दुनिया

માદુરોની જેમ પુતિનની પણ ધરપકડ કરાશે? ટ્રમ્પના જવાબથી ઝેલેન્સકીને લાગશે ઝટકો! | Trump on Putin’s Arrest: No Military Operation Needed



Donald Trump o Putin Arrest : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ કોઈ પણ પ્રકારના લશ્કરી ઓપરેશન અથવા ‘સર્જિકલ સ્ટ્રાઇક’ની શક્યતાઓને નકારી કાઢી છે. શુક્રવારે આપેલા એક નિવેદનમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે માદુરો જેવી કાર્યવાહી રશિયા સામે કરવાની કોઈ જરૂર નથી.

પુતિન સાથેના સંબંધો પર ટ્રમ્પનું નિવેદન

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા કરવામાં આવેલા ઇશારા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું, “મને નથી લાગતું કે તેની (પુતિનની ધરપકડની) જરૂર પડશે. મને લાગે છે કે રશિયા સાથે અમારા સંબંધો ખૂબ જ સારા રહેવાના છે, જેવા હંમેશા રહ્યા છે.”

જોકે, ટ્રમ્પે યુક્રેન યુદ્ધ લાંબુ ખેંચાવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ખુલાસો કર્યો કે માત્ર છેલ્લા એક મહિનામાં જ આ યુદ્ધમાં 31,000 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટાભાગના રશિયન સૈનિકો હતા. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ યુદ્ધ જલ્દી ખતમ કરવા માંગતા હતા પરંતુ તે હજુ પણ ચાલુ હોવાથી તેઓ નિરાશ છે.

ઝેલેન્સ્કીનો ઇશારો અને માદુરોનું ઓપરેશન

ગયા અઠવાડિયે અમેરિકાની ‘ડેલ્ટા ફોર્સે’ વેનેઝુએલાની રાજધાની કારાકસમાં દરોડો પાડીને પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે જો સરમુખત્યારો સાથે આવો જ વ્યવહાર કરવાનો હોય, તો અમેરિકા જાણે છે કે આગળ શું કરવાનું છે. ઝેલેન્સ્કીનો આ ઇશારો સીધો પુતિન તરફ હતો, કારણ કે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) એ પુતિન વિરુદ્ધ પણ વોરંટ જારી કરેલું છે.

વેનેઝુએલાના તેલ પર ટ્રમ્પની વ્યૂહરચના

માદુરોની ધરપકડ બાદ હવે ટ્રમ્પનું મુખ્ય ધ્યાન વેનેઝુએલાના તેલ ભંડાર પર છે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકન કંપનીઓ વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં 100 અબજ ડૉલર સુધીનું રોકાણ કરવા તૈયાર છે. વેનેઝુએલાના કાચા તેલના વેચાણમાંથી થતી આવકનો ઉપયોગ અમેરિકાની પ્રાથમિકતાઓ મુજબ કરવામાં આવશે. ટ્રમ્પ આવતા અઠવાડિયે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડો સાથે મુલાકાત કરવાના છે.

વેનેઝુએલામાં અમેરિકાનો વિરોધ

અમેરિકા આ કાર્યવાહીને પોતાની જીત ગણાવી રહ્યું છે, પરંતુ વેનેઝુએલાના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કારાકસની શેરીઓમાં લોકો અમેરિકા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. દેખાવકારોનું કહેવું છે કે અમેરિકા વેનેઝુએલાના કુદરતી સંસાધનો પર કબજો કરવા માંગે છે. સ્થાનિક કાર્યકર્તાઓનું કહેવું છે કે અમેરિકાને તેલનું એક ટીપું પણ ન આપવું જોઈએ.  



Source link

Related Articles

Back to top button