ખાલી નામની દારૂબંધી! બોડેલી નજીક બુટલેગરની બાઇક કાર સાથે અથડાઈ, પોલીસે બાઇકચાલકની કરી ધરપકડ | Bootlegger Carrying Liquor in Bike and Hits Car Near Bodeli Narmada Canal in Chhota Udepur

![]()
Accident Near Bodeli: ગુજરાતમાં ખાલી નામની દારૂબંધી હોય તેવી ઘટના સામે આવતી હોય છે, ત્યારે છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી નર્મદા કેનાલના મુખ્ય માર્ગ પર દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. દારૂનું વેચાણ થવાની સાથે-સાથે પીધેલી હાલતમાં લોકો વાહન ચલાવતા અકસ્માતનો ભય રહે છે, ત્યારે આજે(10 જાન્યુઆરી) બોડેલી નજીકની નર્મદા કેનાલ પાસે વિદેશી દારૂ અને બિયરની બોટલ ભરેલી બેગ લઈને જતાં બાઈકચાલક બુટલેગરે કારને ટક્કર મારતા અકસ્માત સર્જયો હતો.
મળતી માહિતી મુજબ, બોડેલી નજીક આવેલા અલ્હાદ પૂરા ગામ પાસે પૂર ઝડપે હંકારતા બુટલેગરની બાઇક કાર સાથે અથડાઈ હતી. દારૂની ખેપ મારતા બુટલેગરે કારને ટક્કર મારતા બાઇક રોડ પર સ્લીપ ખાતા દારૂની બોટલો રોડ પર પડી હતી. કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
બાઈકચાલકે અતિશય માત્રામાં દારૂ પીધો હતો કે ભાનમાં પણ નહોતો કે શું થયું છે. કારમાં સવાર પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો, ત્યારે બાઈકચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈને કારચાલકે બાઈકસવારનું ચેકિંગ કરતાં બાઈક અને તેની બેગમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. ઘટનાને લઈને કારચાલકે વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો. સમગ્ર મામલે કારચાલકે પોલીસને જાણ કરતા પોલીસે બાઈકચાલક બુટલેગરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



