય શ્રમિકો સાથે રસુલપરાના ખેડૂત ભીખા કથીરિયાના ખેતરમાં શેરડી કાપણીના કામ માટે આવ્યા હતા. રવિવારે વહેલી સવારે નારસિંગ જ્યારે શૌચક્રિયા માટે ખેતર નજીક ગયા હતા, ત્યારે શેરડીના પાકમાં છુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. દીપડો શ્રમિકને ગળાના ભાગેથી પકડીને શેરડીના ઊભા પાકમાં ઢસડી ગયો હતો. સાથી શ્રમિકોએ બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે નારસિંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: જેતપુરમાં ડબલ મર્ડરથી ખળભળાટ: શંકાશીલ પતિએ પત્નીની કરી હત્યા, અન્ય એક મહિલાની ચાદરમાં લપેટેલી લાશ મળતા ચકચાર!

વન વિભાગની ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટનાની જાણ થતા જ તાલાલા રેન્જના RFO ડી.વી. વઘાસિયા, વનપાલ વાળાભાઈ અને લેબર ટ્રેકર ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગને સ્થળ પર જ દીપડાની હાજરી જણાતા તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની સતર્કતાને કારણે માત્ર અડધા કલાકના ટૂંકા ગાળામાં જ હુમલાખોર દીપડો પાંજરે પુરાયો હતો.

પોલીસ તપાસ અને સ્થાનિકોમાં ફફડાટ

આકોલવાડી આઉટ પોસ્ટ પોલીસ સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તાલાલા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યો હતો. શેરડીની સિઝન ચાલતી હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો ખેતરોમાં રહેતા હોય છે, ત્યારે આ ઘટનાને પગલે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ફફડાટ છે.



Source link

Related Articles

Back to top button