અયોધ્યામાં નોનવેજ પર સંપૂર્ણ પ્રતિબંધ : હવે ઓનલાઈન ડિલિવરી પર પણ લાગી રોક | Uttar Pradesh : Non Veg Food Banned In Ayodhya Dham Will Not Be Available Online Either

![]()
Non Veg Food Banned In Ayodhya : ઉત્તર પ્રદેશની ધર્મનગરી અયોધ્યાની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. હવે અયોધ્યામાં માંસાહારના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ નવો પ્રતિબંધ માત્ર હોટલ, ઢાબા કે દુકાનો પૂરતો સીમિત નથી, પરંતુ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ પર પણ લાગુ કરવામાં આવ્યો છે.
…તો લાયસન્સ કરી દેવાશે રદ
સહાયક ખાદ્ય આયુક્ત દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ, 8 જાન્યુઆરીથી આ નિયમ અમલી બની ગયો છે. હવેથી રામ મંદિરના 15 કિલોમીટરના વિસ્તારમાં તેમજ પંચકોસી પરિક્રમા માર્ગ પર માંસાહારી ભોજન નહીં મળે. જો હોટલ, હોમ-સ્ટે અને ઓનલાઈન પ્લેટફોર્મ પર નોનવેજ પીરસવા કે વેચવામાં આવશે, તો તેઓ સામે કડક કાર્યવાહી કરાશે. જો કોઈ પણ સંસ્થા કે કંપની આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો : VIDEO : માત્ર 10ની ક્ષમતાવાળી જીપમાં 100 લોકો સવાર, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા
વારંવાર મળતી ફરિયાદો બાદ એક્શન
વહીવટીતંત્રને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે, પરિક્રમા ક્ષેત્રમાં કેટલીક ઓનલાઈન ફૂડ સર્વિસ દ્વારા માંસાહારી ભોજનની સપ્લાય કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક હોમ-સ્ટે અને હોટલોમાં પ્રવાસીઓને ગુપ્ત રીતે દારૂ અને માસ પીરસવામાં આવતું હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. ત્યારબાદ આ બાબતને ગંભીરતાથી લઈને તંત્રએ રામ પથ પર પહેલેથી જ અમલી દારૂ અને માંસના પ્રતિબંધને વધુ કડક બનાવ્યો છે.
ડિલિવરી કંપનીઓ અને દુકાનદારોને સૂચના અપાઈ
સહાયક ખાદ્ય આયુક્ત માણિક ચંદ્ર સિંહે જણાવ્યું કે, અગાઉના પ્રતિબંધ છતાં ઓનલાઈન ઓર્ડર દ્વારા નોનવેજ મંગાવવામાં આવતું હોવાની ફરિયાદો સાચી જણાઈ હતી. આથી હવે તમામ ડિલિવરી કંપનીઓ અને દુકાનદારોને લેખિત સૂચના આપી દેવામાં આવી છે. નિયમનું પાલન થાય તે માટે પ્રશાસન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.



