હની ટ્રેપથી સાવધાન : અમદાવાદના બિલ્ડરને ફસાવી ખંડણી માગનારા પત્રકાર-યુવતી ઝડપાયા | ahmedabad builder honey trap extortion case journalist arrested

Ahmedabad Builder Honey Trap: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન તેમજ રિડેવલપમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક 45 વર્ષીય બિલ્ડરને વાંધાજનક વીડિયોના આધારે બ્લેકમેઇલ કરી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં સાયબર ક્રાઇમે પત્રકાર અને એક યુવતીની ધરપકડ કરી છે.
બિલ્ડરને ફસાવી ખંડણી માગનારા પત્રકાર-યુવતી ઝડપાયા
બિલ્ડરની ઓફિસમાં કામ કરતી એક યુવતી સાથે તેમના નજીકના સંબંધો હતા. આ યુવતીને નાણાંની જરૂર હોવાથી તે અવારનવાર બિલ્ડર પાસે રકમ માંગતી હતી. દરમિયાન, આ યુવતીનો પરિચય ‘સત્યા ટાઈમ્સ’ દૈનિક સમાચાર પત્રના તંત્રી અને એનસીપી(NCP)ના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અશ્વિન ચૌહાણ સાથે થયો હતો. અશ્વિન ચૌહાણે વધુ નાણાં પડાવવાની લાલચ આપી બિલ્ડરની તમામ વિગતો મેળવી હતી અને સુનિતા રાજપૂત નામની અન્ય એક યુવતી સાથે મળીને બિલ્ડરને ફસાવવાનો કારસો રચ્યો હતો.
વીડિયો વાઈરલ કરી બદનામ કરવાની બીક બતાવી
યોજના મુજબ, ઓફિસમાં કામ કરતી યુવતીને ચોક્કસ રકમની ખાતરી આપી બિલ્ડર સાથે એક નિર્ધારિત સ્થળે મોકલવામાં આવી હતી, જ્યાં સુનિતા અને તેના સાગરિત બિન્નીએ સ્પાય કેમેરા દ્વારા બિલ્ડરની અંગત પળોનું વીડિયો શૂટિંગ કરી લીધું હતું. ત્યારબાદ, પત્રકાર અશ્વિન ચૌહાણે આ વીડિયો ક્લિપ બિલ્ડરને વોટ્સએપ પર મોકલી, તેને સોશિયલ મીડિયા અને અન્ય ન્યૂઝ ચેનલોમાં વાઈરલ કરવાની ધમકી આપી સૌપ્રથમ 50 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. સતત પાંચ-છ દિવસની ધમકીઓ અને રકઝક બાદ અંતે 10 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી.
હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગ કરતી ગેંગ સામે પોલીસની કડક કાર્યવાહી
સામાજિક પ્રતિષ્ઠા અને ધંધાકીય શાખ બચાવવા માટે ગભરાયેલા બિલ્ડરે જ્યારે મિત્રો પાસે નાણાંની વ્યવસ્થા કરવા માટે મદદ માંગી, ત્યારે મિત્રોને શંકા ગઈ હતી. બિલ્ડરે સમગ્ર હકીકત જણાવતા મિત્રોની સલાહથી સાયબર ક્રાઇમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર અશ્વિન ચૌહાણ અને સુનિતા રાજપૂતની ધરપકડ કરી છે, જ્યારે ફરાર બિન્ની અને ઓફિસમાં કામ કરતી યુવતીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી
તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી અશ્વિન ચૌહાણ શાહપુર વિસ્તારમાં રહે છે અને તે પત્રકાર હોવાની સાથે રાજકીય હોદ્દો (NCP ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ) પણ ધરાવતો હતો, જેના જોરે તે પોલીસ અને અન્ય વિભાગો પર ધાક જમાવતો હતો. તે બ્લેકમેઇલિંગ માટે ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો.



