જામનગરમાં યુવતીનું અપહરણ કરી જનાર શખ્સના પિતા સહિત 3 શખ્સો દ્વારા યુવતિના માતા-પિતાને ધમકી અપાતાં પોલીસ ફરિયાદ | FIR aginst 3 people including father of man who kidnapped girl in Jamnagar

![]()
Jamnagar Crime : જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતી એક મહિલાએ પોતાની પુત્રીનું અપહરણ કરી જનાર લોધિકાના એક શખ્સના પિતા તેમજ એક મહિલા સહિત અન્ય બે શખ્સો સામે પોતાના પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગેની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
ફરિયાદી મહિલાની 19 વર્ષીય પુત્રી, કે જે બ્યુટી પાર્લરમાં કામ કરવા અને શીખવા જતી હતી, તેની સાથે જ કામ કરતો લોધીકા પંથકનો એક શખ્સ કે જે લગ્નનું પ્રલોભન આપીને યુવતીને તાજેતરમાં નસાડી ગયો હતો, જ્યારે યુવતીના માતા-પિતા દ્વારા પોતાની પુત્રી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ કરી હતી.
પરંતુ પાછળથી તેઓને ધ્યાનમાં આવ્યું હતું, કે પોતાની પુત્રીનું અપહરણ થયું છે અને પુત્રી જે સલૂનમાં બ્યુટી પાર્લરનું કામ શીખવા જતી હતી, તેની સાથે કામ કરતો લોધીકાનો ગૌતમ દેવેનભાઈ ગોહિલ નામનો શખ્સ લગ્ન કરવાના ઈરાદાથી આપરણ કરી ગયો છે.
જેથી યુવતીના માતા-પિતા દ્વારા ગૌતમના પિતા દેવેનભાઈ ગોહિલ વગેરેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, દરમિયાન યુવતીના પિતાને તેના મોબાઈલ ફોનમાં દેવેનભાઈ ગોહિલ, એક મહિલા અને ડી.કે.ઓડેદરા નામના ત્રણ શખ્સોએ ગાળો આપીને પતાવી દેવાની ધાક ધમકી આપી હોવાથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



