ટોકરાળા પાટીયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત | Middle aged man dies after being hit by unknown vehicle near Tokrala Patiya

![]()
– લીમડી-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રન
– અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર : લીમડી-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા ટોકરાળા ગામના પાટીયા પાસે એક અજાણ્યા વાહન ચાલકે આધેડને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
અકસ્માત સમયે નજીકની હોટલના સંચાલકોએ આ અંગે જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ પરમાર ગલાભાઈ ભલાભાઇ તરીકે થઈ હતી. પોલીસે આ અંગે તેમના પરિવારજનોને જાણ કરી ફરાર વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે હાઇવે પરના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે.
નોંધનીય છે કે, એક તરફ તંત્ર દ્વારા ‘માર્ગ સલામતી માસ’ની ઉજવણી કરી અકસ્માતો ઘટાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓ ઘટવાનું નામ નથી લઈ રહી.



