તાઈવાન મુદ્દે અમેરિકાએ ચીનને છૂટો દોર આપ્યો? ટ્રમ્પના નિવેદનથી ટેન્શન વધ્યું | “It’s Up to Xi”: Trump’s Shocking Stand on China–Taiwan Conflict

![]()
Trump’s Shocking Stand on China–Taiwan Conflict : અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી નિકોલસ માદુરોને કેદ કર્યા ત્યારથી વિશ્વમાં તાઈવાનને લઈને ચિંતા વધી છે. નિષ્ણાતોને આશંકા છે કે અમેરિકાના આ હુમલાના કારણે હવે ચીનને તાઈવાન પર હુમલો કરવાનો છૂટો દોર મળી ગયો છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા કહ્યું છે, કે તાઈવાન અંગે શું કરવું એ શી જિનપિંગ પર નિર્ભર છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેમના માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું કોઈ મહત્ત્વ નથી. મને એક જ વસ્તુ રોકી શકે છે, જે છે મારું મગજ. મને આંતરરાષ્ટ્રીય કાયદાની જરૂર છે.
તાઈવાન અંગે શું કરવું તે જિનપિંગ પર નિર્ભર છે: ટ્રમ્પ
તાઈવાન અંગે મોટું નિવેદન આપતા ટ્રમ્પે કહ્યું, કે ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે. તાઈવાન સાથે શું કરવું તે શી જિનપિંગ પર નિર્ભર છે. જોકે મેં પહેલા જ તેમને જણાવ્યું હતું કે જો તેમણે હુમલો કર્યો તો હું દુ:ખી થઈશ. મને નથી લાગતું કે તેઓ હુમલો કરશે. હું જ્યાં સુધી પ્રેસિડેન્ટ છું ત્યાં સુધી ચીન એવો કોઈ નિર્ણય નહીં લે તેવો મને વિશ્વાસ છે.
તાઈવાનને સત્તાવાર દેશ નથી માનતું અમેરિકા
નોંધનીય છે કે ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે. તથા તેના પર નિયંત્રણ માટે બળપ્રયોગ કરવાના અધિકારનો ક્યારેય ઈનકાર કર્યો નથી. જોકે તાઈવાન શરૂઆતથી જ ચીનના દાવાઓનો વિરોધ કરતું રહ્યું છે અને પોતાને સ્વતંત્ર, સંપ્રભુ દેશ માને છે. અમેરિકાએ તાઈવાનને દેશના રૂપમાં સત્તાવાર માન્યતા નથી આપી પરંતુ તાઈવાનની રક્ષા માટે સમયે સમયે સાધન આપતું રહ્યું છે. જેના કારણે અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ પણ થતાં રહે છે. અમેરિકામાં ચીનના રાજદૂત લિયુ પેંગ્યુએ આ મામલે કહ્યું હતું, તાઈવાનનો મુદ્દે ચીનનો આંતરિક મુદ્દો છે.
ટૂંકમાં સરળ શબ્દોમાં સમજો ચીન-તાઈવાન વિવાદ
– વર્ષ 1683માં ચીનના કિંગ સામ્રાજ્યએ ( Qing Dynasty ) તાઈવાન પર કબજો કર્યો અને આશરે 200 વર્ષ સુધી શાસન કર્યું.
– વર્ષ 1895માં ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ થયું જેમાં કિંગ સામ્રાજ્યનો પરાજય થયો. શિમોનોસેકીની સંધિ હેઠળ ચીને તાઈવાન ટાપુ જાપાનને સોંપી દીધો. અહીં 50 વર્ષ સુધી જાપાનનું શાસન રહ્યું.
– બીજી તરફ ચીનમાં કિંગ સામ્રાજ્યનો અંત થયો અને 1912માં રિપબ્લિક ઓફ ચાઈનાની સ્થાપના થઈ. તેનું શાસન આવ્યું.
– બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હર થઈ. જે બાદ વિજેતા દેશો અમેરિકા અને બ્રિટને તાઈવાન ટાપુ જાપાન પાસેથી પાછું લઈ ચીનને સોંપ્યું. આમ 1945થી ત્યાં ‘રિપબ્લિક ઓફ ચાઈના’નું શાસન આવ્યું.
– વિશ્વયુદ્ધ બાદ ચીનમાં રાષ્ટ્રવાદી અને કોમ્યુનિસ્ટ વિચારધારા વચ્ચે ગૃહયુદ્ધ ફાટ્યું. ચ્યાંગ કાઈ-શેક રાષ્ટ્રવાદીઓના નેતા હતા જ્યારે માઓ ઝેડોંગ કોમ્યુનિસ્ટ વિચારધારાનું સમર્થન કરતાં હતા.
– 1949માં માઓ ઝેડોંગની જીત થઈ અને બેઈજિંગમાં ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના’ની સ્થાપના થઈ.
– હારેલા ચ્યાંગ કાઈ-શેક અને તેમના લાખો સમર્થકો ચીન છોડીને તાઈવાન ભાગી ગયા. તાઈવાનમાં ‘રિપબ્લિક ઓફ ચાઈના’ની સરકાર ચાલુ રાખી.
– તે બાદથી જ ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે જ્યારે તાઈવાન પોતાને અલગ દેશ માને છે.



