વડોદરામાં બાઈકની પેટ્રોલની ટાંકીમાં વિદેશી દારૂ સંતાડી લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men caught carrying foreign liquor hidden in the petrol tank of a bike in Vadodara

![]()
Vadodara : વડોદરા શહેરના છાણી બ્રિજ ઉતરતા ફર્ટિલાઇઝરના ગેટ પાસે વોચ ગોઠવીને છાણી પોલીસે બાઇક પર જતા બે શખ્સને વિદેશી દારૂના ક્વાટરીયા સાથે ઝડપી પાડ્યા હતા. બાઈકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂના ક્વાટરિયા સંતાડી રાખ્યો હતો. દારૂ, 2 મોબાઈલ અને બાઇક મળી રૂ.64 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દારૂનું ગેરકાયદે વેચાણ તથા હેરાફેરી થતી હોય છે. જેના પર પોલીસની ટીમો સતત વોચ રાખતી હોય છે. ત્યારે છાણી પોલીસની ટીમ 8 જાન્યુઆરીના રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે એક બાઇકનો ચાલક તથા તેની પાછળ એક ઇસમ બેસેલો છે તે બન્ને ઇસમો પોતાની બાઇકની પેટ્રોલની ટાકીમાં ચોરખાનું બનાવેલ છે જે ખાનામા ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા ભરીને જવાના છે. જેના આધારે પોલીસે છાણી બ્રીજ ઉતરતા ફર્ટીલાઇઝરના ગેટ આગળ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની બાઇક આવતા તેને પોલીસે રોકી તપાસ કરી હતી ત્યારે બાઇકની પેટ્રોલની ટાકીમા બનાવેલા ચોરખાનામાં ઈગ્લીશ દારૂના 144 ક્વાટર રૂ.24 હજાર, મોબાઇલ નંગ-2 રૂ.10 હજાર તથા બાઈક કિ.રૂ.30 હજાર મળી રૂ.64 હજારના મુદામાલ સાથે પરેશભાઈ નગીનભાઈ રાઠવા (રહે-પટેલ ફળીયુ પંડરવાગામ તા.જેતપુર પાવી જી. છોટાઉદેપુર)અને રણજીતભાઇ ભરતભાઇ રાઠવા (રહે-પટેલ ફળીયુ સજુલીગામ તા.જેતપુરપાવી જી-છોટાઉદેપુર)ને ઝડપી પાડ્યા હતા.



