મનપા વિસ્તારના ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહી ભરનાર 18 દુકાનો સીલ | 18 shops sealed for not paying outstanding taxes in Krishna Vila Complex in Manpa area

![]()
– મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા
– રૂપિયા 2.53 લાખ બાકી વેરો નહીં ભરતા કાર્યવાહી : અન્ય દુકાનદારો પાસેથી 1.50 લાખનો વેરો વસૂલાયો
આણંદ : મહાનગપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેઠાણના બાકી વેરાની રકમ વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન વિસ્તારમાં આવેલા ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં રૂ. ૨.૫૩ લાખ બાકી વેરો ભરપાઈ નહીં કરનાર ૧૮ દુકાનો સીલ કરાઈ હતી. જ્યારે અન્ય દુકાનદારો પાસેથી ૧.૫૦ લાખનો વેરો વસૂલાયો હતો.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના દ્વારા મનપા વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેઠાણના બાકી વેરાની રકમ વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મોટી ખોડીયાર રોડ ઉપર આવેલ ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં રૂ. ૨,૫૩,૯૮૦નો બાકી વેરો ભરપાઈ ન થવાના કારણે ૧૮ દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય મિલકતો ધારક પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦ જેટલો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. કરમસદ આણંદ મહાનગરપાલિકાના રિકવરી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દુકાનદારો બાકી વેરાની રકમ વહેલામાં વહેલી તકે જમા કરાવે તે ખૂબ જ જરૂરી છે, અન્યથા કાયદાને જોગવાઈની આધીન મનપાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



