રેલવે સ્ટેશન પર ફિલ્મી દ્રશ્યો ઃ હેરોઇન સાથે યુવાન દીવાલ કૂદીને ભાગતા પટકાયો | heroin caught at railway station

![]()
વડોદરા, તા.10 વડોદરા શહેરમાં પંજાબથી લાવીને ડ્રગ્સના મોટા ધંધાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કર્યો છે. વડોદરાના છાણી વિસ્તારનો યુવાન પંજાબના યુવાન પાસેથી હેરોઇનનો જથ્થો લઇને વડોદરા રેલવે સ્ટેશન પર આવતાં જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. મોડી રાત્રે પોલીસને જોઇ છાણીનો યુવાન હેરોઇન સાથે પ્લેટફોર્મ નંબર-૧થી ભાગીને પ્લેટફોર્મ નંબર-૬ પર પહોંચી દીવાલ કૂદતા જ તેને ઇજા થઇ હતી અને વિજિલન્સે ઝડપી પાડી રૃા.૪૮ લાખનો હેરોઇનનો જથ્થો કબજે કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના છાણીજકાતનાકા વિસ્તારમાં આવેલ ગુરુનાનક નગરમાં રહેતો અમરિકસિંઘ ઉર્ફે સોનુ સરવનસિંઘ માલહી પંજાબના શખ્સ પાસેથી માદક પદાર્થ હેરોઇનનો મોટો જથ્થો લઇને રાજસ્થાનથી ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવે છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સના સ્ટાફે ગઇ રાત્રે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો યુવાન આવતા જ પોલીસ સ્ટાફ સતર્ક બન્યો હતો.
જો કે અમરિકસિંઘને પોલીસ હાજર છે તેવો સંદેહ થતાં જ તે પ્લેટફોર્મ નંબર-૧ પરથી રેલવે ટ્રેક પર કૂદીને પ્લેેટફોર્મ નંબર-૨ પર ભાગ્યો હતો. આ સાથે જ પોલીસના માણસો પણ તેને ઝડપી પાડવા માટે તેની પાછળ દોડયા હતાં. મોડી રાત્રે હેરોઇનના ધંધાર્થી અને પોલીસ વચ્ચેની ફિલ્મી દોડે પ્રવાસીઓ તેમજ રેલવે કર્મચારીઓમાં કુતૂહલ સર્જયુ હતું. અમરિકસિંગ પ્લેટફોર્મ તેમજ રેલવેના પાટા કૂદીને પ્લેટફોર્મ નંબર-૬ પર પહોંચ્યો હતો અને આ છેલ્લા પ્લેટફોર્મની દીવાલની રેલિંગ (લોખંડની જાળી) કૂદતા જ સામેની બાજુ ઊંડો ખાડો હોવાથી તેમા પડયો હતો. આ સાથે જ પોલીસે તેને હેરોઇનના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.
પોલીસે તેની પાસેથી રૃા.૪૭.૯૮ લાખનું ૨૩૯.૯૪૦ ગ્રામ હેરોઇન, એક મોબાઇલ અને રોકડ મળી કુલ રૃા.૪૮.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરિકસિંઘને પગમાં ઇજા થઇ હોવાથી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં પંજાબના ભટિંડામાં રહેતા નિશાનસિંઘ પાસેથી હેરોઇનનો જથ્થો લાવ્યો હતો તેવી કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તા.૭ના રોજ વડોદરાથી રાજસ્થાનના રિંગાસ ખાતે ગયો હતો જ્યાથી નિશાનસિંઘ પાસેથી હેરોઇન ખરીદીને ટ્રેનમાં વડોદરા આવી પ્લેટફોર્મ નંબર-૧ પર ઉતર્યો હતો. આ અંગે રેલવે પોલીસમાં ગુનો નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલો અમરિકસિંઘ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો છે તેમજ ડ્રાઇવિંગ પણ કરે છે.
છાણીનો સોનુ પાંચ-પાંચ ગ્રામની પડીકીઓ બનાવી છૂટકમાં વેચતો
વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલ છાણી વિસ્તારના અમરિકસિંઘ ઉર્ફે સોનુ ભટિંડાના નિશાનસિઘ પાસેથી અવારનવાર હેરોઇન લાવતો હોવાનો પર્દાફાશ થયો છે. વેચાણથી હેરોઇન લાવીને પાંચ-પાંચ ગ્રામની નાની પડીકીઓ બનાવી તેનું છૂટકમાં વેચાણ કરતો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે. વડોદરામાં જ તેના અનેક ગ્રાહકો હોવાથી તે વારંવાર હેરોઇન લેવા માટે જતો હતો.
અમરિકસિંઘ સામે ફતેગંજમાં ડ્રગ્સ અને બારિયામાં દારૃનો ગુનો
વડોદરામાં ડ્રગ્સનો છૂટકમાં ધંધો કરતો અમરિકસિંઘ છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલો છે. પોલીસે જણાવ્યું હતું કે અમરિકસિંઘ સામે વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૨માં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધાયો છે. આ ઉપરાંત તેની સામે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૧૭માં પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ થયો છે.



