गुजरात

પંચમહાલમાં ખનીજ માફિયા બેફામ: વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની રેકી કરતા ઓડિયો મેસેજ વાઈરલ | WhatsApp Group Exposes Panchmahal Mining Mafia Tracking Officials’ Movements



Panchmahal Mining Mafia: પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ આધુનિક પદ્ધતિથી સરકારી તંત્રને પડકાર ફેંકી રહ્યા છે. જિલ્લામાં અધિકારીઓની ગાડીઓની રેકી કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ‘ પંચમહાલના બંકા’ નામના વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓના લોકેશન અને ઓડિયો મેસેજ શેર કરી ખનીજ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે, જેનાથી વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કેવી રીતે ચાલે છે રેકીનું નેટવર્ક?

મળતી માહિતી અનુસાર, ખનીજ માફિયાઓએ અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા માટે એક આખું જાળ બિછાવ્યું છે. ‘પંચમહાલના બંકા’ નામના ગ્રુપમાં અધિકારીઓ ક્યારે ઓફિસમાંથી બહાર નીકળે છે અને કયા રૂટ પર જઈ રહ્યા છે તેની પળેપળની માહિતી શેર કરવામાં આવે છે. ગોધરા અને કાલોલ વિસ્તારના રૂટ, ચોક્કસ લોકેશન અને સમયની વિગતો આ ગ્રુપમાં લાઈવ અપડેટ કરવામાં આવે છે.

વાઈરલ થયેલા ઓડિયો મેસેજમાં સ્પષ્ટ સાંભળવા મળે છે કે માફિયાઓ અધિકારીઓની ગાડીઓનો પીછો કરી રહ્યા છે અને એકબીજાને એલર્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી

તંત્રની કામગીરી પર પાણી ફરી વળ્યું

ખનીજ માફિયાઓના આ હાઈટેક નેટવર્કને કારણે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસની કામગીરી નિષ્ફળ સાબિત થઈ રહી છે. જ્યારે પણ અધિકારીઓ ઓચિંતું ચેકિંગ કરવા નીકળે છે, તે પહેલા જ માફિયાઓને ‘એલર્ટ’ મળી જાય છે અને સ્થળ પરથી ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરી વાહનો ગાયબ કરી દેવામાં આવે છે.

અધિકારીઓની સુરક્ષા સામે જોખમ

આ મામલો માત્ર ખનીજ ચોરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સરકારી અધિકારીઓની સુરક્ષા પર પણ ગંભીર સાવાલો ઊભા કરે છે. જો ખનીજ માફિયાઓ અધિકારીઓની આટલી નજીકથી રેકી કરી શકતા હોય, તો ભવિષ્યમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા નકારી શકાતી નથી.





Source link

Related Articles

Back to top button