બિલોદરા અને કઠલાલ રેલવે ફાટક પર રબરની સીટો બેસી જતા મુશ્કેલી | Rubber seats at Bilodara and Kathlal railway crossings cause problems

![]()
– સમારકામ કરવા માટે તંત્રને રજૂઆતો કરાઇ
– ટુ વ્હીલર સ્લીપ ખાઇ જતા અકસ્માતના બનાવો વધ્યા, તાકીદે સમારાકામ કરવાની માગણી
નડિયાદ : નડિયાદ – કપડવંજ રોડ પર વડથલ રેલવે ફાટકની જેમ હવે બિલોદરા અને કઠલાલ રેલવે ફાટક પરથી વાહનચાલકો માટે પસાર થવું જોખમી બન્યું છે. રેલવે ટ્રેક અને રોડની સપાટી વચ્ચે સુરક્ષા માટે મૂકવામાં આવેલી રબરની સીટો (પેનલ) જમીનમાં બેસી જતાં ખાડા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અકસ્માતનું જોખમ ઉભુ થયું છે.
નડિયાદ – કપડવંજ મોડાસા રોડ પર ભારે વાહનોની અવરજવર સતત રહે છે. આ રોડ પર બિલોદરા, વડથલ, કઠલાલ અને કપડવંજ ફાટક આવેલો છે. આ ફાટકનો માર્ગ પર રેલવે લાઇનનો ટ્રેક વચ્ચે રબરની સીટો પેનલ બેસાડવામાં આવી છે. આ ફાટક પરથી ભારે વાહનોની અવરજવરના કારણે ટ્રેકની વચ્ચે મૂકવામાં આવેલી રબરની સીટો ઉખડી ગઇ છે અને નીચે બેસી ગઇ છે. ટ્રેક પરથી પસાર થતાં વાહન ચાલકને મુશ્કેલી રહી છે. ટુ વ્હીલરના ટાયર ખાડામાં ફસાઇ જતા અકસ્માતો બની રહ્યાં છે. ફાટક ખૂલતાની સાથે ટ્રાફિક જામ સર્જાઇ છે. આ મામલે બિલોદરા અને કઠલાલના સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ ઉકેલ આવ્યો નથી.સંબંધિત સત્તાધીશો દ્વારા તાબડતોબ બિલોદરા તેમજ કઠલાલ ફાટકના રેલ્વે ટ્રેક વચ્ચેની રબર સીટનું સમારકામ કરવા વાહન ચાલકોએ માગણી કરી છે.



