POCSO એક્ટમાં આવશે ‘રોમિયો-જ્યુલિયટ ક્લોઝ’? સુપ્રીમ કોર્ટ આવા પ્રેમીઓને રાહત આપવાના મૂડમાં! | what is romeo juliet clause supreme court bats exempt consensual teen relationships pocso act

![]()
Supreme Court News : સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, આ કાયદો બાળકોની સુરક્ષા માટે એક પવિત્ર અને સારા ઇરાદાનું પ્રતિક છે. જોકે અનેક કિસ્સામાં તેનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. કોર્ટે કહ્યું કે, આ કાયદાને ખાસ કરીને તેવા કિસ્સામાં ખૂબ જ દુરુપયોગ થઇ રહ્યો છે જ્યાં કિશોરો (ટિનેજર્સ) વચ્ચે સંમતિથી સંબંધો બંધાયા હોય. પરંતુ પરિવારનો વિરોધ હોય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યા અંગે ગંભીરતાથી વિચાર કરવા માટે જણાવ્યું છે. આવા કિસ્સામાં રાહત આપવા માટે રોમિયો-જુલિયેટ ક્લોઝ લાવવા અંગે પણ વિચાર કરવા માટે જણાવ્યું છે, જેથી વાસ્તવિક કિશોર જોડાઓને બિનજરૂરી ગુનાહિત કેસથી બચાવી શકાય.
હાઇકોર્ટના ચુકાદા અંગે સ્પષ્ટતા
ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ એન.કોટેશ્વર સિંહની પીઠે અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદા અંગે વ્યાપક નિર્દેશોને રદ્દ કરતા કેન્દ્ર સરકારને રોમિયો-જુલિએટ ક્લોઝ નો સમાવેશ કરવા માટેની ભલામણ કરી છે. આ ક્લોઝ તરૂણોને પ્રેમ બાદ સહમતિથી બંધાયેલા સંબંધો બાદ પોક્સોમાં ફસાતા અટકાવવામાં મદદ કરશે. કાયદાકીય કઠોરતાથી બચાવશે. જ્યાં બન્ને પક્ષો સંમતીથી સંબંધોમાં હોય અને ઉંમરનું ખુબ જ સામાન્ય અંતર હોય.
શું હતો અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો?
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ અનુરુદ્ધ મામલે આવી, જ્યાં અલ્હાબાદ હાઇકોર્ટે POCSO નાં એક કિસ્સામાં આરોપીના જામીન આપતા સમગ્ર રાજ્યમાં લાગુ થનારા કેટલાક નિર્દેશ આપ્યા હતા. જેમાં ઉલ્લેખ હતો કે, POCSO ના કેસની શરૂઆતમાં પીડિતાની ઉંમરનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવામાં આવે અને કોર્ટ શાળા અથવા જન્મતારીખના દાખલા અંગે શંકા જતા જ જામીન ફગાવી દેવામાં આવે.
હાઇકોર્ટની સીમાઓ અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
બાર એન્ડ બેંચના રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી કરતા સમયે પોતાના અધિકાર ક્ષેત્રથી આગળ વધીને નિર્દેશો આપ્યા હતા. કોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જામીન માટે સુનાવણીમાં કોર્ટ માત્ર આરોપીઓની મુક્તિ કે જેલવાસ અંગે જ નિર્ણય કરી શકે છે. ન તપાસ પ્રક્રિયામાં ફેરફાર અથવા સામાન્ય નિર્દેશ બહાર પાડી શકે નહીં. આ સંવૈધાનિક શક્તિઓ અને વૈધાનિક શક્તિઓનું અયોગ્ય મિશ્રણ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે, જામીન દરમિયાન કોર્ટ મિની ટ્રાયલ કરી શકે નહીં, ન તો વિવાદિત તથ્યો જેવા કે ઉંમર અંગે અંતિમ ચુકાદો આપી શકે છે. સાથે જ સંસદ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાને દરકિનાર કરીને કોઈ નવો બેન્ચમાર્ક પણ નિર્ધારિત કરવાથી બચવું જોઈએ.
સંમતીથી કિશોરો વચ્ચે બંધાયેલા સંબંધોમાં પોક્સ ચિંતાનો વિષય
જો કે હાઇકોર્ટના નિર્દેશોને ફગાવવાની સાથે સાથે સુપ્રીમ કોર્ટે એક ખુબ જ મોટા સામાજિક અને કાયદાકીય સંકટ તરફ પણ અંગુલીનિર્દેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, પોક્સો કાયદાનો ઉદ્દેશ્ય બાળકોના શારીરિક શોષણ અને ઉત્પીડનથી બચાવવાનો છે, જો કે અનેક કિસ્સામાં તેનો ઉપયોગ તે પરિવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોર્ટે ટાંક્યું કે, પોક્સો અધિનિયમ બાળકોના સંરક્ષણ માટે બનાવાયેલો એક અત્યંત પવિત્ર કાયદો છે. જો કે જ્યારે આ પ્રકારના સારા ઉદ્દેશ વાળા કાયદાનો ઘણીવખત બદલો લેવા માટે અને અંગત દુશ્મનાવટ કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
હથિયાર તરીકે થઇ રહ્યો છે કાયદાનો ઉપયોગ
પીઠે તેમ પણ નોટ કર્યું કે, સમગ્ર દેશની કોર્ટોમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં યુવતીની ઉંમર ઇરાદાપૂર્વક 18 વર્ષથી ઓછી હોવાનું દેખાડવામાં આવ્યું છે. જેથી યુવક પર પોક્સોની કડક કલમ હેઠળ કાર્યવાહી થાય. જ્યારે કે સંબંધ સંમતીથી બંધાયેલો હોય છે અને ઉંમરમાં પણ ખુબ જ ઓછું અંતર હોય છે. પોક્સોના દુરુપયોગથી એક અસમાનતા પેદા થઇ રહી છે. એક તરફ એવા બાળકો છે જેમને વાસ્તવમાં સંરક્ષણની જરૂર છે પરંતુ તેઓ ડર, ગરીબી, સામાજિક કલંકના કારણે ન્યાય વ્યવસ્થા સુધી પહોંચી નથી શકતા. બીજી તરફ કેટલાક લોકો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સંસાધનોના દમ પર કાયદાનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે.
કેન્દ્ર સરકારને રોમિયો-જુલિએટ ક્લોઝ માટે ભલામણ મોકલાઇ
આ ગંભીર સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાની એક કોપી કેન્દ્રીય કાયદા સચિવને મોકલવાનો નિર્દેશ આપ્યો અને કેન્દ્ર સરકારને કહ્યું કે, તેઓ પોક્સો કાયદાના દુરુપયોગ અટકાવવા ના ઉપાયો અંગે વિચાર કરો. કોર્ટે ભલામણ કરી કે અનેક દેશોની જેમ ભારતમાં પણ રોમિયો-જુલિએટ ક્લોઝ લાવવામાં આવી શકે છે, જેમાં સંમતિ વાળા, ઉંમરના નજીક કિશોર સંબંધોને ગુનાહિત કાર્યવાહીથી બહાર રાખવામાં આવી શકે છે.
રોમિયો-જુલિયટ કલમ શું છે?
આ અનેક દેશોમાં અમલમાં રહેલી કાનૂની જોગવાઈ છે. તે કિશોરો વચ્ચે સંમતિથી બનેલા સંબંધોને જાતીય અપરાધોની શ્રેણીમાંથી બહાર રાખે છે. જેમ કે 2-4 વર્ષ, જેથી તેમને બિનજરૂરી રીતે ગુનાહિત ન બનાવી શકાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને POCSO માં આવી કલમ ઉમેરવાનું વિચારવા કહ્યું છે, અને બદલો લેવા માટે કાયદાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી માટે એક પદ્ધતિ સ્થાપિત કરવાનું પણ સૂચન કર્યું છે.
વકીલોની ભૂમિકા અંગે આકરી ટિપ્પણી
કોર્ટે વકીલોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, વકીલોએ બેદરકારીપૂર્વક કેસ દાખલ ન કરવા જોઈએ જ્યાં તે સ્પષ્ટ હોય કે કાયદાનો ઉપયોગ બદલો લેવા અથવા દબાણ માટે થઈ રહ્યો છે. બારે એક ફિલ્ટર તરીકે કાર્ય કરવું જોઈએ જેથી ખાતરી કરી શકાય કે રક્ષણ માટે બનાવાયેલા કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ ન થાય.
ઉંમર નિર્ધારણ પર કાયદાકીય સ્થિતિ
સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તે સ્પષ્ટપણે વય નિર્ધારણ પ્રક્રિયાની રૂપરેખા આપે તે જરૂરી છે. પ્રથમ, શાળા અથવા જન્મ પ્રમાણપત્રની સમીક્ષા કરવામાં આવવી જોઈએ. જ્યારે આવા દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય ત્યારે જ ઓસિફિકેશન ટેસ્ટ જેવી તબીબી તપાસની મદદ લઇ શકાય છે. દરેક કિસ્સામાં તબીબી તપાસ ફરજિયાત નથી પરંતુ જરૂર પડે ત્યાં ઉપયોગ કરવો જોઇએ.
અન્ય કાયદાના દુરુપયોગ સાથે સરખામણી
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ સમસ્યા ફક્ત POCSO પૂરતી મર્યાદિત નથી. ભારતીય દંડ સંહિતાની કલમ 498A અને દહેજ પ્રતિબંધ કાયદા જેવા કાયદાના દુરુપયોગમાં પણ આ જ રીતે થઇ રહ્યો છે. આખરે કોર્ટે જણાવ્યું કે, ફક્ત કોર્ટના આદેશો આ સમસ્યાનું નિરાકરણ લાવી શકે તેમ નથી. આ મુદ્દાના ઉકેલ માટે સમાજ, વકીલો અને સંસ્થાઓએ પ્રામાણિકતા અને જવાબદારી સાથે તેમની ભૂમિકા અદા કરવી પડશે.


