નડિયાદના મોકમપુરા ગામમાં પુત્રની હત્યા કરનાર આરોપી પિતા ઝડપાયો | Father arrested for murdering son in Mokampura village of Nadiad

![]()
– પારિવારિક કલેશ અને જમીન મામલે ચાલતા વિખવાદમાં
– પોલીસે આરોપી પ્રતાપસિંહ ચૌહાણની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી
નડિયાદ : નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોકમપુરા ગામે પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદમાં પુત્રના માથામાં હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર આરોપી પિતા પ્રતાપસિંહ ચંદુભાઈ ચૌહાણને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગત ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે મોકમપુરામાં રહેતો કમલેશભાઈ ચૌહાણ શેઢી નદી કિનારે ગયો હતો, ત્યારે તેના પિતા પ્રતાપસિંહે પારિવારિક અદાવત અને જમીનના વિખવાદમાં તેના પર હુમલો કર્યો હતો. આરોપીએ કમલેશના માથાના ભાગે ૩થી ૪ જેટલા ગંભીર ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી. ઘટના બાદ આરોપી પિતાએ પુત્રને ચક્કર આવ્યા હોવાનું ખોટું બહાનું બતાવી ગુનો છુપાવવા અને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યોે હતો, તેવો આક્ષેપ કરાયો છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાની ઈજાઓથી મોત થયું હોવાનું ખુલતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મૃતકની પત્ની તારાબેન ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, પરિવારમાં લાંબા સમયથી કંકાસ ચાલતો હતો. અગાઉ પિતાના ત્રાસને કારણે દિયરના છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ તેઓ કમલેશ અને તારાબેનના પણ છૂટાછેડા કરાવવા દબાણ કરી રહ્યા હતા. કમલેશે આ બાબતે ઈનકાર કરતા અને કાકા સસરા સાથે સારા સંબંધો રાખતા હોવાથી પિતાએ રોષ રાખી તેની કરપીણ હત્યા કરી હતી. આ કેસમાં નડિયાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
સસરાની શંકાસ્પદ હિલચાલને પગલે પુત્રવધુએ ફરિયાદ નોંધાવતા ભેદ ઉકેલાયો
નડિયાદના મોકમપુરામાં પિતા દ્વારા પુત્રની હત્યાના આ ચકચારી કિસ્સામાં બીજી કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ ઘટના ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૭.૦૦ વાગ્યે બની હતી, જ્યારે પિતા પ્રતાપસિંહે નદી કિનારે પુત્રની ચીસ સાંભળી દોડી આવેલા પત્ની અને દેરાણીને ‘હું તપાસ કરું છું’ તેમ કહી, તેમની પાસેથી બેટરી અને લાકડી લઈ આગળ વધતા અટકાવી ગેરમાર્ગે દોર્યા હતા. આરોપીએ ગુનો છુપાવવા લોહીલુહાણ હાલતમાં પુત્રને તાત્કાલિક ગાડીમાં બેસાડી હોસ્પિટલ મોકલી દીધો હતો જેથી અન્ય સભ્યો તેને જોઈ ન શકે અને શરૂઆતમાં તેને માત્ર ‘ચક્કર આવવાની’ સામાન્ય ઘટના ગણાવી હતી. જોકે, પત્ની તારાબેનની સજાગતા અને સસરાની શંકાસ્પદ હિલચાલને પગલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા આ ભેદ ઉકેલાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, મૃતકના ભાઈના જણાવ્યા મુજબ હજુ થોડા દિવસો પહેલા જ પિતાએ કમલેશના નામે ઘર અને રેશનકાર્ડ અલગ કરાવવામાં મદદ કરી હોવા છતાં આ ક્રૂર પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ અકબંધ છે.



