गुजरात

મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ૪૦૦ તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓ મળી | 42 species of fish found in ponds of central gujarat by zoology department of msu



વડોદરાઃ મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓના ૪૦૦ જેટલા તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓનો વસવાટ હોવાનું એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના સંશોધકોના રિસર્ચમાં સામે આવ્યું છે.પહેલી વખત થયેલા આ પ્રકારના રિસર્ચમાં આ તમામ પ્રજાતિઓનું ડીએનએ ટેસ્ટિંગ સાથે ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવ્યું છે.

ઝૂઓલોજી વિભાગના સંશોધક ડો.ગઝાલા શેખે  વરિષ્ઠ પ્રોફેસર પી સી મંકોડીના માર્ગદર્શન હેઠળ પીએચડીના ભાગરુપે ઉપરોકત સંશોધન હાથ ધર્યું હતું.ડો.ગઝાલા શેખનું કહેવું છે કે, તળાવોની ઈકોસિસ્ટમ માટે માછલીઓ ઘણી મહત્વની છે.વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડા એમ પાંચ જિલ્લાના ફ્રેશ વોટર પોન્ડ એટલે કે મીઠા પાણીના તળાવોમાં અમે માછલીઓની પ્રજાતિઓ પર અભ્યાસ કર્યો હતો.આ અભ્યાસના આધારે એવું કહી  શકાય કે વડોદરા જિલ્લો માછલીઓની વસતી અનેે પ્રજાતિના વૈવિધ્યની દ્રષ્ટિએ સૌથી સમૃધ્ધ છે અને દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં પાણીની અછત તેમજ ઋતુ આધારિત પરિસ્થિતિઓના કારણે માછલીઓની વસ્તી ઓછી નોંધાઈ છે.

તેમનું એમ પણ કહેવું છે કે, શહેરી તળાવોમાં પ્રદૂષણ વચ્ચે પણ તિલાપિયા અને કોમન કાર્પ  નામની વિદેશી પ્રજાતિઓની માછલીઓનું નોંધપાત્ર પ્રમાણ જોવા મળ્યું છે અને આ એક આશ્ચર્જનક ટ્રેન્ડ છે.જ્યારે માછલીઓ માટે અનુકુળ ઈકોસિસ્ટમ ધરાવતા ઓછા પ્રદૂષિત તળાવોમાં માછલીઓની પ્રજાતિઓ ઓછી છે પણ તેમાં માછલીઓનું પ્રમાણ ઘણું વધારે છે.

—-જિલ્લા પ્રમાણે માછલીઓની વસ્તીની અને પ્રજાતિઓની તુલનાત્મક સરખામણી

વડોદરાઃ માછલીઓની વસ્તી અને પ્રજાતિઓ બંને વધારે, સતત પાણી ઉપલબ્ધ, માછલીઓની વિદેશી અને સ્થાનિક એમ બંને પ્રકારની પ્રજાતિઓ નોંધાઈ

આણંદઃ માછલીઓની મધ્યમ વસ્તી  અને પ્રજાતિઓ પણ નહીં ઓછી અને નહીં વધારે,  તળાવોમાં પ્રદૂષણ જોવા મળ્યું, સર્વાહારી માછલીઓની પ્રજાતિઓનું પ્રભુત્વ, કેટલાક તળાવોમાં યુટ્રોફિકેશન( પ્રદૂષણના કારણે એલગી જેવી વનસ્પતિઓનું સામ્રાજ્ય અને તેના કારણે તળાવોમાંથી ઓક્સિજનનું પ્રમાણ ઘટવું, જેનાથી માછલીઓને ખતરો) જોવા મળ્યું

ખેડાઃ માછલીઓની મધ્યમ વસ્તી સ્થાનિક અને સંવેદનશીલ માછલીઓની પ્રજાતિઓમાં ઘટાડો, અર્ધશુષ્ક વિસ્તાર

પંચમહાલઃ ઘણા તળાવોમાં મધ્યમ અને ઘણા તળાવોમાં ઓછી વસ્તી અને ઓછી પ્રજાતિઆ ેજોવા મળી, પાણીની અનિશ્ચિતતા અને ઋતુ આધારિત તળાવો ઓછી વસ્તી માટે મુખ્ય કારણ

દાહોદઃ તળાવોમાં ઓછું ઔદ્યોગિક પ્રદૂષણ છતા માછલીઓની વસ્તી ઓછી અને પ્રજાતિઓ પણ ઓછી

છોટાઉદેપુરઃ માછલીઓની મધ્યમ વસ્તી અને પ્રજાતિઓની સંખ્યા પણ મધ્યમ, સ્થાનિક પ્રજાતિઓની હાજરી જોવા મળી,

—માછલીઓની પ્રજનન ક્ષમતામાં પ્રદૂષણથી ઘટાડો 

સર્વેમાં ૪૦૦ પૈકીના ૮૫ ટકા તળાવોમાં માછલીઓની હાજરી જોવા મળી હતી અને બાકીના તળાવો સુકાઈ ગયા હોવાથી અથવા તો  અત્યંત પ્રદૂષિત થઈ ગયા હોવાથી તેમાં માછલીઓ હતી જ નહીં.પ્રદૂષણના કારણે પાણીમાં સીઓડી, બીઓડી, એમોનિયા વધવાના કારણે માછલીઓમાં તણાવનું પ્રમાણ વધતું હોય છે.પ્રજાતિઓના વૈવિધ્યમાં ઘટાડો થાય છે અને લાંબા ગાળે માછલીઓની કુદરતી પ્રજનન ક્ષમતા ઘટતી હોય છે.

ડો.ગઝાલા શેખ

પીએચડી, ઝૂઓલોજી વિભાગ

—સ્થાનિક પ્રજાતિઓ પર આફ્રિકન માછલીનું વર્ચસ્વ 

તિલાપિયા પ્રકારની માછલીની પ્રજાતિ આફ્રિકાની છે.જે હવે ભારતમાં તમામ જગ્યાએ જોવા મળે છે.તેણે સ્થાનિક પ્રજાતિઓ પર પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું છે તેવું કહીએ તો ખોટું નથી.તિલાપિયા સ્થાનિક પ્રજાતિઓ કરતા વધારે ઈંડા મૂકે છે અને તેના કારણે જે પણ તળાવમાં તેની હાજરી હોય ત્યાં તેની વસ્તીમાં ભારે ઝડપથી વધારો નોંધાતો હોય છે.

પ્રો.પી.સી.મંકોડી, ગાઈડ અને પૂર્વ હેડ, ઝૂઓલોજી વિભાગ

—માછલીઓ પણ શાકાહારી અને માંસાહારી

આ સર્વેમાં માછલીઓની શાકારી, માંસાહારી અને સર્વાહારી પ્રજાતિઓ જોવા મળી હતી.માંસાહારી માછલીઓ તળાવમાં રહેલી શાકાહારી માછલીઓને પણ શિકાર બનાવતી હોય છે.શાકાહારી માછલીઓ

રોહુ, કટલા, મૃગલ, તિલાપિયા, કોમન કાર્પ

માંસાહારી માછલીઓ

બોયલ, સોલ, સિન્ગી, મગુર

—સ્થાનિક અને બહારની પ્રજાતિઓ વચ્ચે અસ્તિત્વ ટકાવવાનો સંઘર્ષ

તળાવોમાં સ્થાનિક અને બહારની માછલીઓ વચ્ચે અસ્તિતત્વ ટકાવવાનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.આ સર્વેમાં તળાવોમાં તિલાપિયા અને કોમન કાર્પ પ્રજાતિની માછલીઓની વધતી હાજરી જોવા મળી રહી છે.બંને પ્રજાતિઓ બહારની છે અને આ માછલીઓ સ્થાનિક માછલીઓ માટે જોખમરુપ પણ બની રહી છે.

વડોદરા શહેરના તળાવોમાં શું સ્થિતિ?

વડોદરા શહેરના તળાવોની વાત કરવામાં આવે તો આ સર્વેમાં જોવા મળ્યું હતું કે, મોટાભાગના તળાવોમાં તિલાપિયા અને કોમન કાર્પ પ્રજાતિની માછલીઓની સંખ્યા વધારે છે અને કેટલાક તળાવોમાં પ્રદૂષણના કારણે સ્થાનિક માછલીઓની વસતીમાં ઘટાડો થયો છે.ગોરવા, લક્ષ્મીપુરા વિસ્તારના તળાવમાં તો સિલેપિયા નામની માછલીની પ્રજાતિ પણ જોવા મળી છે.



Source link

Related Articles

Back to top button