મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raided: Geologist

![]()
– ચોરવીરામાં કોલસાના 32 ગેરકાયદે કૂવા ઝડપાવા મામલે બે વિભાગ આમનેસામને
– કૂવાઓ બંધ હોય તો મુદ્દામાલ કેમ ઝડપાયોઃ મામલતદાર
સાયલા : સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં ૩૨ જેટલા ગેરકાયદે કૂવા ઝડપાવા મામલે બે વિભાગ આમનેસામને આવી ગયા છે. માલતદારના દરોડા અંગે ભૂસ્તરશાસ્ત્રીએ દરોડાંને નકારી કૂવા બંધ હોવાનું જણાવી કાર્યવાહીને નકારી કાઢી હતી. જ્યારે ભૂસ્તરશાસ્ત્રીના નિવેદન પર મામલતદાર જણાવ્યું કે કૂવાઓ બંધ હોય તો મુદ્દામાલ કેમ ઝડપાયો. જોકે, એક વિભાગ કાર્યવાહી કરે અને બીજો વિભાગ તેને નકારે, સરકારના જ બે વિભાગો વચ્ચેની ખેંચતાણ વચ્ચે ખનીજ માફિયાઓને છૂટો દોર મળ્યો છે. બીજી તરફ આ સમગ્ર મામલે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ગેરકાદે ખનન ફરી શરૂ ન થાય તે માટે કૂવાઓ બુરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ચોરવીરા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતા ગેરકાયદેસર કાર્બોેસેલના ખનન મુદ્દે વહીવટી તંત્રમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગઈકાલે સાયલા મામલતદારની ટીમે સર્વે નંબર ૮૪૫ પર દરોડો પાડી ૩૨ જેટલા કૂવાઓ શોધી કાઢયા હતા અને ઘટનાસ્થળેથી ૨૮ નંગ બકેટ, મોટર અને દેડકા મશીન જેવા સાધન-સામગ્રી જપ્ત કરી હતી. જોકે, આ કામગીરી બાદ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલા નિવેદનોએ સમગ્ર કાર્યવાહી સામે અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.
ખનીજ વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી વાઢેરના જણાવ્યા મુજબ આ કૂવાઓ બંધ હાલતમાં હતા. આ જ જગ્યા ઉપર ખનીજ વિભાગ દ્વારા અગાઉ દરોડાં પાડવામાં આવ્યા હતા. ગઇ કાલે પાડેલા દરોડામાં કોઈપણ પ્રકારનો કાર્બોસેલ પણ જપ્ત કરવામાં આવેલો નથી. જોકે, ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રીને તમારા વિભાગ દ્વારા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેમ પુછતાં જણાવ્યું હતું કે અજાણ્યા લોકો સામે અમે પોલીસ ફરિયાદ કરીશું, આ જગ્યા ઉપર જેટલીવાર રેડ કરવી હોય તેટલીવાર કરી કામગીરી બતાવી શકાય છે.
બીજી તરફ ઇન્ચાર્જ ભૂસ્તારના જવાબ અંગે સાયલા ઇન્ચાર્જ મામલતદાર વિરલ શુક્લને પૂછતા જણાવ્યું કે જો ગેરકાયદે ખનન પ્રવૃત્તિ બંધ હોય તો ૨૮ નંગ સૂંઢ, કેસિંગ બકેટ અને કૂવામાંથી પાણી ખેંચવા માટેના ઇલેક્ટ્રિક દેડકા મોટર ક્યાંથી મળી આવે. તેમજ કોલસાના ઢગલા પણ મળી આવ્યા હતા. દરોડા સમયે લોકો ત્યાંથી નાસી છૂટયા હોવાથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી રહી હતી.
જોકે, હાલની સ્થિતિ જોતા એવું જણાય છે કે જો ખનીજ વિભાગ આવી રીતે કામગીરીમાંથી હાથ ઊંચા કરી લેશે, તો ખનીજ માફિયાઓને છૂટો દોર મળશે. એક વિભાગ કાર્યવાહી કરે અને બીજો વિભાગ તેને નકારે, તેવા વલણથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા ભૂ-માફિયાઓ ફાવી જાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
ગેરકાયદે કૂવાઓ બુરવામાં આવશેઃ ચોટીલા ડે.કલેક્ટર
બે વિભાગો વચ્ચેની ખેંચતાણ વચ્ચે લીંબડી ડેપ્યુટી કલેક્ટરે કડક વલણ અપનાવ્યું છે. તેમણે ખાતરી આપી છે કે તમામ ઝડપાયેલા કૂવાઓને તાત્કાલિક બુરવાની કામગીરી શરૂ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન થાય.


