गुजरात

અમદાવાદના ચાંદખેડામાં જૂની અદાવતમાં દલિત યુવકને અપશબ્દો કહ્યા, વાહનમાં કરી તોડફોડ | Ahmedabad: Dalit Youth Attacked in Chandkheda Over Old Rivalry Two Wheeler Set Ablaze



Ahmedabad News: અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે કેટલાક અસામાજિક તત્ત્વો જાહેરમાં ધોકા અને છરાના ઘા મારીને એક્ટિવામાં તોડફોડ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયમાં ફરતો થયો હતો. આ ઘટના પહેલાં કેટલાક શખસો દ્વારા જૂની અદાવતમાં એક દલિત યુવકને પહેલાં ગાળો ભાંડવામાં આવી હતી. ત્યારબાદ ટુવ્હીલરમાં તોડફોડ કરી હતી. જે અંગે દલિત યુવકે ફરિયાદ કરતા પોલીસે અસામાજિકતત્ત્વોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 

જાણો શું છે મામલો

આ ઘટના અંગે 22 વર્ષીય કિર્તન વડનગરાએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કિર્તન લેબોરેટરીમાં સેમ્પલ કલેક્શન બોય તરીકે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદ મુજબ, કિર્તનના મિત્રો વેદાંત વર્મા અને સી.કે. ચૌહાણ સાથે આરોપીઓને અગાઉના એક મર્ડર કેસના કારણે અદાવત ચાલતી હતી. કિર્તન આ મિત્રો સાથે રહેતો હોવાથી આરોપીઓ તેને અવાર-નવાર ધમકાવતા હતા અને મિત્રતા રાખવાની ના પાડતા હતા.

આ પણ વાંચો: પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત

આ ઘટના પાંચમી જાન્યુઆરીના રોજ બપોરે સાડા ચાર વાગ્યે થઈ હતી. કિર્તન તેના મિત્ર વેદાંત સાથે એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે કે.બી. રોયલ હોમ્સના ગેટ પાસે મંથન ઠાકોર અને સિધ્ધરાજ ઠાકોરે તેમને રોક્યા હતા. આરોપીઓએ કિર્તનને જ્ઞાતિસૂચક ગાળો આપી માર માર્યો હતો. આ પછી કિશુ ઠાકોર, અમિત ઠાકોર અને અન્ય પાંચ જેટલા શખસો છરા, લાકડાના ધોકા અને લોખંડની પાઇપો સાથે આવ્યા હતા. જીવ બચાવવા માટે કિર્તન અને તેનો મિત્ર વાહન મૂકીને ભાગી ગયા હતા. ત્યારબાદ કિર્તનના એક્ટિવાને સળગાવી દીધું હતું. આ મામલે પોલીસે મંથન ઠાકોર સહિતના તમામ શખસો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય ઘટનામાં યુવકને 3 શખસે ઢોર માર માર્યો

ચાંદખેડાના સ્કાયવોક ફ્લેટમાં રહેતા એક યુવકને સોસાયટીના બેઝમેન્ટમાં આવવા-જવા મામલે અન્ય રહીશ અને તેના મિત્રોએ ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના ફ્લેટની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના અંગે પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ચોથી જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 10 વાગ્યે મયંકભાઈ સોસાયટીની બહાર આવેલા હેવમોર આઈસ્ક્રીમ પાર્લર પાસે ઊભો હતો. તે વખતે આકાશ ઠક્કર ત્યાં આવ્યો હતો અને મયંકભાઈને અટકાવીને કહ્યું હતું કે, ‘તને સોસાયટીના બેઝમેન્ટમાં આવવાની ના પાડી છે છતાં તું કેમ આવે છે? તું અમારી રેકી કરે છે?’ આટલું કહી આકાશે બેફામ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. મયંકભાઈએ ગાળો બોલવાની ના પાડતા મામલો ગરમાયો હતો. આકાશની સાથે તેના બે મિત્રો હિરેન અને કાનો પણ ત્યાં આવ્યા હતા. 

ત્રણેયએ મયંકભાઈને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન આકાશ ઠક્કરે લાકડી વડે મયંકભાઈની પીઠ અને શરીરના અન્ય ભાગે ફટકા માર્યા હતા. જેને લીધે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. મયંકભાઈએ બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકઠા થતા હુમલાખોરો ત્યાંથી ભાગ્યા અને કહતા ગયા હતા કે, જો હવે ફરીથી બેઝમેન્ટમાં દેખાયો તો તને જાનથી મારી નાખીશું.



Source link

Related Articles

Back to top button