વેનેઝુએલા બાદ વધુ એક પાડોશી દેશમાં જમીની હુમલા કરશે અમેરિકા, ટ્રમ્પની મોટી જાહેરાત | After Venezuela America will launch ground attacks on maxico : Trump

![]()
Donald trump and Maxico News : વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી બાદ, હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાડોશી દેશ મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ્સ વિરુદ્ધ જમીની કાર્યવાહી (લેન્ડ સ્ટ્રાઈક) શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રમુખ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે મેક્સિકો પર ડ્રગ તસ્કરોનું રાજ છે, જેઓ દર વર્ષે અમેરિકામાં 3,00,000 લોકોના મોત માટે જવાબદાર છે. આ જાહેરાત બાદ અમેરિકા અને મેક્સિકો વચ્ચે તણાવ વધવાની પૂરી સંભાવના છે.
ટ્રમ્પની સોશિયલ મીડિયા પર જાહેરાત
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં લખ્યું, “અમે હવે ડ્રગ તસ્કરો વિરુદ્ધ જમીની કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છીએ. મેક્સિકો પર ડ્રગ તસ્કરોનું રાજ છે. તે દેશની હાલત જોઈને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ ડ્રગ તસ્કરોનું રાજ છે અને તેઓ દર વર્ષે આપણા દેશમાં 3,00,000 લોકોનો જીવ લઈ રહ્યા છે.” આ પહેલા, ગુરુવારે રાત્રે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરી પર 97% સુધી સફળતા મેળવી લીધી છે અને હવે તેમનું ધ્યાન જમીની માર્ગો પર કેન્દ્રિત થશે.
On Hannity, Trump finally says the hard part out loud.
We are going to start bombing Cartels in Mexico.
WoooHooo!!! pic.twitter.com/vbTPgKleNR— Justin Theory (@realJustATheory) January 9, 2026
મેક્સિકોનો સખત વિરોધ
ટ્રમ્પના આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબામે અમેરિકાની કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીને સખત રીતે નકારી કાઢી છે. આ સપ્તાહની શરૂઆતમાં, શીનબામે સ્પષ્ટ કહ્યું હતું કે મેક્સિકો સુરક્ષા મામલાઓમાં અમેરિકા સાથે સહયોગ કરશે, પરંતુ ફક્ત એ જ શરતો પર જે દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરતી હોય.
જ્યારે તેમને ટ્રમ્પના નિવેદનો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે શીનબામે કહ્યું, “અમેરિકન પ્રમુખ પહેલા પણ ઘણી વખત મેક્સિકોમાં અમેરિકાની સેનાની ભૂમિકાની વાત ઉઠાવી ચૂક્યા છે, જેને અમારી સરકારે દ્રઢતાથી નકારી છે. મેક્સિકોમાં જનતાનું શાસન છે અને અમે એક સ્વતંત્ર, સ્વાયત્ત અને સાર્વભૌમ દેશ છીએ. સુરક્ષાના મુદ્દે સહયોગ માટે અમારી હા છે, પરંતુ આધીનતા અને હસ્તક્ષેપ અમને સ્વીકાર્ય નથી.”
વધતો તણાવ અને ભવિષ્યના પડકારો
ટ્રમ્પના તાજેતરના નિવેદનો અમેરિકા-મેક્સિકો સંબંધોમાં તણાવ વધારી શકે છે. જ્યાં અમેરિકા ડ્રગ તસ્કરીને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો માને છે, ત્યાં મેક્સિકો કોઈપણ એકપક્ષીય સૈન્ય કાર્યવાહીને પોતાની સાર્વભૌમત્વ પર હુમલો માને છે. આવનારા દિવસોમાં એ જોવું મહત્વનું રહેશે કે બંને દેશો આ સંવેદનશીલ મુદ્દા પર કેવી રીતે સંતુલન બનાવે છે.



