મિનીયાપોલિસમાં ઈમિગ્રેશન અધિકારીએ ગોળી મારીને મહિલાની હત્યા કરતાં હોબાળો | Outrage as immigration officer shoots and kills woman in Minneapolis

![]()
– 37 વર્ષની મહિલા અમેરિકન નાગરિક હતી : ડેમોક્રેટ સેનેટર
– મિનેસોટા રાજ્યમાં ‘ટ્રમ્પ મસ્ટ ગો નાઉ’ના નારા સાથે ઈમિગ્રેશન નીતિના વિરોધમાં હજારો લોકો રસ્તા પર, સ્કૂલ-કોલેજો બંધ
– ત્રણ સંતાનોની માતા મૃતક રેની નિકોલ કવિતાઓ લખતી હતી : ઘરની નજીક જ તેની હત્યા થઈ, વીડિયો વાયરલ
મિનીયાપોલિસ : મિનેસોટા રાજ્યના મિનીયાપોલિસમાં ૩૭ વર્ષની મહિલા રેની નિકોલ ગુડ કાર ચલાવીને ઘરે જતી હતી. ઈમિગ્રેશન વિભાગના અધિકારીએ તેને અકારણ રોકી હતી. તેણે કારને આગળ જવા દેતાં ઈમિગ્રેશન અધિકારીએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. આ ઘટનાના પગલે રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. હજારો લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ભીડને વિખેરવા માટે પોલીસે ટીઅર ગેસ છોડયો હતો. ઈમિગ્રેશન વિભાગે બચાવ કર્યો હતો કે અધિકારીએ આત્મરક્ષણમાં ગોળી ચલાવી હતી.
મિનીયાપોલિસમાં ૩૭ વર્ષની મહિલા રેની નિકોલ ગુડ ઘરે જઈ રહી હતી. તે ઘરની સાવ નજીક પહોંચી ગઈ હતી ત્યારે જ ઈમિગ્રેશન અધિકારીએ તેને રોકી હતી. એ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે એ પ્રમાણે મહિલા સાથે ઈમિગ્રેશન અધિકારીએ કશીક વાત કરી હતી. એનો જવાબ આપીને મહિલાએ કાર આગળ ચલાવી હતી કે તરત જ ઈમિગ્રેશન અધિકારીએ મહિલા પર ગોળી ચલાવી દીધી હતી. મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લોહીથી ખરડાયેલી કારનો વીડિયો સામે આવ્યો પછી લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
મિનીયાપોલિસ સહિત આખાય મિનેસોટા રાજ્યમાં હજારો લોકો ટ્રમ્પ મસ્ટ ગો નાઉના નારા સાથે મહિલાનો ફોટો હાથમાં લઈને રસ્તા પર ઉતરી ગયા હતા. આખાય રાજ્યમાં સ્થિતિ તંગ બની જતાં કેટલાક સ્થળોએ પોલીસે ટીઅર ગેસ છોડીને ભીડને વિખેરી હતી. મિનેસોટાના ગવર્નરે આ ફાયરિંગની ઘટનાનો વિરોધ કર્યો હતો. ઈમિગ્રેશન વિભાગના સેક્રેટરી એવો બચાવ કરી રહ્યા છે કે અધિકારી કારમાં ફસાઈ ગયો હતો અને મહિલાએ કાર ચલાવી તેથી તેના જાનનું જોખમ સર્જાયું હતું, એટલે આત્મરક્ષણમાં તેણે ગોળી ચલાવી હતી. તેની સામે ગવર્નરે કહ્યું હતું કે ઈમિગ્રેશન વિભાગની દલીલમાં કોઈ જ તથ્ય નથી. વીડિયોમાં તેનાથી તદ્ન જુદી જ સ્ટોરી દેખાઈ રહી છે. અધિકારીએ મહિલાના જીવની પરવા કર્યા વગર ઘમંડથી ગોળી ચલાવી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.મિનેસોટાના ડેમોક્રેટ સેનેટર ટીના સ્મિથે કહ્યું હતું કે મહિલા કોઈ વિરોધ પ્રદર્શનનો હિસ્સો ન હતી. ઈમિગ્રેશન વિભાગ સામે પ્રદર્શનો કરતાં કોઈ ગુ્રપની સભ્ય ન હતી. એના પર ઈમિગ્રેશનના કોઈ આરોપો ન હતા. તે અમેરિકન નાગરિક હતી, છતાં અધિકારીએ તેને ટાર્ગેટ કરી હતી. આ મહિલા અંગ્રેજી ભાષા-સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થઈ હતી. કવિતાઓ લખતી હતી. ક્રિએટિવ રાઈટિંગ કરતી હતી. ગિટાર વગાડતી હતી. તેને એક છ વર્ષના દીકરા સહિત ત્રણ સંતાનો છે. ઉલ્લેખનીય છે કે મિનેસોટા રાજ્યમાં ઈમિગ્રેશનની કાર્યવાહી સૌથી વધુ થઈ રહી છે. અત્યાર સુધીમાં ૧૫૦૦ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.



