ઈંદોરની જેમ જળકાંડની દહેશત વચ્ચે, અમદાવાદમાં ૩૦૦ કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જુની લાઈન બદલાશે | Amidst the fear of floods like in Indore

![]()
અમદાવાદ,ગુરુવાર,8
જાન્યુ, 2026
અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી,કમળો, ટાઈફોઈડ અને કોલેરાના
કેસ વધી રહયા છે. ઈંદોરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં સતત મિટીંગના દોર શરુ થઈ ગયા છે. રોગચાળા માટે ૨૬ હોટસ્પોટ એરીયા
જાહેર કરાયા છે. ગોમતીપુર,બહેરામપુરા
અને દાણીલીમડા સહિતના અનેક એવા વિસ્તાર છે કે જયાં કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની
લાઈન પસાર થાય છે તે વિસ્તારમા લાઈન બદલવા મકાનો તોડવા પડે એવી સ્થિતિ સર્જાઈ
છે.કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરુ કરવામા આવ્યો છે.સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેનના કહેવા મુજબ,પાણી અને
ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રુપિયા ૩૦૦ કરોડનો ખર્ચ થશે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણીના કારણે ટાઈફોઈડ
સહિતના રોગના કેસ વધ્યા છે.જેને કારણે કોર્પોરેશનના હેલ્થ અને ઈજનેર વિભાગ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો છે. આગામી
સમયમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આ પહેલા શહેરમાં રોગચાળાની
પરિસ્થિતિ વકરે નહીં એ માટે મ્યુનિસિપલ કમિશનરની સાથે શાસક ભાજપના હોદ્દેદારો પણ
કામે લાગી ગયા છે. જે વિસ્તારોમાં લોકોને પ્રદૂષિત પાણી મળે છે એ વિસ્તારના લોકોને
જયાં સુધી પ્રદૂષણની સમસ્યા હલ ના થાય ત્યાં સુધી ટેન્કરથી પાણી પુરુ પાડવા પાછળ
પણ કોર્પોરેશન લાખો રૃપિયાનો ખર્ચ કરે છે. થોડા સમય પછી ફરી જે સ્થળે પાણીમા
પોલ્યુશન આવવાની સમસ્યા અગાઉ થઈ હોય ત્યાંના લોકોની ફરિયાદ તંત્રને મળે
છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,પાણીના પોલ્યુશનની સમસ્યાના કાયમી નિકાલ માટે વર્ષો જુની લાઈનના સ્થાને નવી લાઈન નાંખવાનો નિર્ણય કરવામા આવ્યો છે.વિવિધ
વિસ્તારમાં આવેલા વેજીટેબલ માર્કેટ અને ખાણી-પીણી બજારમાંથી સડેલા બટાકા સહિતના અન્ય
શાકભાજીના જથ્થાનો નાશ કરવાથી લઈ તમામ સ્થળે સાફ સફાઈ રાખવા તમામ વિભાગને તાકીદ
કરવામા આવી છે.
વર્ષો જુના મકાન તોડવા રહીશો સંમતિ આપશે કે કેમ?
પૂર્વ અને દક્ષિણ અમદાવાદના વિસ્તારમાં ચાલીઓમા રહેતા લોકો
મોટાભાગે ગરીબ અને શ્રમિક વર્ગના છે. ૩૦ કે ૪૦ વર્ષથી જે ચાલીઓમાં લોકો રહે છે.
એવા લોકોના મકાન નીચેથી પસાર થતી કોર્પોરેશનની પાણી અને ડ્રેનેજની લાઈન વર્ષો પછી
બદલવા તેમના મકાન તોડવા તેઓ સંમતિ આપશે કે
કેમ? ઉપરાંત
માની લો કે તેઓ સંમતિ આપે તો પણ તેમના મકાન તોડવામા આવે તે સામે કોર્પોરેશન તરફથી
તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આર્થિક વળતર અપાશે કે પછી આવાસની ફાળવણી કરાશે આ
મુદ્દા ઉપર પણ હજુ સુધી કોર્પોરેશનના સત્તાધીશો કે તંત્ર તરફથી કોઈ નકકર નિર્ણય
લેવામા આવ્યો નથી.
સ્ટેન્ડિંગ કમિટી પહેલા મેયરની એન્ટી ચેમ્બરમાં હોદ્દેદારોએ
બેઠક કરી
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમા સામાન્ય રીતે મ્યુનિસિપલ
કમિશનર હાજર જ રહેતા હોય છે. આમ છતાં ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા
મેયરની એન્ટી ચેમ્બરમાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે એક
મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં શહેરમા રોગચાળાને લઈ ઉદભવેલી સ્થિતિ અને તેને
કેવી રીતે નિયંત્રણમા લેવી એ મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી.બુધવારે કમિશનરે વીકલી
રીવ્યુ બેઠકમાં રોગચાળાને લઈ અધિકારીઓ ઉપર ગાજ વરસાવી હતી.તેને શાંત કરવા પ્રયાસ
કરાયો હતો.
વોટર સ્ટેશનમાં કલોરીન ડોઝીયર ફરજિયાત કરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
હસ્તકના શહેરના વિવિધ વોર્ડમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં કલોરીન ડોઝીયર
લગાવવુ ફરજિયાત કરાયુ છે. સ્ટેન્ડિંગ કમિટીમા લેવામા આવેલા નિર્ણય મુજબ, અત્યારસુધી વોટર
સ્ટેશનમાં પાણી માટે પી.એચ.વેલ્યુ અને ટર્બીડીટી ચેક કરાતી હતી.ચેરમેનના કહેવા
મુજબ, વોટર
સ્ટેશન માટે આવનારા સમયમાં કેટલાક પેરામીટર્સ બદલવામા આવશે.જેમાં ઈકોલાઈ બેકટેરીયા
કે પાણીની અંદરના ટોકસીનને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપર માપવામા આવશે.જેના
પરિણામે પાણીમા કોઈ શંકા લાગે તો પાણીના વિતરણને તાકીદે અટકાવાશે.કલોરીન ડોઝીયર
મુકી કલોરીન ટેસ્ટ કરાશે.
સાત ઝોનમાંથી પાણીના ૭૫૬ સેમ્પલ લેવાયા
અમદાવાદમા પાણીજન્ય રોગચાળો અટકાવવા
સાત ઝોનમાંથી પાણીના ૭૫૬ સેમ્પલ લેવામા આવ્યા છે.દક્ષિણ ઝોનમાંથી ૧૨૫, ઉત્તરઝોનમાંથી
૧૨૧, દ.પ.ઝોનમાંથી
૧૨૧, મધ્યઝોનમાંથી
૧૦૮, ઉત્તર-પશ્ચિમ
ઝોનમાંથી ૧૦૧ ઉપરાંત પૂર્વ ઝોનમાંથી ૯૭ તથા પશ્ચિમ ઝોનમાંથી ૮૯ પાણીના સેમ્પલ કોર્પોરેશન દ્વારા લેવામા આવ્યા છે.



