લીંબડીમાં 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલું એસ.ટી. ડેપો જર્જરિત | ST Depot built in Limbdi 3 years ago at a cost of crores is dilapidated

![]()
– ડેપોમાં 50 ટકા જેટલા લાઈટ, પંખા, cctv બંધ હાલતમાં
– અડધોઅડધ બસ હાઇવે પરથી પોબારા ભણી જાય છે : મુસાફરો રિક્ષા ભાડા ખર્ચીને હાઈવે પર જવા મજબૂર
લીંબડી : સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન લીંબડી એસ.ટી. ડેપોનું સાત વર્ષ પહેલાં ૩ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે તેની સ્થિતિ અત્યંત દયનીય છે. ડેપોમાં લાઈટ, પંખા અને સીસીટીવી કેમેરા જેવી પાયાની સુવિધાઓ ૫૦ ટકા જેટલી બંધ હાલતમાં છે. જર્જરિત છતના પતરા ઉખડી જવાથી ચોમાસામાં પ્લેટફોર્મ પર પાણી ભરાય છે, જેના કારણે મુસાફરોને ઊભા રહેવું પણ મુશ્કેલ બને છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને કારણે આજે મુસાફરો અને કર્મચારીઓ બંને હેરાન થઈ રહ્યા છે. શૌચાલય પણ પ્લેટફોર્મથી ઘણું દૂર હોવાથી વડીલો અને બાળકોને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. ઘણીવાર તો શૌચાલય ગયેલા મુસાફરોની બસ પણ છૂટી જતી હોય તેવા કિસ્સાઓ બને છે. સૌથી ગંભીર પ્રશ્ન બસોની અનિયમિતતાનો છે.
અગાઉ આ ડેપોમાં ૧૦૦૦થી વધુ બસો આવતી હતી, પરંતુ હાલ અધિકારીઓ અને ડ્રાઈવર-કંડક્ટરોની મનમાનીને કારણે અડધી બસો ડેપોમાં આવવાને બદલે હાઈવે પરથી જ બારોબાર નીકળી જાય છે. રિઝર્વેશન કરાવનાર મુસાફરોએ પણ રિક્ષા ભાડા ખર્ચીને હાઈવે પર દોડવું પડે છે.
ડેપોમાં બસ આવતી નથી છતાં વર્કશોપમાં 6 કરોંડનું આંધણ
એક તરફ તંત્રએ ૬ કરોડના ખર્ચે નવા વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે બીજી તરફ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે જો ડેપોમાં બસો જ ન આવતી હોય અને પ્રાથમિક સુવિધાઓ જ ન હોય, તો નવા બાંધકામનો શું અર્થ? સ્થાનિક રહીશો અને મુસાફરોની માંગ છે કે નવા વર્કશોપની સાથે ડેપોના પ્લેટફોર્મ, લાઈટિંગ અને બસોના સ્ટોપેજની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે.


