બ્રિક્સ અને G7 વચ્ચે ‘બ્રિજ’ બનશે ભારત! ટ્રમ્પની દાદાગીરી વચ્ચે ફ્રાંસના મેક્રોનનું મોટું નિવેદન | emmanuel macron praises india brics bridge slams us policy greenland canada threat

Emmanuel Macron Praises India: ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને વાર્ષિક એમ્બેસેડર્સ કોન્ફરન્સમાં વિશ્વની બદલાતી સ્થિતિ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે એક તરફ ભારત સાથેના સંબંધોને નવા શિખરે લઈ જવાની વાત કરી છે, તો બીજી તરફ અમેરિકાની સંસ્થાનવાદી નીતિની આકરી ટીકા કરી છે.
ભારત: ફ્રાંસનો અતૂટ અને ભરોસાપાત્ર સાથી
ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને ‘અભૂતપૂર્વ અને સોલિડ પાર્ટનર’ ગણાવ્યું છે. તેમજ આવતા મહિને ભારતની મુલાકાત લેવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે. મેક્રોનનું દ્રઢપણે માનવું છે કે વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય ગવર્નન્સ અને નિયમોમાં મોટા પાયે સુધારાની જરૂર છે, જેમાં ભારત અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. ખાસ કરીને બ્રિક્સ(BRICS)ના અધ્યક્ષ તરીકે ભારત વિવિધ દેશો વચ્ચે એક મજબૂત બ્રિજ બનીને વૈશ્વિક વિવાદો ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે.
ભારત અને ફ્રાંસ અત્યારે સંરક્ષણ, સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને ક્લાયમેટ ચેન્જ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે, જે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે.
અમેરિકા પર આકરા પ્રહાર
ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને અમેરિકાની વર્તમાન નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, અમેરિકા પોતે જ સ્થાપેલા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. મેક્રોને ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘અમેરિકા હવે તેના જૂના અને વિશ્વાસુ સાથીદારોથી સતત દૂર થઈ રહ્યું છે અને વ્યાપાર કે સુરક્ષાને લગતા વૈશ્વિક નિયમોમાંથી પોતાને આઝાદ કરી રહ્યું છે. અમેરિકાનું આ વલણ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તે પોતાના હિતો સાધવા માટે વર્ષોથી ચાલી આવતી રાજદ્વારી મર્યાદાઓ અને શિષ્ટાચારને નેવે મૂકી રહ્યું છે.’
ગ્રીનલેન્ડ અને કેનેડાનો ઉલ્લેખ
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગ્રીનલેન્ડ પર અંકુશ મેળવવા માટે ‘લશ્કરી કાર્યવાહી’ના સંકેતો અને કેનેડા જેવા પાડોશી દેશને અપાતી ધમકીઓ પર મેક્રોને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું કે, ‘શું આપણે ખરેખર એવા યુગમાં જીવીએ છીએ જ્યાં માત્ર શક્તિના જોરે કોઈ પણ સાર્વભૌમ દેશ પર આક્રમણ થઈ શકે?’
મેક્રોને અમેરિકાના આ વલણને ‘નિયો-કોલોનિયલ એગ્રેશન’ એટલે કે નવ-સંસ્થાનવાદી આક્રમકતા ગણાવી છે. તેમના મતે, આધુનિક સમયમાં વિકસિત દેશો દ્વારા અન્ય દેશોની જમીન કે સંસાધનો પર કબજો મેળવવાની આ કોશિશ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે.
ચીનનું વિસ્તરણવાદ અને યુએનની જરૂરિયાત
મેક્રોને ચીનની વ્યાપારી આક્રમકતા સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ચીન યુરોપિયન અર્થતંત્રને નબળું પાડી રહ્યું છે. દુનિયામાં ફરીથી ‘રી-કોલોનાઇઝેશન'(ફરીથી ગુલામ બનાવવાની પ્રક્રિયા) શરૂ થઈ રહી છે. આ અરાજકતા રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર(UN)ને મજબૂત કરવાની જરૂર છે.




