ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો | Uproar as Mamata take files from IPAC office during ED raid

![]()
– કોલસા ‘કૌભાંડ’ કેસમાં આઈ-પેકની ઓફિસ પર ઈડીની કાર્યવાહી
– ઈડી અને આઈ-પેકની કલકત્તા હાઈકોર્ટમાં સામ-સામે અરજી, દરોડા રાજકારણ પ્રેરિત હોવાનો મુખ્યમંત્રી મમતાનો આક્ષેપ
– દરોડામાં આઈ-પેક વિરુદ્ધ કોલસા કૌભાંડ અંગે જપ્ત કરેલા મહત્વના પુરાવા મમતા બેનરજી લઈ ગયા : ઈડી
કોલકાતા : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે અચાનક જ કથિત રીતે કરોડો રૂપિયાના કોલસા ‘કૌભાંડ’ કેસમાં કોલકાતામાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસની પોલિટિકલ કન્સલટન્સી કંપની આઈ-પેકની ઓફિસ અને તેના ચેરમેન પ્રતિક જૈનના ઘર પર દરોડા પાડયા હતા. ઈડીની કાર્યવાહીથી ભડકેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ દરોડાને રાજકીય કાવતરું ગણાવ્યા હતા. એટલું જ નહીં મમતા બેનરજી પોતે આઈ-પેકની ઓફિસે પહોંચ્યા અને કેટલીક ફાઈલો લઈને જતા રહ્યા. તેમણે આ કાર્યવાહીને રાજકારણ પ્રેરીત ગણાવતા રાજકીય હોબાળો મચી ગયો છે. બીજીબાજુ ઈડી અને આઈ-પેક બંનેએ કલકત્તા હાઈકોર્ટમાં સામ-સામે અરજીઓ કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે વહેલી સવારે ૭.૦૦ કલાકે અર્ધ લશ્કરી દળોની ટીમોની હાજરીમાં કોલકાતાના સોલ્ટ લેક ખાતે આઈપેકની ઓફિસ, તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર અને દિલ્હીમાં ચાર સ્થળો સહિત કુલ ૧૦ સ્થળો પર દરોડા પાડયા હતા. ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (આઈ-પેક)ના સહ-સ્થાપક અને ડિરેક્ટર પ્રતીક જૈન વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં કોલસા ‘કૌભાંડ’ કેસમાં ચોક્કસ હવાલા ટ્રાન્ઝેક્શન્સ અને રોકડ સોદા કર્યાના ચોક્કસ પુરાવા હોવાના ઈડીના સૂત્રોએ દાવો કર્યો હતો.
પ્રતીક જૈન પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના આઈટી સેલના વડા પણ હોવાથી ઈડીની કાર્યવાહી મુદ્દે મુખ્યમંત્રી મમતા બેનરજી ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. મમતા બેનરજી સોલ્ટ લેક ખાતે આઈ-પેકની ઓફિસ પહોંચ્યા હતા અને સીએમઓના અધિકારીઓ સાથે કેટલીક ફાઈલો લઈને જતા રહ્યા હતા. મમતા બેનરજીએ ઈડીની કાર્યવાહીને ‘રાજકારણ પ્રેરીત’ અને ‘ગેરબંધારણીય’ ગણાવી હતી. મમતા બેનરજીએ કહ્યું કે, તેમણે અમારા આઈટી વડાના ઘરે દરોડા પાડયા છે. તેમણે મારા પક્ષના દસ્તાવેજો અને હાર્ડ ડીસ્ક જપ્ત કરી છે, જેમાં વિધાનસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારો અંગેની વિગતો છે, પરંતુ મેં આ દસ્તાવેજો પાછા મેળવી લીધા છે. તેમણે કેન્દ્રીય એજન્સી પર હાર્ડ ડીસ્ક, મોબાઈલ ફોન્સ, ઉમેદવારોની યાદી અને શાસક પક્ષની આંતરીક વ્યૂહરચનાના દસ્તાવેજો લઈ જવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે રાજકીય પક્ષનો ડેટા એકત્ર કરવો એ શું ઈડીની ફરજ છે? ઈડીના અધિકારીઓ અચાનક ૧૦ વર્ષ જૂના કેસમાં કેમ જાગ્યા?
મમતા બેનરજીની દખલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં રાજકીય વિવાદ સર્જાયો છે. આવા સમયે ઈડી અને આઈ-પેક બંનેએ કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કલકત્તા હાઈકોર્ટમાં ન્યાયાધીશ શુભ્રા ઘોષ સમક્ષ દાખલ અરજીમાં ઈડીના અધિકારીઓએ મુખ્યમંત્રી મમતા બેનરજી અને સીએમઓના અધિકારીઓ પર તેમની કાર્યવાહીમાં અવરોધ ઊભા કરવાનો આરોપ મૂક્યો હતો. આ કેસની સુનાવણી આવતીકાલે થઈ શકે છે.
બીજીબાજુ આઈ-પેક પણ ઈડી વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટ પહોંચી હતી અને દરોડા રોકવા માટે અરજી કરી હતી. આ સાથે આઈ-પેકે ઈડીના અધિકારીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા દરોડા વખતે મહત્વના દસ્તાવેજો ચોરવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે કહ્યું કે, તેમને ઈડીના અધિકારીઓ વિરુદ્ધ ચોરીની ઔપચારિક ફરિયાદ મળી છે. અમે કેસની તપાસ કરી રહ્યા છીએ.


