ઈરાનમાં દેખાવો ઉગ્ર બનતા ઈન્ટરનેટ, એરસ્પેસ બંધ | Internet airspace shut down as protests intensify in Iran

![]()
– ઈસ્લામિક શાસન વિરુદ્ધ યુવરાજ પહલવીએ દેખાવોની હાકલ કરી : મૃત્યુઆંક 60ને પાર
– દેશની સંપત્તીને નુકસાન પહોંચાડી દેખાવકારો ટ્રમ્પને મદદ કરે છે, જેના હાથ ઈરાનીઓના લોહીથી ખરડાયેલા છે : ખામેનેઈ
– મોતથી ડરતી નથી, હું તો 47 વર્ષ પૂર્વે મરી ગઈ છું, ઈસ્લામિક શાસને મહિલાઓના અધિકારો આંચકી લીધા : વૃદ્ધાનો બળાપો
તહેરાન : ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીએ મોટાપાયે દેખાવોની હાકલ કરી હતી, જેને પગલે ઈરાનના અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દેખાવો હિંસક બનતા ઈરાનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને ૬૦ થયો છે જ્યારે ઈરાન સરકારે ગુરુવારે અડધી રાતે ઈન્ટરનેટ, એરસ્પેસ અને આંતરરાષ્ટ્રિય કોલિંગ બંધ કરી દીધા હતા. બીજીબાજુ સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈએ આ દેખાવો વચ્ચે પહેલી વખત જનતાને સંબોધન કરતા ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી.
ઈરાનમાં મોંઘવારી, કથળતા અર્થતંત્ર, સામાજિક નિયંત્રણોના વિરોધમાં છેલ્લા ૧૨ દિવસથી ચાલતા દેખાવો વધુ ગંભીર બની રહ્યા છે. ઈરાનના નિષ્કાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીએ ગુરુવારે રાતે ૮.૦૦ કલાકે જનતાને દેશભરમાં મોટાપાયે દેખાવો કરવા હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે ગભરાયેલી સરકાર માહિતીઓ દબાવવા માટે ઈન્ટરનેટ કાપી શકે છે. રઝા પહેલવીની હાકલ પછી હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઈસ્લામિક શાસન, સુપ્રીમ લીડર અયાતોલ્લાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. લોકોએ ‘મુલ્લાઓ દેશ છોડો’, ‘ઈસ્લામિક શાસન મુર્દાબાદ’, ‘તાનાશાહ મુર્દાબાદ’, ‘આ અંતીમ લડાઈ છે, પહલવી પાછા ફરશે’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. ઈરાનમાં સતત ૧૨ દિવસથી ચાલતા દેખાવો ગુરુવારે રાતે હિંસક બનતા દેખાવકારો અને સ્થાનિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. દેખાવકારોના સમર્થનમાં અનેક બજારો અને દુકાનો બંધ રહ્યા હતા. દેખાવકારો પર સુરક્ષા દળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ ૬૦ લોકોનાં મોત થયા છે અને ૨,૨૬૦થી વધુની ધરપકડ કરાઈ છે. દેખાવો વચ્ચે ૬૧ વર્ષીય મહિલા એકટીવીસ્ટે સખત વાગ્યું હોવાથી મોંમાંથી લોહી નીકળતું હતું. આવી સ્થિતિમાં પણ તેમણે દેખાવો ચાલુ રાખ્યા હતા અને કહ્યું, ‘હું મોતથી ડરતી નથી. હું તો ૪૭ વર્ષ પહેલા મરી ચૂકી છું. ૪૭ વર્ષ પૂર્વે ઇસ્લામિક રીપબ્લિકને ઈરાન પર કબજો જમાવી મહિલાઓના અધિકારો આંચકી લીધા છે. દેશભરમાં દેખાવકારો વચ્ચે તાલમેલ તોડવા અને દેશની અંદરના સમાચારો દુનિયા સુધી પહોંચતા રોકવા માટે ઈસ્લામિક શાસને અડધી રાત પછી ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું. કેટલાક શહેરોમાં એરસ્પેસ પણ બંધ કરી દીધી હતી. વધુમાં ઈરાનના મુખ્ય ન્યાયાધીશે ચેતવણી આપી છે કે ઈસ્લામિક શાસન વિરુદ્ધ દુશ્મનોની મદદ કરનારા પ્રત્યે કોઈ નરમાઈ દર્શાવાશે નહીં. બીજીબાજુ સુપ્રીમ લીડર અયાતોલ્લાહ ખામેનેઈએ પહેલી વખત શુક્રવારે જનતાને સંબોધન કર્યું હતું. ખામેનેઈએ કહ્યું હતું કે અહીં રમખાણો કરનારા કેટલાક લોકો ટ્રમ્પને ખુશ કરવા પોતાના જ દેશની સંપત્તીઓ અને રસ્તાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ખામેનેઈએ ઉમેર્યું કે ઈરાન વિદેશી દબાણ સામે ઝુકશે નહીં. ટ્રમ્પના હાથ ૧,૦૦૦થી વધુ ઈરાનીઓના લોહીથી ખરડાયેલા છે. તેમણે ઈરાનના યુવાનોને એકતા જાળવી રાખવા અપીલ કરી. ખામેનેઈએ કહ્યું કે, ઈસ્લામિક શાસન તોડફોડ કરનારા લોકો સામે પીછેહઠ નહીં કરે.
ચીન, રશિયા, ઈરાનના યુદ્ધ જહાજો દ. આફ્રિકા પહોંચ્યા
કેપટાઉન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કર્યા પછી મેક્સિકો, ક્યુબા, કોલંબિયા, ગ્રીનલેન્ડ અને ઈરાન પર હુમલાની ધમકીઓ આપતા અને વેનેઝુએલાના ક્રૂડ સંશાધનો તેમજ રશિયન ક્રૂડ ઓઈલ ટેન્કર પર કબજો કરતા વૈશ્વિક સ્તરે તણાવપૂર્ણ વાતાવરણ થઈ ગયું છે. આવા સમયે ચીન, રશિયા અને ઈરાનના યુદ્ધજહાજો એક સપ્તાહની નેવલ ડ્રીલ્સ માટે શુક્રવારે દક્ષિણ આફ્રિકાના દરિયા કાંઠે કેપટાઉન પહોંચ્યા હતા. દક્ષિણ આફ્રિકાની આર્મ્ડ ફોર્સે શુક્રવારે કહ્યું કે, ગયા વર્ષે બ્રિક્સ બ્લોક હેઠળ ચીનના નેતૃત્વમાં નેવલની કવાયત યોજાઈ હતી. મેરીટાઈમ સુરક્ષા અને ચાંચિયાગીરી વિરોધી ઓપરેશન્સ તથા દેશો વચ્ચે સંકલન વધારવાના હેતુથી આ કવાયત હાથ ધરવામાં આવશે. ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે ત્યારે ઈરાનના નૌકાદળના જહાજો પણ આ કવાયતમાં ભાગ લેવા કેપટાઉન પહોંચ્યા છે.


