‘એવી જગ્યાએ હુમલો કરીશું, જ્યાં સૌથી વધુ નુકસાન થશે…’ દેખાવો વચ્ચે ઈરાનને ટ્રમ્પની ખુલ્લી ચેતવણી | Trump Warns Iran of Direct Attack as Protests Escalate Into Regime Crisis

![]()
Donald Trump Warns Iran: ઈરાનમાં આર્થિક સંકટને કારણે શરૂ થયેલું આંદોલન હવે સત્તા પરિવર્તનના બળવામાં ફેરવાઈ ગયું છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની શાસનને અત્યાર સુધીની સૌથી કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ‘જો ઈરાન પોતાના જ નાગરિકોની હત્યા કરશે, તો અમેરિકા શાંત બેસશે નહીં અને ઈરાનને સૌથી વધુ નુકસાન થાય તેવા સ્થળો પર સીધો હુમલો કરીશું.’
‘તમે ગોળીબાર કરશો, તો અમે પણ કરીશું’: ટ્રમ્પ
વ્હાઇટ હાઉસમાં ઉર્જા ક્ષેત્રના અધિકારીઓ સાથેની બેઠક બાદ ટ્રમ્પે મીડિયા સમક્ષ ઈરાન અંગે અમેરિકાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, ‘ઈરાન અત્યારે ભારે મુશ્કેલીમાં છે. લોકો એવા શહેરો પર કબજો કરી રહ્યા છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. જો તેઓ ભૂતકાળની જેમ દેખાવકારોને મારવાનું શરૂ કરશે, તો અમે તેમાં સામેલ થઈશું.’
જમીન પર સૈનિકો ઉતારવા અંગે પૂછતા તેમણે કહ્યું કે, ‘તેનો અર્થ સૈનિકો ઉતારવો એવો નથી, પરંતુ ઈરાનને જ્યાં સૌથી વધુ આર્થિક કે સામરિક નુકસાન થાય ત્યાં ‘સખત પ્રહાર’ કરવાનો છે. હું ઈરાની નેતાઓને અપીલ કરું છું કે પોતાના લોકો પર ગોળીબાર ન કરો, કારણ કે જો તમે ગોળીબાર કરશો, તો અમે પણ કરીશું.’
આ પણ વાંચો: ‘જેટલું જોઈએ, એટલું મળશે…’, ચીન-રશિયાને ટ્રમ્પની ખુલ્લી ઓફર, દુનિયા અચરજ પામી!
ઈરાનમાં ઇન્ટરનેટ અને એરસ્પેસ બંધ
ઈરાનની સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. રાજધાની તેહરાન ઉપરાંત મશહદ અને ઈસ્ફહાન જેવા મુખ્ય શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનોને દબાવવા માટે સર્વોચ્ચ નેતા ખામેનાઈના શાસને દેશભરમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરી દીધું છે અને દેશનું એરસ્પેસ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અનેક સ્થળોએ દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચે સીધી અથડામણના અહેવાલો છે, જેમાં ભારે જાનહાનિની આશંકા સેવાઈ રહી છે.
શા માટે ભભૂકી આગ?
આ દેખાવોની શરૂઆત ગયા મહિને તેહરાનના ગ્રાન્ડ બઝારથી થઈ હતી. ઈરાની ચલણ ‘રિયાલ’ના મૂલ્યમાં થયેલા ઐતિહાસિક ઘટાડાએ અર્થતંત્રને તોડી નાખ્યું છે. આશરે 40% થી વધુ મોંઘવારી અને વધતી બેરોજગારીએ સામાન્ય જનતાની સહનશક્તિની હદ વટાવી દીધી છે. પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધોને કારણે ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે, જે હવે સીધો જનઆક્રોશ બનીને બહાર આવી છે.



