ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector in india due to tariff of trump

![]()
વડોદરાઃ ભારત દર વર્ષે ૧૨ અબજ ડોલરના કપડાની નિકાસ દુનિયામાં કરે છે અને તેમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો લગભગ ૨૮ ટકા જેટલો છે.એમરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા ૫૦ ટકા ટેરિફની અસર ટેક્સટાઈલ સેકટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઈલ એસોસિએશનના પ્રમુખ આર કે વિજે એક વાતચીતમાં કહ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં ક્લોથિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગ દ્વારા યોજાયેલી બે દિવસની નેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સના ઉદઘાટન સત્રમાં હાજરી આપવા માટે આવેલા આર કે વિજે કહ્યું હતું કે, અમેરિકામાં મોટાભાગે ભારતમાંથી કોટન કપડાની નિકાસ થાય છે અને ૫૦ ટકા ટેરિફના કારણે આ નિકાસ અટકી જવાથી કોટન યાર્ન અને કપડા બનાવતી સેંકડો કંપનીઓ બંધ થઈ ગઈ છે અથવા તો તેનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે.જેની અસર આ સેક્ટરમાં રોજગારી મેળવતા ૫૦ લાખ લોકો પર પડી છે.જોકે આ સ્થિતિ ચાર થી પાંચ મહિના જ રહેશે.યુરોપ અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થયા હોવાથી નજીકના ભવિષ્યમાં ભારતના કપડાને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે.તેમણે આગળ કહ્યું હતું કે, ભારતમાં કૃષિ બાદ સૌથી વધારે રોજગારી ટેક્સટાઈલ સેકટર આપે છે.આ ક્ષેત્રમાં અંદાજીત ચાર કરોડ લોકો સીધી અને બીજા ૬ કરોડ જેટલા લોકો આડકતરી રોજગારી મેળવી રહ્યા છે. ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ પણ શરુ કરી છે.
ભારતમાં માત્ર ૧૨ ટકા કપડાનું રિસાયકલિંંગ થાય છે
આર કે વિજે કહ્યું હતું કે, ભારતમાં નાખી દેવાતા કપડામાંથી માત્ર ૧૨ ટકા કપડાનું રિસાયકલ થાય છે.બાકીના કપડા કચરામાં જાય છે અને સરવાળે જમીનને બગાડે છે.તેમાં પણ પોલિએસ્ટર કાપડ તો બાયોડિગ્રેડેબલ પણ નથી અને તે જમીનની સાથે ભૂગર્ભજળને પણ બગાડે છે.અત્યારે ભારતમાં કપડા બનાવવા માટે ૫૦ ટકા કોટન અને ૫૦ ટકા પોલીએસ્ટરનો ઉપયોગ થાય છે.દેશની વસતી વધી રહી છે અને તેના કારણે ભવિષ્યમાં ફાઈબરની જરુરિયાત કપડા બનાવવા માટે વધવાની છે ત્યારે કાપડનું રિસાયકિલંગ બહું જરુરી બની જાય છે.દેશમાં પોલિએસ્ટર કાપડનો પહેલો રિસાયકલિંગ પ્લાન્ટ નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં સ્થપાશે.જેની ક્ષમતા પ્રતિ દિન ૧૦૦ ટન કાપડનું રિસાયકલિંગ કરવાની હશે.
ટેક્સટાઈલ સેક્ટરમાં પણ એઆઈનો ઉપયોગ
અન્ય ક્ષેત્રોની જેમ ટેક્સટાઈલ સેકટરમાં પણ એઆઈનો ઉપયોગ શરુ થઈ ગયો છે.એઆઈના કારણે હવે કપડા બનાવતી ઈન્ડસ્ટ્રીને ઓર્ડર મેળવવા માટે સેમ્પલ બનાવવામાં સમય બગાડવો પડતો નથી.પહેલા એક ડિઝાઈન એપ્રૂવ કરાવવા ૧૦ સેમ્પલ બનાવવા પડતા હતા.હવે એઆઈના કારણે ડિજિટલ સેમ્પલથી કામ ચાલી જાય છે.કપડા બનાવતા મશિનોમાં પણ એઆઈના કારણે માત્ર એક સ્વિચ દબાવીને પ્રોડકશન દરમિયાન ડિઝાઈન બદલી શકાય છે.
ટેક્સટાઈલ સેક્ટરને ૩૫૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય
ભારતના જીડીપીમાં વધારો કરવા ટેક્સટાઈલ સેક્ટરનો વિકાસ જરુરી છે.અત્યારે ભારતમાં ૧૬૦ અબજ ડોલરના કપડાનો અને કાપડનો ઘરઆંગણે વેપાર થાય છે.૩૮ અબજ ડોલરના કપડાની અને કાપડની ભારત નિકાસ કરે છે.સરકારે ૨૦૩૦-૩૧ સુધીમાં ટેક્સટાઈલ સેક્ટરનો વાર્ષિક વેપાર ૩૫૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.જેના કારણે બીજા ૬ કરોડ જેટલા લોકોને સીધી અને આડકતરી રોજગારી મળશે.
મહિલાઓ માટે રોજગારીની તકો વધશે
ભારતમાં ૭૦ ટકા મહિલાઓ હાઉસવાઈફ છે ત્યારે ટેક્સટાઈલ સેકટરના વિકાસથી મહિલાઓ માટે રોજગારીની તકો વધશે.આ એક એવું ક્ષેત્ર છે જેમાં મહિલાઓને ઘરે બેઠા પણ કામ મળી શકે છે.



