GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC field supervisor seized

![]()
2006થી 2018 દરમિયાન 8.04 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું એસીબીની તપાસમાં ખૂલ્યું હતું, ઇડીની મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી
ધીરૂભાઇ શર્માના જલાશ્રમ રિસોર્ટ, ખેતીની જમીન, મકાન, દુકાન સહિતની મિલકત જપ્ત : જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા લીધેલી લોનની ભરપાઇમાં ગોટાળા કર્યાનું ઇડીની તપાસમાં ખૂલ્યું
નડિયાદ: અમદાવાદ ઝોનલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદના તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ધીરુભાઈ બાબુભાઈ શર્મા વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૪.૯૨ કરોડની સંપત્તિ કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે. આ મિલકતોમાં નડિયાદમાં આવેલો જલાશ્રય રિસોર્ટ, ખેતીની જમીન, રહેણાંક મકાન અને કોમશયલ દુકાનનો સમાવેશ થાય છે. હાલ નિવૃત જીવન જીવી રહેલા ધીરુભાઈ શર્મા વિરુદ્ધ આ કાર્યવાહી આણંદ એસીબી દ્વારા નોંધવામાં આવેલા અપ્રમાણસર મિલકતના કેસ અને તેના અહેવાલના આધારે કરવામાં આવી છે.
આ કેસમાં નડિયાદ કનેક્શન અને જલાશ્રય રિસોર્ટ મુખ્ય કેન્દ્રમાં છે. વર્ષ ૨૦૧૨માં ધીરુભાઈ શર્માના પત્ની અને પુત્ર મયંક શર્મા દ્વારા સ્થાપિત આ રિસોર્ટનો સંપૂર્ણ વહીવટ મયંક શર્મા સંભાળતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આશરે બે વર્ષ પહેલા આ જલાશ્રય રિસોર્ટ પર એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે તે સમયે ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું કે, શર્માએ ૧.૦૪.૨૦૦૬થી ૩૧.૦૩.૨૦૧૮ના સમયગાળા દરમિયાન પોતાની આવકના જાણીતા સ્ત્રોત કરતા ૩૫૪.૫૬ ટકા વધુ એટલે કે, ૮.૦૪ કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ અહેવાલના આધારે જ ઈડીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઈડીની તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, ધીરુભાઈ શર્મા, તેમના પરિવારના સભ્યો અને તેમની કંપની મેસર્સ જલાશય રિસોર્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા લેવામાં આવેલી લોનની ભરપાઈ કરવા માટે શંકાસ્પદ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોનની પરત ચુકવણી માટે બેંક ખાતાઓમાં મોટા પ્રમાણમાં રોકડ જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ રકમ તાત્કાલિક કૃષ્ણા ફાઇનાન્સમાં લોન પેમેન્ટ તરીકે ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પરંપરાગત બેંકિંગ માધ્યમોને બદલે સીધી રોકડ જમા કરાવીને નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જલાશ્રય રિસોર્ટના વિકાસ માટે વર્ષ ૨૦૦૭માં ૫.૪૦ લાખમાં ખરીદાયેલી ૫૨ ગુંઠા જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં ૫.૫૦ કરોડની સિક્યોર્ડ લોન લેવામાં આવી હતી, જે વર્ષ ૨૦૧૮માં વધીને ૭.૮૫ કરોડ થઈ હતી. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ૨૦૧૫થી ૨૦૨૦ના ગાળામાં રિસોર્ટના કામકાજ માટે પરિવાર દ્વારા ૧.૧૯ કરોડની અનસિક્યોર્ડ લોન પણ મેળવવામાં આવી હતી. આ ઉપરાંત, શર્માએ પોતાના અને પરિવારના નામે લીધેલી વીમા પોલિસીઓના પ્રીમિયમ પણ રોકડમાં ભરીને મની લોન્ડરિંગનો આશરો લીધો હતો. હાલમાં આ મિલકતો જપ્ત કરીને તપાસ એજન્સી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
– વિવાદીત જલાશ્રય રિસોર્ટનો સંપૂર્ણ ઘટનાક્રમ
૦૧ એપ્રિલ ૨૦૦૬ : એસીબી દ્વારા નિર્ધારિત ‘ચેક પીરિયડ’ શરૂ થયો. તપાસ સંસ્થાએ આ તારીખથી જ ધીરુભાઈ શર્માની આથક આવક-જાવકનું ઓડિટ કરવાનું નક્કી કર્યું હતું.
૧૨ મે ૨૦૧૪ : નડિયાદમાં ‘જલાશ્રય રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ’ની સ્થાપના થઈ. મયંકકુમાર શર્મા અને શોભનાબેન શર્માને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે નિયુક્ત કરાયા.
૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭ : કંપનીની છેલ્લી અધિકૃત વાષક સામાન્ય સભા યોજાઈ હતી. તપાસ મુજબ, આ સમય બાદ કંપનીના નાણાકીય દસ્તાવેજોમાં પારદશતા ઘટી હતી.
૩૧ માર્ચ ૨૦૧૮ : એસીબીના ૧૨ વર્ષના તપાસ સમયગાળાનો અંત આવ્યો. આ ગાળા દરમિયાન થયેલી કુલ કમાણી અને ખર્ચના અંતે ૮.૦૪ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું.
જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૦ : આણંદ એસીબી પોલીસ સ્ટેશનમાં ધીરુભાઈ શર્મા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી. તેમાં પીસી એક્ટની કલમ ૧૩(૧)(બી) અને ૧૩(૨)નો ઉમેરો કરાયો.
વર્ષ ૨૦૨૧ (પ્રારંભિક માસ) : ભ્રષ્ટાચારના નાણાંથી મિલકત ખરીદવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ સમાંતર તપાસ શરૂ કરવામાં આવી.
૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરતા ૪.૯૨ કરોડનીની સ્થાવર મિલકતો (જેમાં જલાશ્રય રિસોર્ટ, દુકાનો અને જમીનનો સમાવેશ થાય છે) કામચલાઉ ધોરણે જપ્ત કરવામાં આવી.
વર્ષ ૨૦૨૨ – ૨૦૨૩ : આરોપીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અને ઈડીની જપ્તી સામે કાયદાકીય રક્ષણ મેળવવા કોર્ટમાં દાદ માંગવામાં આવી, જેની કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહી.
વર્ષ ૨૦૨૫ (વર્તમાન સ્થિતિ : ઈ.ડી. દ્વારા જપ્ત કરાયેલી ૪.૯૨ કરોડની મિલકતોને એડજ્યુડિકેટિંગ ઓથોરિટી દ્વારા કન્ફર્મ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે અને તમામ મિલકતો સરકારના ટાંચ હેઠળ છે.



