दुनिया

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર યથાવત, સુનામગંજમાં હિન્દુ યુવકની ઝેર આપી હત્યા | hindu man joy mahapatro loss of life sunamganj amid violence in bangladesh



Bangladesh News: બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર સતત દમન થઈ રહ્યું છે. એક પછી એક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વધુ એક ઘટનાએ હિન્દુ સમુદાય સહિત સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સુનામગંજ જિલ્લામાં જોય મહાપાત્ર નામના હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે.

મૃતકના પરિવારનો આક્ષેપ છે કે એક સ્થાનિક વ્યક્તિએ જોયને પહેલા અત્યંત ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો અને ત્યારબાદ તેને બળજબરીપૂર્વક ઝેર પીવડાવીને હત્યા કરી હતી. જોયને તાત્કાલિક સિલહટની એમએજી ઉસ્માની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ICUમાં થોડા કલાકોની સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે ભારતનું કડક વલણ, વિદેશ મંત્રાલયે કહ્યું- ‘તાત્કાલિક કડક કાર્યવાહી કરો’

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસાની ઘટનામાં વધારો

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ 25 વર્ષીય મિથુન સરકાર નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી. ચોરીની આશંકામાં ટોળાએ તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ ટોળાથી બચવા માટે તે નહેરમાં કૂદી ગયો હતો, પરંતુ તરતા ન આવડતું હોવાના કારણે ડૂબી જતા તેનું મોત થયું હતું. તેનો મૃતદેહ મંગળવારે બપોરે મળી આવ્યો હતો.

દીપુ ચંદ્ર દાસની પણ હત્યા

આ પહેલાં 18 ડિસેમ્બરે મૈમનસિંહ જિલ્લામાં 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસની પણ ક્રૂરતાપૂર્વક ઢોર માર મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર ઇશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ટોળાએ પહેલા તેને બેરહેમીથી માર માર્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ સાથે લટકાવીને આગ ચાંપી દીધી હતી. પોલીસે આ મામલે મુખ્ય આરોપી યાસીન અરાફાતની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે દીપુ ચંદ્ર દાસ પરઇશનિંદાનો ખોટો આરોપ લગાવી ટોળાએ હિંસા આચરી હતી. ઇશનિંદાનો આરોપ સંપૂર્ણપણે આધાર વિહોણો હતો અને માત્ર અફવા જ હતી.

લઘુમતી સમુદાય ભયના ઓથાર હેઠળ

2024ના વિદ્રોહ બાદ શેખ હસીના સરકાર પડી ગઈ હતી અને આગામી સંસદીય ચૂંટણીની તૈયારીઓ વચ્ચે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો નોંધાયો છે. બાંગ્લાદેશ હિંદુ બુદ્ધિસ્ટ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલના એક નિવેદન અનુસાર માત્ર ડિસેમ્બર મહિનામાં જ સાંપ્રદાયિક હિંસાની 51 ઘટનાઓ સામે આવી છે. જેમાં 10 હત્યાઓ ઉપરાંત લૂંટફાટ અને આગચંપી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. આમાંથી 10 ઘટનાઓ ખોટા ઇશનિંદાના આરોપોને કારણે બની હતી. લઘુમતી સમુદાયના ઘરો, મંદિરો અને વેપાર સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button