પાટણના હારીજમાં અકસ્માત: એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પલટી, 2 લોકોના મોત, અનેકને ઈજા | Patan News Harij Chanasma Highway Luxury Bus Accident 2 Dead Road Accident Case

![]()
Harij Chansma Highway Accident: પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર પર લકઝરી બસ પલટી મારી જતાં 2 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકોને ઇજા પહોંચતા સારવાર માટે પહેલા હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટિવા સવાર આડો ઉતરતા આ અકસ્માત સર્જાયો હતો, બસ ચાલકે તેને બચાવવાનો પ્રત્યન કર્યો હતો. જેથી રોડની સાઈડમાં લકઝરી બસ ઉતરી ગઈ હતી.
2 લોકો મોત, 18 લોકો ઈજાગ્રસ્ત
પ્રાથમિક માહિતી મુજબ, હારીજ-ચાણસ્મા હાઇવે પર ITI કોલેજ નજીક એક એક્ટીવા ચાલકને બચાવવા જતાં લકઝરી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ લકઝરી પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકો મોતને ભેટયા હતા તો અન્ય 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ ગામ લેઉવા પાટીદારના વડીલ વંદના કાર્યક્રમમાંથી વડીલો લકઝરી બસમાં પરત ફરી રહ્યા હતા ત્યારે ગોઝારો અકસ્માત નડ્યો હતો.
બસમાં ચીસાચીસ મચી ગઈ
અકસ્માત એટલો ભયાવહ હતો કે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મદદ માટે બસની અંદરથી બૂમરાડ મચી હતી, રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. જેમને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને ઘટનાની જાણ કરી હતી અને બસમાંથી લોકોને કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
બીજી તરફ સગા સંબંધીઓને અકસ્માતની જાણ થતાં હોસ્પિટલ બહાર ટોળે ટોળાં ઉમટ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા, હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.


