છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Crisis in Zari Village school as 72 Students Rely on a Single Teacher in Chhota Udepur

Chhota Udepur News : છોટા ઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ બાળકો ભાવિના ઘડતર માટે વલખાં મારી રહ્યા છે. બાળકોને ભણવું છે પણ ભણાવનારા શિક્ષકોની ઘટ છે. સૌ ભણે સૌ આગળ વધે તેવા સ્લોગનો તો સ્કૂલ પર લખવામાં આવે છે. પરંતુ શિક્ષકોના અભાવે શિક્ષણ મેળવવા વલખાં મારતા બાળકો કેમ કરીને આગળ વધે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં આવેલા અંતરિયાળ વિસ્તારના ઝરી ગામની વાત કરીએ. ગામમાં 1 થી 5 ધોરણની શાળા છે. પરંતુ શાળા બે ભાગમાં વહેંચાયેલી છે. એક શાળામાં બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2ના 72 બાળકો અભ્યાસ કરે છે. આ તમામ બાળકોને અભ્યાસ કરાવવા માટે ફક્ત એક જ શિક્ષક છે. બે વર્ગખંડમાં અલગ-અલગ બાળકોને બેસાડવામાં આવે છે. શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવે છે, ત્યારે બીજા વર્ગખંડના બાળકોને બેસી રહેવું પડે છે.

ગામમાં એક બાજુ બે ખંડ વાળી સ્કૂલ આવેલી છે તો અડધા કિલોમીટર દૂર બીજી શાળા આવેલી છે. આમ બીજી જગ્યાએ ચાલતી શાલામાં ધોરણ 3, 4, 5ના 55 બાળકો અભ્યાસ કરે છે. આ શાળાને બાળકોને પ્રાર્થના અને મધ્યાન ભોજન માટે અડધો કિ.મી. દૂરની શાળામાં ફરજિયાત આવવું પડે છે. બપોર બાદ ફરી આ બાળકોને નાસ્તા માટે પણ આવવું પડતું હોવાથી સમયનો પણ વ્યય થાય છે, જેની શિક્ષણકાર્યમાં પર પણ સીધી અસર પડી રહી છે.
પાંચ મહેકમની શાળામાં ફક્ત 3 શિક્ષક
શાળામાં શિક્ષકોની ઘટ અને બંને શાળા અલગ-અલગ દૂરના અંતરે આવેલી હોવાથી પડતી મુશ્કેલી મામલે શિક્ષકો અને વાલીઓએ તંત્રને રજૂઆત કરી છે. વાલીનું કહેવું છે કે, શાળા માટે પાંચની મહેકમ હોવા છતાં 3 જ શિક્ષક છે અને તેમાંય ગામની બે ઓરડા વાળી સ્કૂલમાં ફકત એક જ શિક્ષક હોવાથી શિક્ષણકાર્યમાં હાલાકી પડી રહી છે.

શિક્ષકે શું કહ્યું?
શિક્ષકનું કહેવું છે, હું અહીં 72 બાળકોને અભ્યાસ કરવું છું. પરંતુ બે ખંડમાં અલગ-અલગ બાળકોને અભ્યાસ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. જો એક શિક્ષક મૂકવામાં આવે તો બાળકોને પણ રાહત રહે. જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા એક વધુ શિક્ષક મૂકવા માં આવે તેવી માગ કરી રહ્યા છે .
સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે. બાળકો એક જ જગ્યાએ મધ્યાન ભોજન સાથે લઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.’



