ટ્રમ્પનું અલ્ટિમેટમ, ભારત પર 500 ટકા ટેરિફ | Trump’s ultimatum 500 percent tariff on India

![]()
– બિલને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે લીલીઝંડી આપી : આગામી સપ્તાહે સેનેટમાં મંજૂરી માટે રજૂ થઈ શકે
– પુતિનના ‘વોર મશીન’ને રોકવા તેના ગ્રાહક ભારત, ચીન અને બ્રાઝિલ પર ટેરિફ લાદવા સિવાય બીજો કોઈ ઉપાય નથી : ગ્રેહામ
– ચીન અને બ્રાઝિલ પર પણ 500 ટકાના ટેરિફની લટકતી તલવાર
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત, ચીન અને બ્રાઝિલ પર ૫૦૦ ટકા ટેરિફ નાખવાના બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ આગામી સપ્તાહે સેનેટમાં મંજૂરી માટે મૂકવામાં આવી શકે છે. સેનેટર ગ્રહામ લિન્ડસેએ જણાવ્યું હતું કે આ બિલ અમેરિકાને રશિયા પાસેથી સસ્તુ ઓઇલ ખરીદતા ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોને અટકાવવા જબરદસ્ત સત્તા આપે છે.
અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે જણાવ્યું હતું કે વિવિધ મુદ્દાઓને લઈને પ્રમુખ ટ્રમ્પ સાથેની બેઠક ઘણી ઉપયોગી નીવડી હતી. તેમણે હુ અને સેનેટર બ્લુમેન્ટલ અને બીજા લોકો જેના પર મહિનાઓથી કામ કરતાં હતા તે ૫૦૦ ટકા ટેરિફ બલ પર મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે આ બિલ સમયસર આવ્યું છે.
તેમણે ઉમેર્યુ હતું કે યુક્રેન શાંતિ માટે તેની કેટલીક શરતોમાં બાંધછોડ કરવા તૈયાર થયું છે. પુતિન પણ વાતચીત કરી રહ્યા છે અને સતત નિર્દોષ લોકોને મારી રહ્યા છે. આ બિલના લીધે પ્રમુખ ટ્રમ્પને પુતિનના વોર મશીનને ફાઇનાન્સ કરતાં ભારત,ચીન અને બ્રાઝિલ જેવા દેશ સામે ટેરિફ લાદવાની સત્તા મળશે. આગામી અઠવાડિયે સેનેટમાં આ બિલ રજૂ કરાયા પછી તે કાયદો બનશે.
આ બિલમાં સૌથી મહત્ત્વનો શબ્દ એ છે કે સેકન્ડરી પરચેઝર અને રિસેલર એટલે કે યુક્રેન યુદ્ધ શરુ થયુ તે પહેલા જે દેશો રશિયા પાસેથી ઓઇલ ખરીદતા હતા અને હજી પણ ખરીદી રહ્યા છે તેના પર આ પ્રતિબંધ લાગુ નહી પડે. બીજા શબ્દોમાં કહીએ તો યુરોપીયન યુનિયનના દેશોને આ પ્રતિબંધ લાગુ નહી પડે, જેમણે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પણ રશિયા પાસેથી ઓઇલ-ગેસના સ્વરૂપમાં ૨૧૮ અબજ ડોલરની ખરીદી છેલ્લા ચાર વર્ષમાં કરી છે, આ દેશો તો પહેલેથી જ ઓઇલ-ગેસ ખરીદતા હતા અને તે ચાલુ રાખ્યુ હતુ. જો કે તેમા ઘટાડો પણ કર્યો છે.
તેનાથી ભારત,ચીન અને બ્રાઝિલે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયા પાસેથી ઓઇલ ખરીદીને તેના વોર મશીનને ફાઇનાન્સ કર્યુ હતું ઉલ્લેખનીય છે કે ભારતે રશિયા પાસેથી ૨૦૨૨થી ૨૦૨૬ દરમિયાન કુલ ૧૬૮ અબજ ડોલરના ઓઇલની તો ચીને ૨૪૫ અબજ ડોલરના ઓઇલની ખરીદી કરી છે અને ૪૯ અબજ ડોલરના ગેસ સાથે તેની કુલ ખરીદી ૨૯૩ અબજ ડોલરે પહોંચે છે. બ્રાઝિલે છેલ્લા એક વર્ષમાં ૨૦ અબજ ડોલર તો ચાર વર્ષમાં લગભગ ૮૦ અબજ ડોલરથી પણ વધુ ખરીદી કરી હોવાનું માનવામાં આવે છે. જ્આ યુદ્ધ પહેલા ભારતના ક્રૂડ ઓઇલ બાસ્કેટમાં રશિયાનો હિસ્સો માંડ ૦.૨ ટકા હતો, જે પછી વધીને એક સમયે ૪૦ ટકાની ટોચની સપાટીએ પહોંચી ગયો હતો જે હાલમાં ૩૩ ટકા છે.
ગ્રેહામે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે આગામી સપ્તાહે સેનેટમાં આ બિલ પસાર થઈ જશે. તેમનો દાવો છે કે રશિયા-યુક્રેનને શાંત કરવાનો આ જ એકમાત્ર માર્ગ છે. ટ્રમ્પે હાલમાં ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. તે વિશ્વમાં સૌથી વધારે છે અને તેમા ૨૫ ટકા ટેરિફ તો રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ લાદ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે જ રશિયા પાસેથી પ્રતિ દિન ૧૮ લાખ બેરલ ઓઇલ ખરીદતું હતું તે ડિસેમ્બર ૨૦૨૫ના અંતે ઘટીને પ્રતિ દિન ૧૨ લાખ બેરલ થઈ ગયું હતું.
ગ્રેહામે જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા પુતિનના ગ્રાહક ભારત,ચીન અને બ્રાઝિલ પર દબાણ લાવવું જરૂરી છે. આ દબાણ ટેરિફ બિલના કારણે તે શક્ય બનશે. તેમણે જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને તેમની ટીમનું આ જબરદસ્ત શક્તિશાળી પગલું છે. તેના દ્વારા જ આ યુદ્ધનો અંત લાવવો શક્ય છે. તેમણે જણાવ્યું હતું કે હું મહિના પહેલા ભારતીય રાજદૂતાવાસે યોજેલા સમારંભમાં હતો તેમા તેણે મને જણાવ્યું હતું કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ઓછું કર્યુ છે. તે જાણીને મને પણ થયું કે અમેરિકાએ લાદેલા ટેરિફ કામ કરવા માંડયા છે.
ટ્રમ્પ પોતે પણ કહી રહ્યા છે કે અમેરિકાના પ્રતિબંધોના લીધે રશિયાની સ્થિતિ ખરાબ છે અને હવે તેના સહયોગી દેશો પર જો ટેરિફ નાખી દેવાય તો આ યુદ્ધ અટકવાની સંભાવના પ્રબળ છે. ૨૨મી ફેબુ્રઆરીના રોજ રશિયા-યુક્રેન યુદ્ધને ચાર વર્ષ પૂરા થશે.



