दुनिया

હવે મેક્સિકોના ડ્રગ કાર્ટેલનો કચ્ચરઘાણ કાઢીશ : ટ્રમ્પ | I will now take out the drug cartels of Mexico: Trump



– મને કોઈ કાયદો લાગતો નથી, ટ્રમ્પ જ ટ્રમ્પનું માનશે : તુમાખીની ચરમસીમા

– ગ્રીનલેન્ડ પર માલિકી અધિકાર મહત્ત્વનો, હું તેના માટે પ્રત્યેક નાગરિકને 1 લાખ ડોલર સુધીની રકમ ચૂકવવા તૈયાર : ટ્રમ્પ

– હું અમેરિકાનો પ્રમુખ છું ત્યાં સુધી ચીન તાઈવાન પર હુમલો કરવાની હિંમત નહીં કરે : ટ્રમ્પનો દાવો

– અમેરિકા વિના નાટોનું અસ્તિત્વ નથી, મેં મદદ ના કરી હોત તો રશિયાએ યુક્રેન પર ઘણા સમય પહેલા કબજો કરી લીધો હોત 

વોશિંગ્ટન/કારાકાસ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા પર હુમલો કર્યા પછી બેફામ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં પ્રમુખપદ સંભાળ્યાને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે દુનિયાના દેશો પર ટેરિફ નાંખી ટ્રેડ વોર શરૂ કરનારા ટ્રમ્પ હવે ગ્રીનલેન્ડ, મેક્સિકો, કોલંબિયાથી લઈને ઈરાન સુધીના દેશોને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે. આવા સમયે ટ્રમ્પે અત્યંત તુમાખીપૂર્ણ ભાષામાં સ્પષ્ટ કહ્યું કે તેમને કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાની પડી નથી. આ દુનિયામાં મને માત્ર એક જ વ્યક્તિ રોકી શકે છે અને તે હું પોતે જ છું. આ સાથે ટ્રમ્પે વેનેઝુએલા પછી હવે મેક્સિકો પર હુમલાની ચેતવણી આપી છે અને ગ્રીનલેન્ડને ખરીદવાની ઓફર કરી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બીજા કાર્યકાળમાં પ્રમુખપદે સત્તા પર આવ્યાને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે તેમણે ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલી એક મુલાકાતમાં દુનિયામાં વર્તમાન સ્થિતિ અને ગ્રીનલેન્ડ, મેક્સિકો, કોલંબિયા, ઈરાન સહિતના દેશો માટેની તેમની યોજનાઓ અંગે સ્પષ્ટ વાત કરી હતી.

 ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલા અને પ્રમુખ નાદુરો તથા તેમના પત્નીના અપહરણની અમેરિકન સૈન્ય કાર્યવાહીની પ્રશંસા કરી હતી.

અમેરિકન પ્રમુખ તરીકે જે વૈશ્વિક તાકાત મળે છે તેની કોઈ મર્યાદા નથી : ટ્રમ્પ

આ સાથે ટ્રમ્પે દુનિયાને ચેતવણી આપતા સૂરમાં કહ્યું કે, અમેરિકા અત્યારે જે પગલાં લઈ રહ્યું છે તે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ ઉઠાવી શકે છે. અમેરિકન પ્રમુખ તરીકે વૈશ્વિક તાકાત મળે છે અને તેની કોઈ મર્યાદા નથી. 

આ દુનિયામાં ટ્રમ્પને માત્ર એક જ વ્યક્તિ રોકી શકે છે અને તે છે ટ્રમ્પ પોતે. મને માત્ર મારી નૈતિક્તા અને મારું મગજ જ રોકી શકે છે. મને કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાની જરૂર નથી. જોકે, આ સાથે તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે તેઓ લોકોને નુકસાન પહોંડી રહ્યા નથી. 

આંતરરાષ્ટ્રીય કાયદાની તમે કેવી વ્યાખ્યા કરો છો તે મહત્વનું : ટ્રમ્પ

આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા અંગે પૂછવામાં આવતા પ્રમુખ ટ્રમ્પે સ્વીકાર્યું કે તેમની સરકારે ‘કાયદા’ માનવા જોઈએ, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાની વ્યાખ્યા કેવી રીતે પરિભાષિત કરો છો તેના પર તે બાબત નિર્ભર છે તેમ પણ ટ્રમ્પે કહ્યું હતું. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા કે અમેરિકાને કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાની જરૂર નથી. આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવાના સંજોગોમાં અમેરિકા પર કેવા પ્રતિબંધો મુકાય તેનો નિર્ણય તે જ કરી શકે.

જિનપિંગને ખબર છે તેઓ તાઈવાન પર હુમલો કરશે તો હું નાખુશ થઈશ

વેનેઝુએલા પર અમેરિકાના હુમલાના ઉદાહરણ પરથી ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે અને રશિયા યુક્રેન પરના હુમલાને ન્યાયિક ઠેરવી શકે છે તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, હું પ્રમુખપદે છું ત્યાં સુધી ચીન તાઈવાન પર હુમલો કરવાની હિંમત નહીં કરે. તેઓ શું કરવા જઈ રહ્યા છે તે તેમના પર નિર્ભર છે, પરંતુ જિનપિંગને ખબર છે કે તેઓ તાઈવાન પર હુમલો કરશે તો હું ખૂબ જ નાખુશ થઈ જઈશ અને મને નથી લાગતું કે તેઓ આવું કંઈક કરશે. 

ચીન અને રશિયા નાટો નહીં માત્ર અમેરિકાથી જ ડરે છે

નાટો અંગે તેમણે ફરી કહ્યું કે, અમેરિકા વિના નાટોનું કોઈ અસ્તિત્વ નથી. અમેરિકા ના હોત તો રશિયાએ ઘણા સમય પહેલા જ યુક્રેનને કબજે કરી લીધું હોત. ચીન અને રશિયા માત્ર અમેરિકાથી જ ડરે છે. યુરોપ સાથે ણેરિકાના સંબંધો સારા રહેશે. હું જ એ વ્યક્તિ છું જેણે યુરોપને નાટોમાં પોતાના જીડીપીનો વધુ હિસ્સો ખર્ચ કરવા માટે મબજૂર કર્યા. હું યુરોપ પ્રત્યે ખૂબ જ વફાદાર રહ્યો છું.

માલિકીના અધિકારથી જે મળે તે લીઝ અથવા સંધીથી ના મળે

ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાની વાતનો પુનરોચ્ચાર કરતા ટ્રમ્પે ગ્રીનલેન્ડના માલિકીપણા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, માલિકી અધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. માલિકીનો અધિકાર જે વસ્તુ આપે છે તે લીઝ અથવા સંધીથી મળી શકતી નથી. કોઈ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવાથી એ વસ્તુઓ નથી મળતી જે માલિકીના અધિકારથી મળે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજાની વાત ફગાવતા કહ્યું કે તેઓ ગ્રીલેન્ડને ખરીદવા માગે છે. તેમણે કહ્યું તેમની સરકાર ગ્રીનલેન્ડને ડેન્માર્કના સ્વાયત્ત પ્રદેશથી અલગ કરીને અમેરિકામાં ભેળવી દેવાના પ્રયત્નો પર વિચાર કરી રહ્યું છે. આ માટે તેઓ ગ્રીલેન્ડના પ્રત્યેક વ્યક્તિને એક સાથે ૧૦ હજારથી એક લાખ ડોલર (અંદાજે ૯૦ લાખ રૂપિયા) આપવા તૈયાર છે. જોકે, આ નાણાં ક્યારે અને કેવી રીતે અપાશે તે વિચાર હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેની વિગતો સ્પષ્ટ નથી.

ડ્રગ તસ્કરીના સમુદ્રી રસ્તા બંધ કરવામાં મોટી સફળતા હાંસલ કરી 

દરમિયાન અમેરિકાએ મેક્સિકોમાં જમીની હુમલા શરૂ કરવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમે હવે ડ્રગ તસ્કરો વિરુદ્ધ જમીની કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છીએ. મેક્સિકો પર ડ્રગ તસ્કરોનું રાજ છે. ડ્રગ્સ અમારા દેશમાં દર વર્ષે ત્રણ લાખ લોકોને મારી નાંખે છે. ડ્રગ તસ્કરીના સમુદ્રી રસ્તાઓ પર અમેરિકાએ મોટી સફળતા હાંસલ કરી લીધી છે. અમે સમુદ્ર માર્ગે અમેરિકામાં આવતા ૯૭ ટકા ડ્રગ્સને રોકી લીધું છે. હવે અમારું ફોકસ જમીની માર્ગો પર હશે. મેક્સિકો પર ડ્રગ કાર્ટેલ્સનું નિયંત્રણ છે. 

મેક્સિકોની સંપ્રભુતા અને અખંડતાનું સન્માન થાય તે જરૂરી : શીનબોમ

ટ્રમ્પના નિવેદનના પગલે મેક્સિકોનાં પ્રમુખ ક્લાઉડિયા શીનબોમે કહ્યું કે, અમેરિકાની કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીનો આક્રમક જવાબ અપાશે. મેક્સિકો સુરક્ષા મુદ્દે અમેરિકાને સહયોગ કરશે, પરંતુ તે માત્ર દેશની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાના સન્માનની શરતો પર થાય તે જરૂરી છે. અમેરિકન પ્રમુખ અગાઉ પણ ઘણી વખત મેક્સિકોમાં સૈન્ય કાર્યવાહીની વાત કરી ચૂક્યા છે, પરંતુ તેમની સરકારે દૃઢતાથી આ વાત નકારી કાઢી છે. મેક્સિકોમાં જનતાનું શાસન છે અને અમે એક સ્વતંત્ર, સ્વાયક્ત અને સંપ્રભુ દેશ છીએ તે બાબત જણાવવી ખૂબ જ મહત્વનું છે તેમ શીનબોમે કહ્યું હતું.

અમેરિકન પ્રમુખની ટીકા પછી નવા પ્રમુખના સૂર બદલાયા

ટ્રમ્પના દબાણમાં વેનેઝુએલામાં નવી સરકારે રાજકીય કેદીઓને છોડયા

– અમેરિકા જ નહીં અમને પણ ફાયદો થાય તેવી વ્યાવસાયિક સમજૂતિ માટે તૈયાર : ડેલ્સી રોડ્રિગ્સ

કારાકાસ : અમેરિકન સૈન્ય વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિઆ ફ્લોરેસનું અપહરણ કરી ગયા પછી વેનેઝુએલામાં સત્તા પરિવર્તન થયું છે. ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે વચગાળાના પ્રમુખ તરીકે સત્તા સંભાળી છે. તેમણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દબાણમાં અનેક રાજકીય કેદીઓને જેલમાંથી છોડવાની જાહેરાત કરી છે. વધુમાં વચગાળાના નવાં પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ મુદ્દે અમેરિકા સાથે વેપાર કરવાની પણ તૈયારી દર્શાવી છે.

અમેરિકન સૈન્યે પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલિયા ફ્લોેરેસને બંધક બનાવી અમેરિકન કોર્ટમાં રજૂ કર્યા પછી વેનેઝુએલામાં રાજકીય પરિસ્થિતિ ખૂબ જ અરાજક બની ગઈ છે. પ્રમુખ માદુરોની ગેરહાજરીમાં ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે વચગાળાના પ્રમુખ તરીકે સત્તા સંભાળી લીધી છે. આ ઘટનાના એક સપ્તાહમાં જ નવી સરકારે રાજકીય કેદીઓને જેલમાંથી છોડવાની જાહેરાત કરી છે. વેનેઝુએલાની સંસદના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે કહ્યું કે, સરકાર મહત્વપૂર્ણ સંખ્યામાં અનેક રાજકીય કેદીઓને છોડી રહી છે. તેમાં વેનેઝુએલાના નાગરિકોની સાથે વિદેશી કેદીઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, આ પગલું દેશમાં શાંતિ, સ્થિરતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વને મજબૂત કરવા માટે ઉઠાવાયું છે. આ જાહેરાતને નવાં પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સની સરકારના પહેલા મોટા રાજકીય નિર્ણયોમાંના એક તરીકે માનવામાં આવે છે. આ નિર્ણય અભિવ્યક્તિની આઝાદીની દિશામાં પ્રારંભિક સંકેત તરીકે જોવામાં આવે છે. વેનેઝુએલામાં નવી સરકારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દબાણમાં આ નિર્ણય લીધો હોવાનું સ્પષ્ટપણે મનાય છે.

નવાં પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે સત્તા સંભાળ્યા પછી વેનેઝુએલા પર અમેરિકાના આક્રમણને નાર્કો ટેરરિઝમ નહીં પરંતુ તેની ક્રૂડ ઓઈલની ભૂખ માટે કરાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે અમેરિકન પ્રમુખ પર ઊર્જાની લાલચનો આક્ષેપ મૂક્યો હતો. જોકે, હવે રોડ્રિગ્સના સૂર બદલાયા છે. ટ્રમ્પે વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ પર સંપૂર્ણ કબજો કરવાનો દાવો કર્યા પછી રોડ્રિગ્સે કહ્યું કે, વેનેઝુએલા એક મોટી ઊર્જા શક્તિ છે. આ કારણે દેશે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો. જોકે, વેનેઝુએલા અમેરિકા સાથે કોઈપણ એક તરફી સમજૂતી નહીં સ્વીકારે. તેમનો દેશ માત્ર અમેરિકા જ નહીં તેમને પણ ફાયદો થાય તેવી વ્યાવસાયિક સમજૂતી કરવા માટે તૈયાર છે. તેમમે કહ્યું, અમેરિકાએ પ્રમુખ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવવાના પ્રયાસમાં વેનેઝુએલા પર આક્રમણ કર્યું હતું, તેમ છતાં અમેરિકા સાથે વેપાર કરવો એ ન તો અસામાન્ય છે કે અયોગ્ય પણ નથી.



Source link

Related Articles

Back to top button