મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો | Rajasthan Mid day meal scam acb uncovers 2000 cr rupees fraud in ashok gehlot government school

![]()
Rajasthan Mid Day Meal Scam: રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરોએ 2,000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડ મિડ ડે મિલ યોજના હેઠળ થયો હતો, જેમાં કોરોના મહામારી દરમિયાન જ્યારે તમામ સ્કૂલો બંધ હતી, તે સમયે પણ બાળકોને મિડ ડે મિલ આપવાની વાત સામે આવી છે.
આ મામલે ACB એ રાજસ્થાન સ્ટેટ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન લિમિટેડ (CONFED), સેન્ટ્રલ વેરહાઉસ અને ઘણી ખાનગી કંપનીઓ સાથે સંકળાયેલા 21 નામાંકિત આરોપીઓ સામે FIR નોંધી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોક ગેહલોત સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા અને હાલમાં ભાજપના નેતા રાજેન્દ્ર યાદવના પુત્ર અને તેમના સંબંધીઓના નામ આ કેસમાં સંડોવાયેલા છે. રાજેન્દ્ર યાદવના પુત્રો મધુર યાદવ અને ત્રિભુવન યાદવ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ખાનગી પેઢીના વિવિધ કાર્યો સંભાળતા અન્ય ઘણા સંબંધીઓના નામ પણ FIRમાં છે.
શું છે સમગ્ર મામલો?
અધિકારીઓનું કહેવું છે કે, કોરોના મહામારી દરમિયાન અશોક ગેહલોતની સરકારે CONFED માધ્યમથી શાળાના વિદ્યાર્થીઓને દાળ, તેલ, મસાલા અને અન્ય ખાદ્ય પદાર્થો ધરાવતા કોમ્બો પેક પૂરા પાડવાની વ્યવસ્થા કરી હતી. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ઘરે-ઘરે જઈને સ્કૂલના બાળકોને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, આ મામલે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો આવી છે.
આ પણ વાંચો: કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠનોએ હદ વટાવી, કલમ 370 ફરી લાગુ કરવા કરી માગણી
ACBએ તપાસ શરૂ કરી તો આ મામલો વધુ વકર્યો. ACBના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સાઓમાં કોઈપણ ખરીદી કે પુરવઠો કર્યા વિના નકલી અને મોટા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ બનાવટી બિલોના આધારે ચુકવણીઓ જારી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં રાજ્યની સંપત્તિને 2,000 કરોડનું નુકસાન થયું છે.



