પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો યુ-ટર્ન, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો | Patan MLA Kirit Patel Withdraws Resignation To Continue as Chief Whip

![]()
Gujarat Politics: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનાર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના રાજીનામાના સમાચાર પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. હાઈકમાન્ડ સાથેની મહત્ત્વની બેઠક અને ટેલિફોનિક વાતચીત બાદ તેમણે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ મામલો થાળે પડ્યો
મળતી માહિતી મુજબ, કિરીટ પટેલે પક્ષના ઉચ્ચ નેતાઓ અને હાઈકમાન્ડ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ વાતચીતમાં તેમની નારાજગીના કારણો અને સ્થાનિક પ્રશ્નો અંગે હકારાત્મક ખાતરી મળતા તેમણે પોતાનો નિર્ણય બદલ્યો છે. હવે તેઓ દંડક પદે કાર્યરત રહેશે અને રાજીનામું આપશે નહીં.
આ કોઈ પ્રેશર ટેક્નિક ન હતી : કિરીટ પટેલ
પોતાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા કિરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ‘મારો ઉદ્દેશ્ય પક્ષને નબળો પાડવાનો કે કોઈ પ્રેશર ટેક્નિક ન હતી. હાઈકમાન્ડ સાથે મારે પોઝિટિવ વાતચીત થઈ છે અને પક્ષના હિતમાં મેં રાજીનામું ન આપવાનો નિર્ણય લીધો છે.’
શું હતો સમગ્ર મામલો?
પાટણના MLA કિરીટ પટેલે આજે બપોરે 3:00 વાગ્યે દંડક પદેથી સત્તાવાર રીતે પોતાનું રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સંગઠનમાં થયેલી નિમણૂકો અને ખાસ કરીને પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખની વરણી મુદ્દે ભારે નારાજગી જોવા મળી હતી. જયાબેન શાહને ફરી પ્રમુખ બનાવતા અને સ્થાનિક નેતાઓની ‘સેન્સ’ લીધા વગર નિર્ણય લેવાતા કિરીટ પટેલ લાલઘૂમ થયા હતા.
કેમ નારાજ છે કિરીટ પટેલ?
કિરીટ પટેલે મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પક્ષમાં જ્યારે કોઈ મહત્ત્વની નિમણૂક કરવામાં આવે ત્યારે સ્થાનિક ધારાસભ્યોને વિશ્વાસમાં લેવા જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને જયાબેન શાહ સામે વ્યક્તિગત વાંધો નથી, પરંતુ જે રીતે સ્થાનિક નેતાઓની ‘સેન્સ’ લીધા વગર નિર્ણય લેવામાં આવ્યો છે તે પક્ષની શિસ્ત વિરુદ્ધ છે. જો કોંગ્રેસને મજબૂત કરવી હોય તો જૂથબંધી દૂર કરવી જોઈએ અને કાર્યકરો તેમજ ધારાસભ્યોના મંતવ્યોને મહત્ત્વ આપવું જોઈએ.
રાજકીય ગલિયારામાં ચર્ચા
કિરીટ પટેલના આ નિર્ણયથી સ્થાનિક સંગઠન અને પક્ષના કાર્યકરોમાં રાહત જોવા મળી છે. જોકે, રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આગામી દિવસોમાં પાટણ અને ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે, જેની ખાતરી કદાચ હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી હોય શકે.



