ઝેરમુક્ત ખેતી, મબલક કમાણી: પંચમહાલના ખેડૂતે શાકભાજી વેચી ખેતીને બનાવ્યો નફાકારક વ્યવસાય | Panchmahal Success Story How Pravinbhai Machhi Turned Zero Budget Farming Into a Digital Venture

![]()
Panchmahal Success Story: ગોધરા, પંચમહાલ આજના યુગમાં જ્યારે ખેતી ખર્ચાળ અને જોખમી બની રહી છે, ત્યારે પંચમહાલના નદીસર ગામના એક સાધારણ ખેડૂત પ્રવીણભાઈ માછીએ સાબિત કરી દીધું છે કે જો ટેકનોલોજી અને કુદરતનો સમન્વય કરવામાં આવે તો ખેતી એ સોનું આપતી ધરતી બની શકે છે. રાસાયણિક ખેતીના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી તેમણે માત્ર ખેતરને જ નહીં, પણ પોતાની આવકને પણ નવી ઊંચાઈ આપી છે.
વર્ષે 40 હજારનો ખર્ચ હવે થયો ‘ઝીરો’
વર્ષ 2020 સુધી પ્રવીણભાઈ અન્ય ખેડૂતોની જેમ મોંઘા બિયારણ, ખાતર અને જંતુનાશકો પાછળ દર વર્ષે રૂ. 40,000 થી વધુનો ખર્ચ કરતા હતા. વધુ ખર્ચ છતાં જમીન કડક થઈ રહી હતી અને નફો ઘટી રહ્યો હતો. આ સ્થિતિ બદલવા તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો. આજે તેઓ બજારમાંથી એક પણ રૂપિયાનું ખાતર લાવતા નથી.
ખેતરે જ બને છે ‘અમૃત’ જેવી દવાઓ
પ્રવીણભાઈ હવે પોતાના ખેતર પર જ ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ અને બેસનનો ઉપયોગ કરી જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરે છે.
જમીનમાં સુધારો કુદરતી ખાતરના ઉપયોગથી જમીનમાં અળસિયા વધ્યા છે અને જમીન પોચી-ફળદ્રુપ બની છે.
મિશ્ર પાક પદ્ધતિ તેઓ એક જ પાક પર નિર્ભર રહેવાને બદલે ઘઉં, બાજરી, ડાંગર, ચણા, મેથી અને વિવિધ શાકભાજીનું વાવેતર કરે છે.
ખેડૂત બન્યા ‘ડિજિટલ’ વચેટિયા વગર સીધું વેચાણ
પ્રવીણભાઈની સફળતાનું સૌથી મોટું રહસ્ય તેમનું માર્કેટિંગ છે. સામાન્ય રીતે ખેડૂતો માર્કેટ યાર્ડ અને વચેટિયાઓ પર નિર્ભર હોય છે, પરંતુ પ્રવીણભાઈએ ‘મીશો’ (Meesho) જેવા ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાના પ્રાકૃતિક પાકો સીધા ગ્રાહકો સુધી પહોંચાડ્યા છે. આનાથી તેમને બજાર કરતા બમણાં ભાવ મળી રહ્યા છે.
પ્રવીણભાઈ માછીનું કહેવું છે કે, ”શરૂઆતમાં ડર હતો કે ઉત્પાદન ઘટશે, પણ હકીકતમાં ખર્ચ ઘટીને શૂન્ય થઈ ગયો અને પાકની શુદ્ધતા વધી ગઈ. ખેતી એ માત્ર પેટ ભરવા માટે નથી, પણ લોકોને ઝેરમુક્ત સ્વાસ્થ્ય પીરસવાનું માધ્યમ છે.”
આ પણ વાંચો: છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક!
ગામના ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
આજે પ્રવીણભાઈ માત્ર પોતે જ ખેતી નથી કરતા, પણ આસપાસના ગામના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ અને પોતે બનાવેલી જૈવિક દવાઓ પૂરી પાડે છે. આખો પંથક હવે ધીમે ધીમે રાસાયણિક મુક્ત ખેતી તરફ વળી રહ્યો છે.



