છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે ‘સરકાર ભક્તિ’ કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmers’ Protest Deferred Suddenly Union Claims Success on Demands

![]()
Gujarat Farmers Protest Deferred Suddenly: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાંયો ચડાવનાર ભારતીય કિસાન સંઘે છેલ્લી ઘડીએ પીછેહઠ કરી છે. 12મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં 70 હજાર ખેડૂતોના શક્તિ પ્રદર્શન સાથે વિરોધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું કારણ ધરીને કિસાન સંઘે આ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જેને પગલે સંગઠનની ‘સરકાર ભક્તિ’ સામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
કઈ માંગણીઓ પર આંદોલનનું એલાન હતું?
કિસાન સંઘે ખેડૂતોની સળગતી સમસ્યાઓને લઈ સરકાર સમક્ષ મોરચો માંડ્યો હતો, જેમાં વીજ કંપનીઓની દાદાગીરી: સૌરાષ્ટ્રમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને વીજપોલનું યોગ્ય વળતર ન આપવું. મગફળી સહિતની જણસના ટેકાના ભાવમાં 15-20 ટકાનો વધારો કરવાની માંગ. રાજ્યમાં બેફામ વેચાતા નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ પર કડક નિયંત્રણ. વાવણી સમયે સર્જાતી ખાતરની કૃત્રિમ ખેંચ અને સબસિડીમાં વધારાની માંગ.
વિરોધ મોકૂફી પાછળનો તર્ક
કિસાન સંઘના નેતાઓએ દાવો કર્યો છે કે સરકારે ખેડૂતોની 10થી વધુ માંગણીઓ સ્વીકારી લીધી છે, તેથી આંદોલન હાલ પૂરતું સ્થગિત કરાયું છે. જો કે, જાણકારોના મતે વડાપ્રધાનના પ્રવાસમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે સંગઠને તલવાર મ્યાન કરી દીધી છે. કિસાન સંઘની આ બેધારી નીતિથી છેતરાયેલા અનુભવી રહેલા ખેડૂતોમાં સંગઠન પ્રત્યે રોષ ભભૂક્યો છે.
કોંગ્રેસના વેધક સવાલ
આ મુદ્દે કોંગ્રેસ કિસાન સેલે પણ સરકાર અને કિસાન સંઘ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે, ‘સરકારે કિસાન સંઘ સાથે એવી તે કઈ ગુપ્ત ચર્ચા કરી કે રાતોરાત આંદોલન સમેટાઈ ગયું? સરકારે ખેડૂતોના કયા કયા સવાલોનો ઉકેલ લાવ્યો છે તેની સત્તાવાર જાહેરાત જનતા સમક્ષ કરવી જોઈએ.’
મુખ્ય મુદ્દાઓ જે ચર્ચામાં રહ્યા
70 હજાર ખેડૂતોને એકઠા કરવાનો દાવો નિષ્ફળ રહ્યો. વારંવાર આંદોલન સમેટી લેવાની નીતિથી જગતના તાતમાં અવિશ્વાસ વધ્યો. પીએમ મોદીના કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે ‘સેફ પેસેજ’ આપવાની વ્યૂહનીતિ. આગામી દિવસોમાં જો સરકાર તેની ‘કબૂલાત’ મુજબ પગલાં નહીં ભરે, તો ખેડૂતોનો આ અસંતોષ વધુ ઉગ્ર બને તેવી શક્યતા નકારી શકાતી નથી.
ભારતીય કિસાન સંઘને સવાલો
•ગુજરાતના ખેડૂતોના દેવામાફીનું ચૂંટણી વચન ક્યારે પૂર્ણ થશે?
•ખામીયુક્ત જમીન માપણી મુદ્દે ખેડૂતોને ક્યારે ન્યાય મળશે?
•ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે કાયદો ક્યારે ઘડાશે?
•ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઉંચા લાવવા ક્યારે નક્કર પગલાં લેવાશે?
•ખાનગી વીજ કંપની ખેડૂતોને વીજ થાંભલા દીઠ ચાર ગણું વળતર ક્યારે આપશે?
•ખેત બજાર સમિતીમાં કડદાર પ્રથાનો અંત કયારે આવશે?
•સિઝન વખતે રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત કેમ સર્જાય છે?
•ખેડૂતોને બળજબરીપૂર્વક નેનો યુરિયા પધરાવી દેવાય છે એનું શું?
•ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી ત્યારે આ સમસ્યા ક્યારે હલ થશે?


