ટ્રમ્પની વધુ એક પોસ્ટથી વધુ એક યુદ્ધના ભણકારાં, કહ્યું – અમે આઝાદી અપાવવામાં મદદ કરીશું | ‘America is Ready to Help’: Trump’s Post Fuels Iran Military Intervention Fears

Donald Trump on Iran : ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેશભરમાં 12 કલાકથી વધુ સમયથી ઈન્ટરનેટ બંધ છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનીખેજ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે, જેનાથી અમેરિકા દ્વારા ઈરાનમાં સૈન્ય કાર્યવાહીની અટકળો તેજ થઈ છે.

ટ્રમ્પની પોસ્ટ અને સૈન્ય હસ્તક્ષેપના સંકેત
પ્રમુખ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું, “‘ઈરાન આઝાદી માંગી રહ્યું છે. કદાચ પહેલા ક્યારેય આવું નથી થયું. અમેરિકા મદદ માટે તૈયાર છે.'” ટ્રમ્પની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ઈરાનમાં પ્રદર્શનો વધુ હિંસક બની રહ્યા છે. આ પોસ્ટને ઈરાનના ખામેનાઈ શાસન વિરુદ્ધ અમેરિકાના સંભવિત સૈન્ય ઓપરેશનના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. આ પહેલા, અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ ઈરાનના પ્રદર્શનકારીઓનું સમર્થન કરતા કહ્યું હતું કે, “અમેરિકા ઈરાનના લોકોનું સમર્થન કરે છે.”
ઈરાનમાં ભડકેલી આગ : અર્થતંત્રથી શરૂ થયેલો વિરોધ શાસન વિરુદ્ધ પહોંચ્યો
ઈરાનમાં 28 ડિસેમ્બરે ત્યારે પ્રદર્શનો શરૂ થયા હતા, જ્યારે તેહરાનના બજારના દુકાનદારોએ ગગડી રહેલી કરન્સીને લઈને વિરોધ શરૂ કર્યો હતો. લોકોનો આરોપ છે કે ઈસ્લામિક શાસનમાં દેશનું અર્થતંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે અને એક ડોલરની કિંમત 14 લાખ ઈરાની રિયાલ સુધી પહોંચી ગઈ છે. તેહરાનના બજારથી શરૂ થયેલો આ વિરોધ હવે ઈરાનના તમામ 31 પ્રાંતોના 100થી વધુ શહેરોમાં ફેલાઈ ચૂક્યો છે.
ખામેનાઈ અને ટ્રમ્પ વચ્ચે શાબ્દિક યુદ્ધ
ઈરાનમાં જે રીતે પ્રદર્શનો થઈ રહ્યા છે, તેનાથી સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનાઈ અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે ફરીથી તણાવ શરૂ થઈ ગયો છે.
ટ્રમ્પની ચેતવણી: પ્રદર્શનો શરૂ થયા ત્યારથી, ટ્રમ્પ ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું છે કે જો ઈરાનની સરકાર પ્રદર્શનકારીઓને મારશે તો અમેરિકા તેમની મદદ કરશે.
ખામેનાઈનો વળતો પ્રહાર: બીજી તરફ, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈએ શુક્રવારે કહ્યું હતું કે, “ટ્રમ્પને પહેલા પોતાનો દેશ સંભાળવો જોઈએ.” તેમણે ટ્રમ્પને “સરમુખત્યાર” ગણાવતા કહ્યું હતું કે તેમનો અંજામ પણ ઈરાનના પૂર્વ શાહ પહલવી જેવો જ થશે.
72ના મોત, 2300થી વધુની અટકાયત
આ વિરોધ પ્રદર્શનોમાં હિંસા પણ વધી રહી છે. અમેરિકા સ્થિત હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીનું કહેવું છે કે બે અઠવાડિયાના પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા છે, જ્યારે 2,300થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન, ઈરાનના દેશવટો ભોગવી રહેલા ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીએ પણ ઈરાની લોકોને રસ્તા પર ઉતરીને ઈસ્લામિક શાસનનો વિરોધ કરવા અને ટ્રમ્પને મદદ કરવા અપીલ કરી છે.


