અમદાવાદમાં હની ટ્રેપનો ખતરનાક ખેલ: યુવકનો વીડિયો ઉતારી 10 કરોડ માગ્યા; મહિલા અને પત્રકારની ધરપકડ | Ahmedabad Honeytrap Case Woman and Newspaper Editor Arrested for ₹10 Crore Extortion Plot

![]()
Ahmedabad News: અમદાવાદમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી મોટી રકમનો તોડ કરવો બે પત્રકારોને ભારે પડ્યો છે. એક યુવકને પ્રેમમાં ફસાવી તેનો ન્યુડ વીડિયો બનાવીને રૂપિયા 10 કરોડની ખંડણી માંગનારા એક મહિલા અને સ્થાનિક અખબારના તંત્રીની પોલીસે ધરપકડ કરી છે. આ બંનેએ એક યુવકને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયાની ઉઘરાણી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
યુવકને પ્રેમજાળમાં ફસાવીને છૂપી રીતે અંગતપળનો વીડિયો બનાવ્યો
મુખ્ય આરોપી મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. મહિલાએ ફરિયાદી યુવક સાથેની અંગત પળોનો વીડિયો છૂપી રીતે રેકોર્ડ કરી લીધો હતો. તે પછી આ વીડિયોના ઉપયોગથી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. મહિલાએ આ વીડિયો તેના સાથીદાર અને એક ન્યુઝ પેપરના તંત્રીને પણ આપ્યો હતો. આ પછી બંનેએ સાથે મળીને ફરિયાદી યુવકને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
મહિલાએ પત્રકાર મિત્ર સાથે મળી રૂ.10 કરોડની ખંડણી માગી
ફરિયાદમાં મુજબ, આરોપીએ યુવકને બ્લેકમેઇલિંગ કરીને ધમકી આપતાં કહ્યું કે, જો તે 10 કરોડ રૂપિયા નહીં આપે તો આ વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ કરીને ન્યૂઝપેપરમાં લખશે. એટલું જ નહીં આ માટે બંનેએ છેલ્લી તક આપી 24 કલાકમાં 7 કરોડ રોકડા ચૂકવી દેવા માટે દબાણ કર્યું હતું. સમગ્ર મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.
મહત્ત્વનું છે કે, સાયબર ક્રાઈમ પોલીસે મહિલા અને તેના સાથી પત્રકારની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત બંને પાસેથી મોબાઇલ, કમ્પ્યુટર અને અન્ય ડિજિટલ ડિવાઈસ જપ્ત કર્યા છે. અને બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સાયબર ક્રાઇમ ACPએ શું કહ્યું?
આ ઘટના અંગે સાયબર ક્રાઇમ ACPએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક હની ટ્રેપ અને ખંડણીના ષડયંત્રમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં એક ન્યુઝ પેપરના તંત્રી અને મુખ્ય માસ્ટરમાઇન્ડ મહિલાએ ફરિયાદી યુવકનો એક અંગત વીડિયો સ્પાય કેમેરાથી તેની જાણ બહાર બનાવી લીધો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાઈરલ ન કરવા કરોડો રૂપિયાની ખંડણી માગી હતી.
સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે મહિલા સહિત બંને આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સામેલ મહિલાનો બોયફ્રેન્ડ હાલ ફરાર છે. પોલીસ હાલ આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે તેને લઈને તપાસ હાથ ધરી છે.



