राष्ट्रीय

ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ઘમસાણ : ગૃહ મંત્રાલય સામે TMC સાંસદોના દેખાવ | Tensions from Bengal to Delhi over ED raids: TMC MPs protest against Home Ministry



ED Raid and TMC MP Protest : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની I-PACની ઓફિસ પર EDના દરોડા બાદ, મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવીને મોરચો ખોલી દીધો છે. આ મામલો હવે બંગાળથી દિલ્હી પહોંચી ગયો છે, જ્યાં TMCના સાંસદો ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

દિલ્હીમાં TMC સાંસદોનો વિરોધ, પોલીસ અટકાયત

કોલકાતામાં I-PAC ઓફિસ પર EDના દરોડાના વિરોધમાં, તૃણમૂલ કોંગ્રેસના 8 સાંસદોએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેરેક ઓ’બ્રાયન, શતાબ્દી રોય, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ અને ડો. શર્મિલા સરકાર સહિતના સાંસદો ધરણા પર બેઠા હતા. જોકે, દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા તમામ સાંસદોની અટકાયત કરી લીધી છે.

મમતા બેનરજીએ ખુદ નોંધાવી ED વિરુદ્ધ FIR

આ મામલે મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતાના શેક્સપિયર સરાની પોલીસ સ્ટેશનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિરુદ્ધ જાતે ફરિયાદ નોંધાવી છે. EDના દરોડા બાદ, આ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ FIR નોંધવામાં આવી છે.

પ્રથમ FIR: મુખ્યમંત્રી દ્વારા નોંધાવવામાં આવેલી પહેલી FIRમાં ચોરી, ગુનાહિત અતિક્રમણ અને ઈલેક્ટ્રોનિક પુરાવાની ચોરી જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

બીજી FIR: બીજી FIR પોલીસે સુઓ મોટો (સ્વતઃ સંજ્ઞાન) લેતા નોંધી છે, જેમાં સરકારી કર્મચારીઓને કામ કરતા રોકવા અને ખોટી રીતે અટકાયતમાં રાખવાના આરોપો છે.

ખાસ વાત એ છે કે બંને FIR અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે અને તેમાં કોઈ ચોક્કસ ED અધિકારીનું નામ નથી.

શું છે સમગ્ર મામલો અને રાજકીય પ્રતિક્રિયાઓ?

ગુરુવારે, EDએ ‘બંગાળ કોલસા કૌભાંડ’ સાથે જોડાયેલી તપાસના ભાગરૂપે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની કંપની I-PACની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ કંપની TMC માટે રાજકીય સલાહકાર ઉપરાંત તેના IT અને મીડિયા ઓપરેશન્સનું પણ સંચાલન કરે છે. દરોડાની જાણ થતાં જ મુખ્યમંત્રી મમતા બેનરજી પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને EDની કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત અને ચૂંટણી પહેલા TMCને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

આ મામલે કોંગ્રેસે પણ EDની કાર્યવાહીની ટીકા કરી છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ શુભંકર સરકારે દરોડાના સમય પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓનો રાજકીય દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

આજે રસ્તા પર ઉતરશે મમતા બેનરજી

EDની કાર્યવાહીના વિરોધમાં, મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે એટલે કે શુક્રવારે કોલકાતામાં એક વિશાળ વિરોધ માર્ચનું આયોજન કર્યું છે. આ ઉપરાંત, TMCએ કોર્ટમાં પણ ED વિરુદ્ધ અરજી દાખલ કરીને કાર્યવાહીને ગેરકાયદેસર જાહેર કરવા અને પાર્ટીના તમામ ગુપ્ત દસ્તાવેજો તાત્કાલિક પરત કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે.



Source link

Related Articles

Back to top button