गुजरात

સુરત મ્યુનિ. કમિશનરનો સપાટો! કચરા નિકાલમાં લાપરવાહી દાખવનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને અઢી કરોડનો દંડ | Surat Waste Scam SMC Commissioner Fines Vapi Agency ₹2 5 Crore Over Illegal Dumping



Surat Waste Scam: રાજકીય કૃપા દ્રષ્ટિથી કચરાનો સાયન્ટીફિક નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ મેળવનાર વાપીની એજન્સી સામે પાલિકા તંત્ર ઘૂંટણીએ પડ્યું હતું. પરંતુ સુરતનો કચરો મહુવા ખાતે નિકાલ કરી પાલિકાની ઈમેજનું લીલામ કરનારા કોન્ટ્રાક્ટર સામે મ્યુનિ. કમિશનરે રાજકીય દબાણ છતાં આકરા પગલાં ભરવાનું શરુ કરી દીધું છે. મ્યુનિ. કમિશનરે એજન્સીને અઢી કરોડનો દંડ ફટકારવા સાથે બીજી વખતના નવા ટેન્ડર ઈશ્યુ કરવા માટે પણ આદેશ કરી દીધા છે. 

કચરા નિકાલમાં લાપરવાહી દાખવનાર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને અઢી કરોડનો દંડ

સુરત પાલિકા વિસ્તારમાંથી પ્રતિ રોજ નીકળતા 2500 મેટ્રીક ટન કચરાનો ખજોદ સાઈટ પર સાયન્ટીફિક રીતે નિકાલ કરવા માટે વાપીની સી ડી ટ્રાન્સપોર્ટ કંપનીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓની રહેમનગર હોવાથી આ કોન્ટ્રાક્ટરે પાલિકાની શરતોને નેવે મુકીને કામગીરીમાં વેઠ ઉતારવા સાથે અનેક વખત પાલિકાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધું હતું. 

પાલિકાનો સોલિડ વેસ્ટ વિભાગ રાજકીય દબાણના કારણે કોન્ટ્રાક્ટર સામે નત મસ્કત રહ્યો હતો. તેથી કોન્ટ્રાક્ટરની હિંમત વધી રહી છે અને હવે તો પાલિકાનો કચરો મહુવાના કાંકરીયા ગામમાં જ સીધો ઠાલવી દીધો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પાલિકાનું નામ બહાર આવ્યું હતું જોકે, એજન્સી પર ભાજપના નેતાનો હાથ હોવાથી ડરી ડરીને સોલિડ વેસ્ટ વિભાગે માત્ર 10 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. 

જોકે આ કૌભાંડ બહાર આવ્યા બાદ સુરત પાલિકાની ઈમેજને મોટું નુકસાન થયું હોય મ્યુનિ. કમિશનરે રાજકીય દબાણ સામે નહીં ઝુકીને એજન્સી પાસે અઢી કરોડનો દંડ વસુલવાનો નિર્ણય કરવા સાથે સૂચના પણ આપી દીધી છે. આ ઉપરાંત 5 જાન્યુઆરીના રોજ કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો તેને દોઢ મહિના પહેલા ટેન્ડર બહાર પાડ્યા હતા. પરંતુ તેમાં કોઈ એજન્સી આવી ન હતી. જેના કારણે લાંબા સમય સુધી આ એજન્સીને જ કોન્ટ્રાક્ટ મળે તેવી ગોઠવણ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: VIDEO | સુરત: ISPLની ઓપનિંગ સેરેમનીમાં બિગ-બીને જોવા ભારે પડાપડી, ભીડ બેકાબૂ થતા કાચનો ગેટ તૂટ્યો

જોકે હાલ મ્યુનિ. કમિશનરે સોલીડ વેસ્ટ વિભાગને સૂચના આપીને નજીકના એકાદ બે દિવસમાં જ આ કામગીરી માટે બીજી વખતના ટેન્ડર બહાર પાડવા માટે જણાવ્યું છે. જેના કારણે નજીકના દિવસોમાં નવા ટેન્ડર બહાર પડે તેવી શક્યતા છે. હાલ તંત્ર દ્વારા તાત્કાલિક બીજી વખત ટેન્ડર ઈશ્યુ કરાયા ન હતા અને કોન્ટ્રાકટની મુદત પૂર્ણ થતા નવી વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી વર્તમાન કોન્ટ્રાકટની મુદત વધારવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button